Magazines

વેરિકોઝ વેઈન્સના ભરડામાં યુવા પુરુષો .

By GS TEAM
4 Aug 20255 mins read
વેરિકોઝ વેઈન્સના ભરડામાં યુવા પુરુષો                         .

- તબીબોને મતે વેરિકોઝ વેઈન્સના પુરુષોના કેસમાં 30 ટકા સુધીનો વધારો!

વેરીકોઝ વેઈન્સ એટલે હંમેશ માટે અતિશય ફૂલેલી નસો(શિરા).નસોની આવી સ્થિતિ શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે.પણ સામાન્ય રીતે પગમાં આવી નસો વધુ જોવા મળે છે.ચાલવાથી,ઊભા રહેવાથી પગની નસોમાં દબાણ વધે છે.જેને લીધે પગની નસો કાયમ માટે ફૂલી જાય છે.

શરીરની રચના મુજબ નસોના એક માર્ગી વાલ્વ લોહીને પગથી ઉપર હ્રદય તરફ વહેતું રાખે છે.પણ આ વાલ્વ બરાબર કામ ન કરે ત્યારે પગમાં લોહી જમા થાય છે,જેથી

દબાણ વધે છે.પરિણામે,નસો નબળી થાય, ફૂલી જાય અને વળી જાય છે.વ્યક્તિ જેટલો  લાંબો સમય હલનચલન વગર ઊભી કે બેસી રહે તેટલું વધુ લોહી નસોમાં જમા થાય અને  નાની નસોમાં દબાણ પેદા થાય છે.આ દબાણ જ કાયમી ફૂલેલી નસોનું કારણ બને છે.આવી નસો વાદળી કે  જાંબલી રંગની દેખાય છે કેમકે તેમાં ડી ઓક્સિજનવાળું લોહી હોય છે.

મોટાભાગે ૩૦ વર્ષ અને તેથી વધુ વયના લોકોમાં કાયમી ફૂલેલી નસો જોવા મળે છે. પુરુષો કરતાં ીઓમાં વેરિકોઝ વેઈન્સની થવાની શક્યતા વધુ છે.ગર્ભાવસ્થા,માસિક સ્ત્રાવ   અને મેનોપોઝ દરમિયાનના હોર્મોનલ ફેરફારોને કારણે પણ નસો  કાયમ માટે ફૂલી  જવાની તકલીફ થઈ શકે છે.ભારતમાં ૩૦ ટકા જ્યારે વિર્શ્વમાં પુખ્ત વયના ૨૩ ટકા લોકોને આ તકલીફ હોવાનો અંદાજ છે.

કેટલાક લોકો માટે વેરિકોઝ વેઈન્સ પીડા અને અસ્વસ્થતાનું તો કેટલાક માટે કોસ્મેટિક ચિંતાનું કારણ બની શકે છે.કાયમ માટે અતિશય ફૂલેલી નસો  માત્ર  એક કોસ્મેટિક સમસ્યા નથી પણ એક લગભગ  નાઈલાજ રોગ છે.એક વાર શરુ થયેલી આ સમસ્યા મટવાને બદલે વધતી જાય છે.આમ  તે આગળ વધતો અને સાવ મટી ન શકે તેવો  રોગ છે.અલબત્ત,તેનો શક્ય તેટલો વહેલો ઉપચાર શરુ કરવો જોઈએ.વેરીકોઝ વેઈન્સનાં લક્ષણો વ્યક્તિએ વ્યક્તિએ ભિન્ન  ભિન્ન હોઈ શકે છે.નસોના વ્યાધિ સંબંધી  પરીવારનો  હિસ્ટ્રી હોય તો તે સ્થિતિમાં પણ આ બીમારી થવાનું જોખમ રહે છે.

ચોંકાવનારી બાબત એ છે કે વેરીકોઝ વેઈન્સની તકલીફ સામાન્ય રીતે ીઓને થતી જોવા મળતી.પરંતુ હવે વધતા જતા પ્રમાણમાં આ રોગ ૨૫ થી ૪૫ વર્ષના પુરુષોને પણ થતો હોવાનું ધ્યાનમાં આવ્યું છે.લાંબો સમય ઊભા કે બેસી રહેવું,શરીરનો  ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિનો અભાવ,સ્થૂળ શરીર,બેઠાડું જીવન,નિયમીતપણે વધુ પડતું વજન ઊંચકવું,ધૂમ્રપાન અને જીનેટિક્સ અસર જેવાં કારણોને લીધે આ રોગના પુરુષ દર્દીઓ  વધતા  જાય છે.

મહિલા દર્દીઓની જેમ પુરુષ પીડિતઓ પણ લેગ અલ્સર,ત્વચાનો રંગ બદલાઈ જવો,લોહી જામવવું અને કેટલાક કેસમાં તો ડીપ વેઈન થ્રોમિબોસિસ(ડીવીટી-શરીરની ઊંડી નસમાં લોહીનું ગંઠાઈ જવું) જેવી સમસ્યાથી બચવા સમયસર ઉપચાર કરવો જરુરી છે.પગ ભારેખમ થયાનું લાગે,રાતે પગના સ્નાયુ  ખેંચાય(નાઈટ ક્રેમ્પ્સ),નસો દેખાય તેમ ઉપસી આવે એવાં શરુઆતનાં લક્ષણો  તરફ ઘણી વખત ધ્યાન અપાતું નથી.જેથી ઈલાજમાં વિલંબ થાય અને તકલીફ ગંભીર થતી જાય છે.

વેરીકોઝ વેઈન્સના મોટા ભાગના કેસો હજુ પણ મહિલાઓના જ હોય છે તો પણ  હાલમાં પુરુષો પણ આ તકલીફથી પીડાય છે.તબીબોના મતે પુરુષોના આ રોગના કેસમાં અંદાજે ૩૦ ટકા સુધીનો વધારો થયો છે.

