Magazines

જિમિંગ કરતાં જુવાનિયાઓ બની રહ્યાં છે બૉડી ઈમેજ ડિસ્ઑર્ડરના શિકાર

By GS TEAM
18 May 20263 mins read
જિમિંગ કરતાં જુવાનિયાઓ બની રહ્યાં છે બૉડી ઈમેજ ડિસ્ઑર્ડરના શિકાર

- જિમમાં જવા છતાં મારું બૉડી બિલ્ડ કેમ નથી થતું?

આધુનિક યુવાનોમાં જિમમાં જઈને વિવિધ પ્રકારના વ્યાયામ કરવાનું ચલણ સામાન્ય બની ગયું છે. ચાહે આ વર્કઆઉટ ફિટનેસ કેળવવા માટે હોય કે પછી અન્યોની દેખાદેખીમાં. જે યુવાનો અન્યોને જોઈને જિમમાં જવાનું શરૂ કરે છે તેમનામાં પોતાના બાવડાં ફૂલાવવાની તેમ જ સમગ્ર શરીરના સ્નાયુઓ મજબૂત બનાવવાની જાણે કે હોડ જામે છે. આવી સ્થિતિમાં તેઓ સ્ટીરોઈડના રવાડે પણ ચડી જાય છે. અત્યાર સુધી અનેક યુવાનો સ્ટીરોઈડની લતે ચડીને બરબાદ થયા છે એ વાત સર્વવિદિત છે. પરંતુ જિમમાં જતાં સંખ્યાબંધ યુવાનો અન્ય એક વ્યાધિના સપાટામાં પણ આવી રહ્યાં છે. અને આ બીમારી છે મસલ ડિસ્મૉર્ફિયા. આ એક એવી માનસિક બીમારી છે જેમાં જે તે વ્યક્તિ ફિટ એન્ડ ફાઈન હોય તોય તેને સતત પોતાની ફિટનેસ પ્રત્યે અસંતોષ રહ્યા કરે. તેને એમ જ લાગે કે તે ફિટ નથી.

નિષ્ણાતો કહે છે કે મસલ ડિસ્મૉર્ફિયાથી પીડાતા યુવાનો સિક્સ કે એઈટ પેક એબ્સ બનાવી લે તોય તેમને પોતાના મસલ્સ અન્યોના મસલ્સ કરતાં ઓછા લાગે છે. તેઓ પોતાના શરીરની એવી ખામીઓ વિશે ચિંતિત રહે છે જે હકીકતમાં હોતી જ નથી. પોતાના ફિટનેસ વિષયક લક્ષ્ય સુધી પહોંચી ગયા બાદ પણ તેમને મનમાં સતત એમ જ લાગ્યાં કરતું હોય છે કે હજી તેમાં કોઈક ઊણપ રહી ગઈ છે. છેવટે પોતાની કલ્પના મુજબનું બૉડી બનાવવા તેઓ આવશ્યકતા કરતાં વધુ સપ્લીમેન્ટ્સ લે છે અને હેવી વેઈટ એક્સસાઇઝ કર્યાં કરે છે. તેઓ વારંવાર પોતાનો શારીરિક આકાર તપાસ્યા કરે છે. અને પોતાની કલ્પના અનુસાર દેહયષ્ટિ ન મળે તો કૉસ્મેટિક સર્જરી કરાવવાના વિચારોમાં રાચ્યા કરે છે. તેમનું સુવું - ઉઠવું - ખાવું - પીવું જાણે કે ચોક્કસ દેહયષ્ટિ પામવાની આસપાસ જ ફરે છે. પોતાની કથિત ઊણપ ઢાંકવા દરરોજ કલાકોના કલાકો તૈયાર થવામાં વિતાવે છે. જ્યારે કેટલાંક યુવાનો વધારે પડતું પ્રોટીન લેવા લાગે છે. આમ છતાં તેમની પોતાના બૉડી વિશેની ચિંતા કે લઘુતાગ્રંથિ દૂર ન થાય તો લોકોને મળવાનું ટાળે છે. તેમનું સમગ્ર ધ્યાન માત્ર બૉડી બિલ્ડ કરવામાં રહે છે. આવી સ્થિતિમાં તેઓ પરિવાર અને નોકરી વ્યવસાયથી પણ દૂર થતાં જાય છે.

ફિટનેસ ટ્રેનરો સુધ્ધાં આ વાતને સમર્થન આપતાં કહે છે કે તેમને ગમે તેટલી વખત સમજાવવામાં આવે કે તેમનું વજન, તેમના સ્નાયુઓનો વિકાસ પરફેક્ટ છે, તોય તેમના ગળે આ વાત ઉતરતી નથી. તેઓ વધુમાં કહે છે કે એક આંતરરાષ્ટ્રીય સંશોધનમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં લગભગ ૧૨ ટકા જેટલા પુરૂષો મસલ્સ ડિસ્મૉર્ફિયાથી પીડાય છે. યુકેના જિમમાં જતાં પ્રત્યેક દસમાંથી એક પુરૂષને ગમે તે ઘડીએ મસલ ડિસ્મૉર્ફિયા થઈ શકે તેમ છે. જ્યારે સમગ્ર વિશ્વમાં આ વ્યાધિથી પીડાતા લોકોમાં યુવાનોની ટકાવારી ૯૯.૯૯૯ છે. મહત્વની વાત એ છે કે તેમને પોતાને ગળે આ વ્યાધિની વાત ઉતરતી જ નથી. આવી સ્થિતિમાં તેમની વાત ધ્યાનથી સાંભળો ત્યાર પછી જ તેમનો ઈલાજ કરાવો. સામાન્ય રીતે તેની સારવારમાં કૉઝિટિવ બિહેવિયરલ થેરપી આપવામાં આવે છે. અને જો સ્થિતિ અતિશય વણસી ગઈ હોય તો ઔષધિઓ આપવાની જરૂર પણ પડે છે.

- વૈશાલી ઠક્કર