Get The App

બદલાતા સમય સાથે બદલાયું છે કામના સ્થળનું ડ્રેસિંગ

સ્માર્ટકેઝ્યુઅલ અને ટ્રાઉઝર કે સ્કર્ટ-સુટ ન્યુ ટ્રેન્ડ

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
બદલાતા સમય સાથે બદલાયું છે કામના સ્થળનું ડ્રેસિંગ 1 - image


કામના સ્થળે શું પહેરવું અને શું ન પહેરવું એ ખાસ્સું મહત્વ ધરાવે છે. તમે ઓફિસમાં કોઇ પાર્ટીમાં જતાં હો એ રીતે તૈયાર થઇને ન જઇ શકો. તેવી જ રીતે એટલી સાદગી પણ ન અપનાવી શકો કે સાવ ગરીબડા દેખાઓ. ઓફિસમાં જતી વખતે તમે કયા સ્થળે, કયા ક્ષેત્રમાં અને કયા હોદ્દા પર કામ કરો છો એ અત્યંત મહત્વનું બની જાય છે. તમારો  પોશાક તમારું વ્યક્તિત્વ છતું કરે છે. જોકે એ સમય વિતી ગયો છે જ્યારે  પુરુષો કામના સ્થળે માત્ર ફોર્મલ શર્ટ-ટ્રાઉઝર પહેરતાં. અને મહિલાઓ સાડી કે પંજાબી સુટ પહેરતી. 

આજની તારીખમાં પુરુષો માટે સંખ્યાબંધ પ્રકારના પોશાક ઉપલબ્ધ છે. ચાહે તે ફોર્મલ હોય કે કેઝ્યુઅલ. વળી પુરુષો માટે પણ એવો આગ્રહ રાખવામાં નથી આવતો કે તેઓ કામના સ્થળે માત્ર ફોર્મલ વસ્ત્રો જ પહેરે.  અથવા તેમણે પ્લેન, ચેક્સવાળા અથવા લાઇનિંગવાળા શર્ટ્સ જ પહેરવા જોઇએ. આજની તારીખમાં પુરુષો ઓફિસમાં પણ ચોક્કસ પ્રકારના કેઝ્યુએલ વસ્ત્રો પહેરે છે.

અલબત્ત, તે પણ તેમના કામના પ્રકાર અને સ્થળને છાજે  એવા હોય છે. અમસ્તા ફરવા નીકળી પડયાં હોય એવા કેઝ્યુઅલ્સ ઓફિસમાં નથી પહેરાતાં. આમ છતાં ચોક્કસ પ્રકારના ફોર્મલ્સનો આગ્રહ પણ રાખવામાં નથી આવતો. તેવી જ રીતે મહિલાઓ કામના સ્થળે સાડી અને પંજાબી સુટ સિવાયના ઘણાં પ્રકારના ડ્રેસ  પહેરે છે. આજે આપણે આધુનિક યુવા પેઢી કામના સ્થળે કેવા પ્રકારના વસ્ત્રો પહેરવાનું પસંદ કરે છે તેના વિશે વાત કરીએ.

કોર્પોરેટ ક્ષેત્રે કામ કરતાં પુરુષોને હવે સોમવારથી ગુરુવાર સુધી જ આખી બાંયના કફ પાસેથી બટન લગાવેલા શર્ટ, ટ્રાઉઝર, ટાઇ, લેધર શૂઝ ઇત્યાદિ પહેરવાની ફરજ  પડે છે. શુક્રવાર તેમના માટે હળવાશભર્યો રહે છે. આ દિવસે તેઓ સેમીફોર્મલ કહી શકાય એવા સ્માર્ટ કેઝ્યુઅલ્સ પહેરે છે. શનિવારે તેમને ડેનિમ, જેકેટ, સ્નીકર્સ ઇત્યાદિ પહેરવાની છૂટ હોય છે. ફેેશન ડિઝાઇનરો કહે છે કે આ પ્રકારનો પોશાક હવે કોર્પોરેટ ક્ષેત્રે સામાન્ય થતો જાય છે.

અલબત્ત, સોમવારથી ગુરુવાર સુધી તેમણે ફોર્મલ વસ્ત્રો પહેરવાનું કલ્ચર જાળવી રાખ્યું છે. પરંતુ વીકએન્ડમાં તેમને ડેનિમ, ટી-શર્ટ સાથ ેજેકેટ, સ્નીકર્સ ઇત્યાદિ પહેરવાની છૂટ મળી રહી છે. આવા વસ્ત્રોમાં તેઓ એકદમ હળવાશ અનુભવે છે. કોર્પોરેટ ફિલ્ડમાં કામ કરતાં ભાગ્યે જ કોઇ કર્મચારીએ શુક્રવારે ફોર્મલ વસ્ત્રો અને ટાઇ પહેરવાનું પસંદ કરે છે. હા જેમને  અન્ય કોઇ ક્લાઇન્ટ્સને મળવા જવાનું તેઓ હજી પણ ફોર્મલ વસ્ત્રો જ પહેરે છે. જોકે પરંપરાગત કંપનીઓમાં આજે  પણ ફોર્મલ વસ્ત્રોની પરંપરા અકબંધ છે. 

