ડંફાસખોર ગધેડો .
એક ગામ હતું, એમાં એક ખેડૂત હતો. જેને એક બળદ હતો અને એ ગામમાં એક કુંભાર પણ હતો જેને એક ગધેડું હતું. અવાર-નવાર આ બળદ અને ગધેડું વગડામાં ચરવા માટે ભેગા થઈ જતા.
ચરતાં ચરતાં બંનેની દોસ્તી થઈ ગઈ. બંને એકબીજાને પોતાના સુખદુ:ખની વાતો કરવા માંડયા. એમાં ગધેડો થોડું વધારે બોલનારો અને હલકા સ્વભાવનો હતો એટલે એક દિવસ એવું બન્યું કે બળદની પાસે તેના માલિક ખેડૂતે વધારે કામ કરાવ્યું. કામ કરી કરીને બળદ થાકી ગયો એટલે બીજા દિવસે બળદ ગધેડા આગળ બળાપો કાઢવા માંડયો એટલે ગધેડો બળદને સલાહ આપવા માંડયો કે આવા ખેડૂતની મજૂરી કરાય જ નહીં. જે તને કામ કરાવી કરાવીને થકવી નાંખે. તું તેનું કામ છોડીને ક્યાંક દૂર નદી કાંઠે ગુફા પાસે ચાલ્યો જા. છો ખેડૂત શોધ્યા કરે. ટેન્શન લેને કા નહીં મગર દેને કા.
બળદના મનમાં તો ખેડૂત માટે ગુસ્સો ભરેલો હતો એટલે એણે તો ખેડૂતનું ઘર પડતું મૂકી પકડી નદીકાંઠે ગુફાની વાટ અને પહોંચી ગયો દૂર દૂર ગુફામાં.
થોડીવાર પછી બળદ ઘરે ન આવવાથી ખેડૂત તેને શોધતો શોધતો ગધેડા પાસે આવ્યો અને ગધેડાને પૂછ્યું કે મારો બળદ ક્યાંક ચાલ્યો ગયો છે. તું કાંઈ જાણે છે ? એટલે ગધેડો ડંફાસ મારતો બોલ્યો કે તે તમે કામ કરાવી કરાવીને થકવી નાંખો એટલે તમારી પાસે ન જ રહે ને ! ગધેડાની આ વાત સાંભળીને ખેડૂત સમજી ગયો કે ગધેડો કંઈક જાણે છે એટલે ગધેડાને પટાવીને ફોસલાવીને એ પોતાના ખેતરમાં લઈ ગયો અને ત્યાં હળ સાથે બાંધી આખો દિવસ ખેતર ખેડવાની મજૂરી કરાવીને થકવી નાખ્યો અને સાંજે થોડો મેથીપાક આપીને પૂછ્યું કે બોલ મારો બળદ ક્યાં છે ? ગધેડાભાઈથી મેથીપાક (માર) સહન ન થયો એટલે બોલી ગયા કે નદીકાંટે ગુફા બાજુ. પછી ખેડૂત બળદને ગુફા પાસેથી શોધી લાવ્યો. ત્યારબાદ ગધેડાને છોડયો.
આમ,ડંફાસો ઠોકનાર અને ખોટી સલાહ આપનારને માર ખાઈને ઘેર પાછા આવવું પડે છે.
- કર્દમ ર.મોદી