વેરિકોઝ વેઈન્સ માટે હવે ઓપન સર્જરી જરુરી નથી.મધ્યમથી ગંભીર સ્વરૂપના કેસોમાં  એન્ડોવિનસ લેઝર થેરાપી કે સ્કેલો થેરાપીથી અસરકારક સારવાર થઈ શકે છે.

ભારતમાં છેક ૨૦૦૩થી એન્ડોવિનસ લેઝર  ટ્રીટમેન્ટનો  ઉપયોગ  કરાય  છે. લોકલ એનેસ્થેશિયા અને અલ્ટ્રાસાઉન્ડ માર્ગદર્શન  મુજબ આ સારવાર અપાય છે.લેઝર ઉર્જા નસોમાં દાખલ કરાય છે અને એ નસોને પીડા   થાય એમ સીલ અને બંધ કરે છે.મુખ્ય  વેરિકોઝ વેઈન અને તેની શાખાઓ આ રીતે  બંધ કરાય છે.સમગ્ર પ્રક્રિયા માત્ર અડધા કલાકમાં પૂરી થાય છે.ઉપચાર કરેલા પગમાં કોમ્પ્રેશન બેન્ડેજ લગાવાય છે અને દર્દી તરત જ ઘરે ચાલતો જઈ શકે છે. લગભગ બધા જ પ્રકારની વેરિકોઝ વેઈન્સની સારવાર લેઝર ટેકનિકથી થઈ શકે  છે.આમાં કાપો મૂકવાની કે ટાંકા લેવાની જરુર નથી.હાયપરટેન્શન,કિડની  રોગ, ડાયાબીટીઝ અને હ્રદયરોગના  દર્દીઓ   માટે આ થેરાપી સુરક્ષિત છે.સ્કેલો થેરાપીમાં અસરગ્રસ્ત નસમાં સ્કેલોરોઝિંગ સોલ્યુશન ઈન્જેક્ટ કરવામાં આવે છે.જેના કારણે અસરગ્રસ્ત નસો તૂટી જાય છે અને આખરે  અદ્રશ્ય  થઈ જાય છે.સામાન્ય રીતે આ સારવારમાં પીડા થતી નથી.તે અસરકારક અને વ્યાપકપણે ઉપયોગમાં લેવાતી સારવાર છે.

આ ઉપરાંત,વેરિકોઝ વેઈન્સના કેટલાક ઘરગથ્થુ ઉપચાર પણ છે.જે રોગને ઝડપથી  આગળ વધતો અટકાવી શકે.પરંતુ આવા ઉપચાર આ રોગને સંપૂર્ણપણે મટાડતા નથી.

લક્ષણો હળવાથી મધ્યમ હોય એવા કેસમાં તબીબી સારવારના પૂરક ઈલાજ તરીકે ઘરેલુ  ઉપચાર કરી શકાય.કેટલાક દર્દીઓ ઘરેલુ  ઈલાજથી નોંધપાત્ર રાહત અનુભવી શકે છે.

કોમ્પ્રેશન સ્ટોકિંગ્સ, વ્યયામ, માલિશ, પગને ઊંચા કરેલી સ્થિતિમાં રાખવા, તંદુરસ્ત આહાર જેવા ઘણા ઘરગથ્થુ ઉપચાર છે.જે લોહીના ભ્રમણને સુધારવામાં તથા વેરિકોઝ વેઈન્સથી થતી બળતરા ઓછી કરવામાં મદદ કરી શકે છે.ધ્યાન રાખવા જેવી બાબત એ કે ઘરગથ્થુ ઉપચારની અસર વ્યક્તિએ  વ્યક્તિએ અલગ અલગ હોઈ શકે છે.

સમય સમય પરનું હલનચલન,આરામ કે બેઠા હોઈએ ત્યારે પગ ઊંચા રાખવા, અતિ ફીટ કપડાં ન પહેરવા જેવા નુસ્ખાથી આ રોગને ટાળી શકાય તો ઉંમર મુજબ શરીરનું વજન જાળવીને અને સક્રિય રહીને પણ પગની નસો પરનું દબાણ ઘટાડી શકાય.પણ ગંભીર સ્થિતિમાં વેસ્ક્યુલર નિષ્ણાતની સલાહ અને તબીબી સારવાર અનિવાર્ય છે.

માનવના શરીરને આધાર આપવાથી માંડી  તેનું હલનચલન,દોડવું અને લગભગ તમામ શારીરિક ક્રિયામાં પગ અત્યંત મહત્વનું અંગ છે.પગ તો માણસ જ્યાં ઈચ્છે ત્યાં તેને લઈ જતી પાંખો છે,તેની પવન પાવડી છે એમ કહેવામાં કોઈ જ અતિશયોક્તિ નથી.આ દ્રષ્ટિએ પગની નસોમાં દેખાવ અને વેદનાની એમ બન્ને રીતે પીડાકારી વેરિકોઝ વેઈન્સ જેવા  દુથસાધ્ય રોગનાં લક્ષણો દેખાતાં જ તેની સારવાર કરવી જોઈએ. અગાઉ,મોટે ભાગે મહિલાઓને થતી આ બીમારીએ હવે પુરુષો સુધી વધતા જતા પ્રમાણમાં પગ પેસારો કર્યો છે અને એમના કેસ વધી રહ્યા છે ત્યારે મોટે ભાગે પગની કાયમી ફૂલેલી નસોની વેદનાનો રેલો પોતાના પગ તળે પણ  આવ્યો હોવા બાબતે  યુવા પુરુષોએ  સાવચેત  રહેવું  તેમના  હિતમાં છે.

- મહેશ ભટ્ટ