Magazines

યેડા અન્ના હવે કરશે જંગલમાં મંગલ

By GS TEAM
18 Dec 20253 mins read
યેડા અન્ના હવે કરશે જંગલમાં મંગલ

હિન્દી ફિલ્મ જગતના ઘણા કલાકારોએ પોતાની બીજી ઇનિંગ્સ શરૂ કરી છે. નીના ગુપ્તા, સારીકા, રવીના ટંડન  વગેરે કલાકારો એક તબક્કે બોલિવુડમાંથી લગભગ અદ્રશ્ય થઇ ગયાં હતાં. 

ઘણા લાંબા સમય સુધી કોઇ ફિલ્મમાં જોવા મળ્યાં નહોતાં. 

હવે જોકે આ બધાં કલાકારો બોલિવુડમાં  ફરીથી  પૂરા જોશ અને ઉત્સાહથી સક્રિય થયાં છે. 

બોલિવુડના અન્ના પણ આ જ યાદીમાં આવી ગયો છે. ફોડ પાડીને કહીએ તો સુનીલ શેટ્ટી પણ હવે 'વેલકમ ટુ જંગલ' નામની નવી ફિલ્મમાં આવી રહ્યા છે. અહમદ ખાનના દિગ્દર્શનમાં બની રહેલી 'વેલકમ ટુ  જંગલ'  ફિલ્મમાં સુનીલ શેટ્ટી  યેડા અન્ના  નામનું પાત્ર ભજવી રહ્યા છે. યેડા અન્નાની ભૂમિકામાં કોમેડીથી ભરપૂર છે.  મૂળ તો આ ફિલ્મ ડિસેમ્બરના અંતમાં રિલીઝ થવાની હતી, પણ હવે રિલીઝ ડેટ પાછી ઠેલાઈ છે. 

મૂળ તુલુ ભાષી સુનીલ શેટ્ટી કહે છે, 'આમ તો મેં 'આવારા પાગલ દીવાના' (૨૦૦૫) ફિલ્મમાં ભારે તોફાની અને  મારધાડ કરતા યુવાનની ભૂમિકા ભજવી છે.  'વેલકમ ટુ જંગલ' ફિલ્મનું પાત્ર થોડુંક  અલગ અને હાસ્યભસર  છે. મેં  ઘણા લાંબા સમયથી કોઇ કોમેડી નથી કરી. હા, મેં   'હેરાફેરી' (૨૦૦૦) ફિલ્મમાં પરેશ રાવલ, અને અક્ષયકુમાર સાથે ભરપૂર મજેદાર હાસ્યસભર પ્રસંગો કર્યા છે. હવે અહમદ ખાને 'વેલકમ ટુ જંગલ' માટે મારો સંપર્ક કર્યો ત્યારે અમે ફિલ્મની કથા -પટકથા વિશે ચર્ચા કરી હતી. અહમદ ખાને મને યેડા અન્ના પાત્ર ભજવવા આગ્રહ કર્યો ત્યારે મને આનંદ થયો હતો.' 

માર્શલ આર્ટની તાલીમ પામેલા અને કીક બોક્સિંગમાં બ્લેક બેલ્ટ ડિગ્રી પામેલા સુનીલ શેટ્ટી મહત્ત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, ''વેલકમ ટુ જંગલ'માં  મારા સહિત કુલ ૩૪ કલાકારો છે. એમ કહો કે ફિલ્મમાં મોટાભાગનું બોલિવુડ દેખાવાનું છે! એટલે કે ફિલ્મમાં અક્ષયકુમાર, જેકી શ્રોફ, જેક્વેલીન ફર્નાન્ડીઝ, દિશા 

પટ્ટણી, પરેશ રાવલ, રવીના ટંડન, મિથુન ચક્રવર્તી, કિરણકુમાર, અર્શદ વારસી,  જ્હોની લીવર, ફરીદા જલાલ, અભિષેક કૃષ્ણા, શ્રેયસ તળપદે... એમ મોટો કાફલો  છે.'   'બલવાન' (૧૯૯૨) ફિલ્મથી  હિન્દી ફિલ્મ જગત સાથે નાતો જોડનારો  સુનીલ  કહે છે, 'મજેદાર બાબત તો એ છે કે દિગ્દર્શક અહમદ ખાને આટલા બધા કલાકારોને ફિલ્મના લગભગ દરેક દ્રશ્યમાં એક સાથે રાખ્યાં છે. ફિલ્મમાં દર્શકોને જબરી મજા આવવાની છે. હાસ્યની છોળો ઉડશે. ફિલ્મમાં યેડા અન્ના જુદા જુદા પ્રકારની  એવી હરકતો કરતો રહે છે કે જેથી દર્શકો સતત હસ્યા રહેશે.' 

મોહરા, ગોપી-કિશન, દિલવાલે, ધડકન, હેરાફેરી, ફિર હેરાફેરી, બોર્ડર વગેરે ફિલ્મમાં  વિવિધ ભૂમિકાઓ ભજવનારા સુનીલ શેટ્ટી કહે છે, 'હવે 'વેલકમ ટુ જંગલ'ની સ્ટોરી અને સંવાદો સહિત અમારાં પાત્રો વિશે સોશિયલ મીડિયામાં   ચિત્રવિચિત્ર કહી શકાય તેવાં મીમ્સ શેર થતાં રહે છે. પરેશ રાવલ, જ્હોની લીવર, યેડા અન્ના વગેરે  ભૂમિકાઓ  વિશે    જાતજાતનાં અને ભાતભાતનાં મીમ્સ વહેતાં થયાં  છે. મારા માટે તો આ બધું બહુ બહુ નવું  છે. આમ ફિલ્મ રજૂ થાય તે પહલાં જ આવાં મીમ્સ જબરાં લોકપ્રિય થઇ રહ્યાં હોવાથી ફિલ્મની આડકતરી પ્રસિદ્ધિ મળી રહી  છે.' 

ફિલ્મ 'ધડકન' માટે બેસ્ટ વિલનનો ફિલ્મફેર એવોર્ડ મેળવનારો સુનીલ શેટ્ટી કહે છે,  'મેં   હમણાં તુલુ ભાષી 'જય' નામની ફિલ્મમાં પણ અભિનય કર્યો  છે.  તુલુ ભાષાની આ મારી પહેલી જ ફિલ્મ છે.  તુલુ મારી માતૃભાષા હોવાથી મને ઘણો આનંદ થયો છે.  'જય' ફિલ્મમાં કામ કરવા માટે એક પૈસો પણ નથી લીધો.'

જોઈએ, 'વેલકમ ટુ જંગલ' જોઈને ઓડિયન્સને પૈસા વસૂલ થયાની લાગણી થાય છે કે કેમ.