કલબવેરની લેટેસ્ટ ફેશન પહેરીને સંગીતના તાલે ઝુમતી યુવાની

- લાયક્રા કે શિફોનના ટોપ્સ, શોર્ટ સ્કર્ટ, પેન્ટ, સ્ટિલટોઝ અને ડિઝાઈનર બેગ દ્વારા દેખાવ 'ગ્લેમરસ' બને છે
આજકાલ શહેરોમાં નાઈટ પાર્ટી, પબ કે ડિસ્કોમાં જવાનું ચલણ વધી રહ્યું છે. આ બધા સ્થળે સોમથી શુક્ર એટલી ભીડ હોતી નથી. પરંતુ શનિ- રવિમાં તો હીપ- હોટ ડ્રેસ પહેરતાં યુવક- યુવતીઓ તેમની મસ્તીમાં મસ્ત જોવા મળે છે. શું તમે જાણો છો કે, પબ, ડિસ્કો કે લોન્જબારમાં પ્રવેશ માટે તમારે લેટેસ્ટ ફેશનના કપડા પહેરવા જરૂરી છે? નવીનતમ ડિઝાઈનના પાશ્ચાત્ય કપડા પહેર્યા હોય તો જ રાતોની રંગત માણવા આ બધા સ્થળે અંદર પ્રવેશ મળે છે. તેથી રાતના આવા સ્થળે જઈને નાચવાનો શોખ પૂરો કરવો હોય તો તે પ્રકારનો પોશાક હોવો જરૂરી છે.
કલબ કે નાઈટ પાર્ટીમાં જતી વખતે આધુનિક છતાં આકર્ષક પરિધાન હોવા જરૂરી છે. આ પ્રકારે રાતોમાં ફરવા જનારા યુવાનો મોટેભાગે પૈસાપાત્ર હોવાથી અર્માની કે વર્સેસના ગ્લેમરસ પરિધાન પહેરેલાં જોવા મળે છે. પરંતુ પ્રત્યેકના ખિસ્સાને આવા મોંઘાદાટ કપડા પરવડતા નથી. કેટલાંક ભારતીય ડિઝાઈનર પણ ક્લબવેર પરિધાન બનાવે છે. તેમની ડિઝાઈન અનુસારના પોશાક પણ સુંદર દેખાય છે.
યુવકોમાં જેકેટની ફેશન જોર પકડી રહી છે. વેલવેટના કાળા રંગના જેકેટમાં પોકેટ પર સ્વરોવસ્કી લગાડેલા હોય છે. આ જેકેટ થોડું લાંબુ હોય છે. એટલે '૫૦ના દાયકામાં રહેલું જાઝ લુક બની જાય છે. તેની સાથે ફન અને કલાસિકનુ સુમેળ દર્શાવતું બ્લેક લેધર પેન્ટ અને સફેદ ઈટાલીયન શર્ટ સરસ દેખાય છે. યુવતીઓ લાયક્રા કે જયોર્જટના સ્વરોવસ્કીની પેટર્ન ધરાવતાં ડ્રેસ, સ્વરોવસ્કીની બોર્ડર સાથેના શર્ટ ટોપ્સ અને નાનકડા શોર્ટ સ્કર્ટમાં ખૂબ જ આકર્ષક દેખાય છે. રાતના શોખીન યુવક- યુવતીઓમાં આ પ્રકારના પરિધાનની બોલબાલા જોવા મળે છે.
લાયક્રાનું પોલોનેકનું સ્લીવલેસ ટોપ અને સફેદ ફોર્મલ પેન્ટ દિવસ દરમ્યાન સારા લાગે છે. તેજ રીતે તે પહેરીને રાતના ક્લબ કે પબમાં જવામાં વાંધો આવતો નથી. પોલોનેકના ટોપમાં ક્રિસ્ટલ લગાડેલા હોવાથી તે ગ્લેમરસ દેખાય છે. આમ જોવા જઈએ તો આ પોશાક અત્યંત સાદો છે પરંતુ ક્રિસ્ટલ લગાડવાથી તે ગ્લેમરસ બની જાય છે.
ઉનાળામાં પાર્ટી પ્રેમીઓને ધ્યાનમાં રાખીને કોટન એટલે કે સુતરાઉના જર્સી બનાવવામાં આવ્યા છે. ટોપ્સ તથા બેલ્ટ સાથેના ટયુનીક્સ સરસ દેખાય છે. તેની સાથે જીન્સ અથવા ટેક્સચર્ડ પેન્ટ પહેરવામાં આવે છે. રાતના પાર્ટીમાં જનારા યુવાવર્ગનો મનપસંદ રંગ કાળો છે. તે ઉપરાંત ક્રીમ, એકવા અને પિંક રંગમાં પણ આ કલેકશન મળે છે. અહીં જાણવા જેવી સૌથી મહત્ત્વની વાત એ છે કે, ક્લબવેરમાં લાયક્રા, જ્યોર્જટ, ટ્વીલ જેવા મટિરીયલમાં બનેલા ટોપ્સ, શોર્ટ શર્ટ કે ઈન્ડો- વેસ્ટર્ન પરિધાનમાં કુર્તી સરસ લાગે છે.
કેટલાંક ડિઝાઈનરો એમ કહે છે કે, કાળો રંગ નાઈટ પાર્ટીમાં ચાહકોમાં પ્રિય હતો. પરંતુ હવે તેઓ પણ જુદા- જુદા રંગોનો પ્રયોગ કરે છે. તે ઉપરાંત આ પ્રકારના મોટાભાગના પરિધાનનું ગળું આગળથી નીચું અને પાછળથી પણ એકદમ ઊંડું હોય છે.