ઘણી કોર્પોરેટ કંપનીના વ્યવસ્થાપકો માને છે કે ફોર્મલ ડ્રેસિંગ ગંભીર છાપ પાડે છે. પરંતુ કેઝ્યુઅલવેઅર પહેરવાથી તમે તમારા સહકર્મચારીઓ સાથે તેમના જેવા થઇને સહેલાઇથી ભળી જઇ શકો છો. આ રીતે તમે તેમની પાસેથી વધુ સારું કામ લઇ શકો છો. મહત્વની વાત એ છે કે આ કોર્પોરેટ કંપનીઓ પોાતના કર્મચારીઓને  સોમવારથી શુક્રવાર દરમિયાન પણ ફોર્મલ ડ્રેસ પહેરાવવાનો આગ્રહ નથી રાખતી.

તેઓ એમ માને છે કે જો તેમના કર્મચારીઓ એમ માનીને ચાલે કે બધા એકસમાન છે તો તેઓ વધુ સારું કામ આપી શકે છે. અલબત્ત, કેઝ્યુઅલવેઅરનો અર્થ એવો નથી થતો કે તેઓ શોર્ટ્સ અને ટી-શર્ટ પહેરીને ઓફિસમાં આવી જાય. તેઓ ફોર્મલ અને કેઝેયુઅલના મિશ્રણ સમાન સ્માર્ટ ફોર્મલ ડ્રસ પહેરી શકે. આ પ્રકારના પોશાકમાં ડેનિમ, ટી-શર્ટ ઉપર જેકેટ, સ્નીકર્સ ડેનિમ સાથે શર્ટ અને કોટ પણ પહેરી શકાય. 

કેટલાંક વ્યવસાયમાં તમને સ્માર્ટ કેઝ્યુઅલ પહેરવાની છૂટ પણ નથી મળતી. જેમ કે કોઇ વકીલ, બેંકર, સરકારી કર્મચારી સ્માર્ટ કેઝ્યુઅલ ન પહેરી શકે. તેમેણે ફોર્મલ વસ્ત્રો જ  પહેરવા પડે. તેવી જ રીતે  સ્ટાર્ટ-અપ કંપનીના કર્મચારીઓ માટે પણ કેટલાંક નિયમો લાગૂ પડે છે. તેમને રેગ્યુલર ટ્રાઉઝર સિવાયની કોઇ બોટમ પહેરવાની સ્પષ્ટ ના પાડવામાં આવે છે.ે તેઓ શૂઝની જગ્યાએ સેંડલ કે ચંપલ નથી પહેરી શક્તા. 

હેરસ્ટાઇલની વાત કરીએ તો કોઇપણ કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ પોતાને ગમે એવી ફેન્સી હેરસ્ટાઇલ નથી કરાવી શક્તાં. તેમણે કામના સ્થળે પોતાના વાળ વ્યવસ્થિત રીતે ઓળીને જવું પડે છે. મોટાભાગના  કર્મચારીઓ ક્લીન શેવ રાખે છે. પરંતુ જેમને દાઢી વધારવી હોય તે આડેધડ દાઢી નથી રાખી શક્તાં. તેમણે નિયમિત રીતે પોતાની દાઢી ટ્રીમ કરાવવી પડે છે. 

હવે મહિલા કર્મચારીઓની વાત કરીએ તો સ્ટાર્ટ-અપ કંપનીઓમાં તેમને સ્લીવલેસ ડ્રેસ પહેરવાની સખત મનાઇ હોય છે. બાકી એ સમય વિતી ગયો જ્યારે મહિલા કર્મચારીઓ માત્ર સાડી જ  પહેરતી. સમયાંતરે સાડીઓમાં પરિવર્તન આવતું ગયું. એકદમ સિમ્પલ સાડીનું સ્થાન રંગબેરંગી સાડીઓએ લીધું.

ત્યાર પછી તેમાં પંજાબી સુટ્સનું આગમન થયું. પરંતુ હવે વર્ક કલ્ચરમાં સમગ્રતયા પરિવર્તન આવવા સાથે મોટી કંપનીઓમાં ટ્રાઉઝર કે સ્કર્ટ સુટ  સૌથી વધુ જાણીતા બન્યાં છે. મહિલા કર્મચારીઓ ફોર્મલ ટ્રાઉઝર્સ  અને ડેનિમ સાથે ટયુનિક્સ, સ્ટ્રેટ પેન્ટ કે ચુડીદાર ઉપર કુરતી ઇત્યાદિ પહેરતી થઇ છે. 

