Get The App

નવરાત્રિમાં દુર્ગાદેવીની ઉપાસના

Updated: Sep 25th, 2019

GS TEAM

Google News
Google News
નવરાત્રિમાં દુર્ગાદેવીની ઉપાસના 1 - image


નવરાત્રિનાં નવ દિવસો દરમિયાન માદુર્ગાની આરાધના- સ્તુતિ કરતા પ્રાર્થના કરાય છે. કે હે મા તારી કૃપા- આર્શીવાદ અમારા પર વરસો. સર્વ મંગલા, સર્વનું કલ્યાણ કરો. એમને સંસારિક સુખો કરતાં, માત્ર તારોને તારો સાથ સદાય મળતો રહે.' શ્રી દુર્ગાયે નમ :

ધર્મ-અધ્યાત્મ ક્ષેત્રે અનોખું સ્થાન ધરાવતો ભારત દેશ એટલો જ ઉત્સવ પ્રિય છે. અહીં સમય- સમય પર, કોઈને કોઈ ધાર્મિક, સામાજીક, રાજકીય કે આવા અન્ય પ્રસંગો એ વિધ-વિવિધ ઉત્સવો ઉજવાતા રહે છે. એટલે પુરા વર્ષમાં આનંદ- ઉત્સાહ અને ખુશીનું વાતાવરણ રહે છે.

આવો જ એક આગવો આધ્યાત્મિક ઉત્સવ એટલે નવરાત્રિ. ભારતીય સંસ્કૃતિમાં શાસ્ત્રોક્ત માન્યતા પ્રાપ્ત, નવ વિદ્યમાન દેવીઓની પ્રશસ્તિ, સ્તુતિ, તેમની મહત્તા તથા તેમની વિશિષ્ઠ શક્તિઓની ઉપાસના કરતો આસો સુદ એકમથી નવ દિવસ સુધી ઉજવાતો મહાઉત્સવ એટલે નવરાત્રિ.

દુર્ગાદેવીના સ્વરૂપ સમાન શ્રી અંબાદેવીની કેટલીક આગવી વિશિષ્ઠતા છે. શ્રી અંબામાં, શ્રી જગદંબા, અષ્ટ શક્તિ ધારિણી, શ્રી વાઘેશ્વરી, ઇત્યાદિ કર્તવ્ય વાચક અને વિશેષણાત્મક રૂપો છે. સમગ્ર બ્રહ્માંડમાં વ્યાપ્ત પરાશક્તિનું એક રૂપ એટલે મા અંબાની શક્તિ જ અખંડ કહેવાયી છે.

અને આજ અદ્ભુત શક્તિ સમગ્ર સૃષ્ટિ પરનાં સર્વજીવોની ચેતનાનું સંચાલન કરે છે ને તેજ માનવ જીવનમાં રહીને આ સંસાર ચક્ર ચલાવે છે. તેમનું પાલન પોષણ કરે છે. આવા મા અંબાદેવીની દુર્ગાસ્વરૂપ બુદ્ધિ માનવીમાં આવી, જે તેમનાં જીવનમાં પ્રસરિલા અજ્ઞાાનરૂપી અંધકાર દૂર કરીને જ્યોતિની જેમ પ્રકાશ રેલાવે છે.

શાસ્ત્રોમાં મા જગદંબાની શક્તિને આદ્યશક્તિ અને અનાદિશક્તિ કહી છે. જેનું વર્ણન દેવો, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પણ નથી કરી શકતા. એટલે જ તેઓએ સમગ્ર સૃષ્ટિનાં સંચાલનની જવાબદારી મા જગદંબાને સોપી. મા જગદંબાના અનેક સ્વરૂપો એ સમગ્ર પૃથ્વી પર પ્રકૃતિનું સર્જન કરીને તેને માની શક્તિમાં લય કરે છે.

મા અંબા મા ' મા શબ્દનો જો ભાવાર્થ સમજવામાં આવે, તો જ પાલનપોષણ કરે તે સર્વેને વિશાળ અર્થમાં  'મા' કહે છે. અર્થાત, બ્રહ્માંડની અંદરની શક્તિ મનુષ્યની ચેતનાનું સંચાલન કરે તેવી સર્વ શક્તિમામાં હોય છે. આવા મા જગદંબાને જ્યારે ઋષિગણ પૂછવા ગયા કે હે દેવી, કહો કે આપ કોણ છો ? ત્યારે મા જગદંબાએ પ્રત્યુત્તર આપ્યો કે,

' આ સમગ્ર બ્રહ્માંડનું મારી પ્રકૃતિમાંથી સર્જન થયું છે. અને તે મારામાં લય થાય છે. જગતના સર્વે શુભ- અશુભ તત્ત્વો પર મારું નિયંત્રણ છે. હું જે બુધ્ધિજીવી મનુષ્ય છે, તેમાં શુધ્ધ બુધ્ધિ રુપે વસું છું. તો જેઓ મારા દુર્ગા સ્વરૂપનું પુજન કરે છે, તેમના જીવનમાં ભક્તિ આનંદ સ્વરૂપે હું છું. જ્યારે મલિનવૃત્તિ ધરાવતા લોકો માટે દુ:ખરૂપ છું. જગતમાં જેનાથી ભૌતિક સંસાધનોનો વિકાસ થાય છે, તે વિશેષ જ્ઞાાન રુપે હું છું. અજ્ઞાાનીઓને જ્ઞાાન તથા ઉચિત કર્મને ઉચિત ફળ આપનાર હું છું. આથી જ શક્તિ તથા બ્રહ્મસ્વરૂપ હું છું. માનવીનાં જન્મ અને મૃત્યુનાં કાળચક્રનું સંચાલન કરનાર હું છું.

મનુષ્યનાં દેહ બંધારણમાં પંચ તત્વોમાંથી સર્જાયેલા પંચમહાભૂત જેવા કે, અગ્નિ, જઠરાગ્નિ, જલ-રૂધિર, વાયુ-શ્વાસોછ્વાસ, પૃથ્વી-ગંદ્ય, આકાશ-કપાળ આ સર્વે મારી લીલા છે. જીવનમાં જગત પ્રત્યેની દ્રષ્ટિ ભાવ, માયા અને અહંકાર ઉત્પન્ન કરનાર હું છું. માનવીને શુભસ્વરૂપની બુધ્ધિ તથા દુબુધ્ધિ રૂપે આપેલા આસુર, મારું જ પ્રદાન છે.

ધરતી પરનાં સારા-નરસાનું સંચાલન મારા થકી થાય છે તો રૌદ્ર- સ્વરૂપે સંહાર કરનાર હું જ છું. આદિત્ય અને વિશ્વદેવી સ્વરૂપે જગતનું લાલન-પાલન હું કરું છું. અને આ સચરાચર બ્રહ્માંડની અંદર હું ઘુમું છું, તો માનવમાં આત્મરુપે હું જ રહું છું. (અહીં હું ને વિશાળ અર્થમાં સમજવાનું છે,' પરમ શક્તિ કે પરમ અસ્તિત્વના અર્થમાં.

નવરાત્રિનાં નવ દિવસો દરમિયાન માદુર્ગાની આરાધના- સ્તુતિ કરતા પ્રાર્થના કરાય છે. કે હે મા તારી કૃપા- આર્શીવાદ અમારા પર વરસો. સર્વ મંગલા, સર્વનું કલ્યાણ કરો. એમને સંસારિક સુખો કરતાં, માત્ર તારોને તારો સાથ સદાય મળતો રહે.'

શ્રી દુર્ગાયે નમ:

Tags :