દર થોડા વર્ષે જુની ફેશન નવા સ્વરૂપે પાછો ફરે છે. બ્રાઈડલ વેર, ફોર્મલ વેર કે અન્ય પોશાકની જેમ ક્લબવેરમાં ૬૦' અને ૭૦'ના દાયકાની ફેશન પાછી ફરી છે. હા, ડિઝાઈનરો આ જુની ફેશનમાં થોડા ફેરફાર કરીને તેને પોતાનું લેબલ લગાડી દે છે. શોર્ટ ડ્રેસ, શોર્ટ ગ્લેમરાઈઝ ટી-શર્ટ સાટીનની કાર્ગો પેન્ટ પણ આજકાલ યુવાવર્ગની લેટેસ્ટ ફેશન બની ગઈ છે. ૬૦'ના દાયકામાં મોટા લટકતાં બેલ્ટની ફેશન હતી. આજે પબ કે ડિસ્કોમાં જતાં મોટાભાગના ક્રાઉડના કમર પર અથવા જો લો-વેસ્ટ પેન્ટ હોય તો નિતંબ પર લટકતાં જોવા મળે છે. માત્ર જુની ફેશનને થોડી અપડેટ કરીને સુંવાળા, પાતળા શરીર પર ચપોચપ બેસી જાય તેવા ફેબ્રિકમાં બનાવવામાં આવે છે.
'મૈં હું ના' ફિલ્મ રજૂ થયા બાદ તેની અભિનેત્રી અમૃતા રાવ જેવા ટોર્ન અને ટેટર્ડ લુકની ફેશન શરૂ થઈ હતી. મોટાભાગની તરુણીઓ પેન્ટને થોડી ફાડી નાંખીને ટોર્ન લુક મેળવ્યાના આનંદ મેળવતી હતી. પરંતુ ફેશન ડિઝાઈનરોના મતે હવે આ લુક આઉટ ઓફ ફેશન છે. હજી પણ કપડાને ફાડવામાં આવે છે. પરંતુ તે એવી રીતે ફાડવામાં આવે છે કે તેમાંથી ૬૦'ના દાયકાની ડિઝાઈન બને છે.
નાઈટકલબમાં જનારું જૂથ મોટેભાગે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડના ડ્રેસ ખરીદવાની જ હિમાયત કરતું હોય છે. પરંતુ તે બધા બહુ મોંઘાદાટ હોય છે. એટલે આવી ખરીદી કરતી વખતે ભારતીય બ્રાન્ડના પોશાક પણ જોવા જોઈએ. તેમાં પણ સારી વિવિધતા મળે છે. આ પરિધાન ઈલેકટ્રીક રેડ, સાયકેડેલીક ગ્રીન, ફ્લોરોસન્ટ બ્લુ અને સ્ટ્રોબેરી પિંક રંગના ક્રશ, સાટીન અને સ્ટ્રેચ ફેબ્રિકમાં જોવાં મળે છે.
રાતના ક્લબ કે ડિસ્કોમાં જવા માટે લેટેસ્ટ ડિઝાઈનના પાશ્ચાત્ય ડિઝાઈનના પરિધાન સાથે મેચ થતી એસેસરીઝ પણ જરૂરી છે. જેમાં બેગ, શુઝ, જવેલરી અને હેરસ્ટાઈલનો સમાવેશ થાય છે. આધુનિક પરિધાન સાથે ડિઝાઈનર બેગ તથા લેટેસ્ટ ડિઝાઈનના શુઝ હોવા અત્યંત જરૂરી છે. વેસ્ટર્નવેર સાથે સોનાની જવેલરી શોભતી નથી. તેથી વ્હાઈટ ગોલ્ડ કે પ્લેટીનમમાં હીરા તથા રંગીન સ્ટોન જડેલી જવેલરીની માગ વધી ગઈ છે. ટી-શર્ટ અને ટોપની સાથે ગળામાં લાંબા કે ટુંકા ચેન, હાથમાં બ્રેસ્લેટ કે કડું અને કાનમાં લાંબી કે ટુંકી બુટ્ટીઓ સરસ લાગે છે.
ઘણા ડિઝાઈનરો દ્વારા ડિઝાઈન કરવામાં આવતી બેગમાં ક્રિસ્ટલ તથા સ્વરોવસ્કી લગાડેલા હોય છે. આ પ્રકારની રંગીન બેગ હાથમાં પકડેલી હોય ત્યારે દેખાવ એકદમ પોશ બની જાય છે. ચાર ઈંચની હીલ ધરાવતા પોઈન્ટેડ સ્ટિલટોઝની તરુણીઓમાં ફેશન છે.
ખરેખર રાતનો અંધકાર શરૂ થતાં એક અનોખા ફેશન શોની શરૂઆત થાય છે. પૈસાપાત્ર કુટુંબના નબીરાઓ નાઈટકલબમાં જતી વખતે બ્રાન્ડેડ પરિધાનના ફેશન- શોમાં જતા હોય તેવો અનુભવ થાય છે. પબ, પાર્ટી કે લોન્જબારમાં જવા માટે ડ્રેસકોડ પાળવો જરૂરી છે. જે પ્રમાણે એકલી વ્યક્તિને આવા સ્થળે પ્રવેશ નથી અપાતો તેજ રીતે ડ્રેસકોડ ન અનુસરનારને પણ ક્લબના દરવાજેથી વીલે મોઢે પરત ફરવું પડે છે તે યાદ રાખવું.