જોકે ઊંચા હોદ્દે બિરાજતી માનુનીઓ આજે  પણ સાડી પહેરવાનું પસંદ કરે છે. આમ છતાં પોતાની સાડીને મોડર્ન ટચ આપવા તેઓ તેની સાથે સ્લીવલેસ બ્લાઉઝ અથવા પીઠમાંથી વધુ ખુલ્લું બ્લાઉઝ પહેરે છે. પરંતુ તેઓ ક્લીવેજ દેખાય એવા બ્લાઉઝ ક્યારેય નથી પહેરતી. તેવી જ રીતે સ્કર્ટ સુટ પહેરતી મહિલા પણ ઢીંચણ સુધીની લંબાઇ ધરાવતાં સ્કર્ટ પહેરવાનું પસંદ કરે છે. કહેવાનો અર્થ એ છે કે ઓફિસમાં કોઇ સ્કીન શો કરીને પોતાની છબિ ખરડવાનો પ્રયાસ નથી કરતું. 

ફેશન ડિઝાઇનરો કહે છે કે આજની તારીખમાં પણ કોર્પોરેટ ઓફિસો સિવાય  અન્ય સ્થળે કામ કરતી મહિલાઓ ફોર્મલ ડ્રેસિંગ કરવાનું પસંદ કરે છે. તેઓ સાડી, પંજાબી સુટ, ચુડીદાર-કુરતી, ટ્રાઉઝરઃશર્ટ  અને  શનિવારે ડેનિમ-ટી-શર્ટ પહેરવાનું પસંદ કરે છે. આવી કંપનીઓમાં કામ કરતી ફેશનેબલ યુવતીઓને સ્કર્ટ પહેરવાની ઇચ્છા થાય તોય તેઓ લોંગ સ્કર્ટ જ  પહેરે છે.

મહિલા કર્મચારીઓની વાત ચાલતી હોય ત્યારે મેકઅપની વાત ન થાય એવું બને ખરૂં? કોઇપણ મહિલા  કર્મચારીએ પોતાના કામના પ્રકાર મુજબ મેકઅપ કરવો જોઇએ. જો તમે ક્લાયન્ટ સર્વિસ કે માર્કેટિંગ ફિલ્ડમાં હો તો તમારે હળવો મેકઅપ કરવો જોઇએ. જેમ કે હળવા રંગની લિપસ્ટિક અને આઇલાઇનર પૂરતાં થઇ પડશે. જ્યારે કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતી મહિલાઓ થોડો ડાર્ક મેકઅપ કરશે તો ચાલશે. 

મેકઅપ ઉપરાંત અન્ય એક્સેસરીઝની વાત કરીએ તો ઊંચી એડીના પગરખાંને કારણે તમારું વ્યક્તિત્વ અત્યંત પ્રભાવશાળી લાગશે એ વાત સાચી. પરંતુ જો તમને બોર્ડ મીટિંગમાં  પ્રેઝન્ટેશન આપવા વધારે સમય સુધી ઊભા રહેવાની નોબત આવવાની હોય તો તમે  સુંદર ફ્લેટ્સ જ  પહેરો. તેવી જ  રીતે જેમને સતત એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલતા રહેવાની ફરજ  પડતી હોય તેણે પણ  સપાટ જૂતાં પહેરવા. કહેવાનો અર્થ એ છે કે તમારા જોડાં  તમારા માટે કમ્ફર્ટેબલ હોવા જોઇએ.

તેવી  જ રીતે કોઇપણ ઓફિસવેઅર સાથે ઝાઝા ઘરેણાં  પહેરવાનો પ્રયાસ ન કરવો. ગળામાં પાતળી ચેન અને પેન્ડન્ટ, નાની બુટ્ટી, બ્રેસલેટ જેવી જ્વેલરી પૂરતી છે. ઓફિસમાં ડઝનબંધ બંગડીઓ, ભારે નેકલેસ ઇત્યાદિ પહેરવાનું ટાળવું.જોકે મહિલા કર્મચારીઓની એક્સેસરીમાં ઘડિયાળ અને હેન્ડબેગ સૌથી મહત્વના ગણાય છે. તેથી તમારી આવશ્યક્તા, ડ્રેસિંગ ઇત્યાદિને ધ્યાનમાં રાખીને હેન્ડબેગ લેવી. તેવી જ રીતે ગોલ્ડન બ્રેસલેટ સાથે સોનેરી પટ્ટાવાળી અને સિલ્વર બ્રેસલેટ સાથે સિલ્વર બેલ્ટવાળું ઘડિયાળ પહેરવું.

Tags :