શરીરના કોષોની અદ્ભૂત રચના
આપણા શરીરના અંગો સુક્ષ્મ કોષો જોડાઈને બનેલાં છે. શરીરનો કોષ નરી આંખે જોઈ શકાય નહીં. તે જોવા માટે શક્તિશાળી માઈક્રોસ્ક્રોપ જોઈએ. આટલાં ઝીણાં કોષની રચના અને કામ પણ અદ્ભૂત છે. એક સોયની અણી પર હજારો કોશ સમાઈ જાય. અને એ બધા સ્વતંત્ર રીતે જુદા જુદાં કામ પણ કરે કેવું અદ્ભુત.
કાર્ય કરવા માટે કોશમાં વચ્ચે એક કેન્દ્ર અને તેની ફરતે પ્રવાહી ભરેલું હોય છે. આ પ્રવાહીમાં એવાં અદ્ભૂત રસાયણ હોય છે. કે કોશોમાં શક્તિની લેવડ દેવડ કરે છે. એટલે કે શક્તિ લે છે અને ઉપયોગ કરે છે. કોશના કેન્દ્રમાં જીનેટિક માહિતી હોય છે જે માણસનો વંશવારસો નક્કી કરે છે.
શરીરના દરેક અવયવ જુદાં જુદાં કામ કરે છે. મગજના કોશો જ્ઞાાન કે સંદેશાની લેવડ દેવડ કરે છે. લોહીના કોષો વળી આખા શરીરના અન્ય કોશોને શક્તિ અને ગરમી પહોંચાડે છે. ફેંફસાના કોશો ઓકસીજનની લેવડ દેવડ કરે છે. આમ જુદી જુદી જાતના કોશો તેમાં રહેલાં પ્રવાહી વડે જ કામ કરે છે. આ બધું રાસાયણિક ક્રિયાથી થાય છે. તમે આ વાંચો છો ત્યારે તમારી આંખથી માંડીને મગજના તમામ કોષો એક સાથે પોત પોતાનું કામ કરતાં હશે અને તેમને ખબર પણ નહીં હોય.
બાળક મોટું થતું જાય તેમ તેનું શરીર પણ વિકાસ પામે તેમાં પણ આ કોષોનું જ કામ મહત્ત્વનું છે. શરીરમાં નવાં કોષો બન્યા કરે છે. ચામડી ઉપરથી ઘણા કોશો ખરી જાય છે. ઘણા કોષો નાશ પામે છે. નવા કોષો કેવી રીતે બને છે તે જાણો છો ? એક કોષના બે ટુકડા થઈ અલગ પડે અને બંને સ્વતંત્ર કોષ તરીકે કામ કરવા લાગે છે. ખોરાક અને શ્વાસમાં લીધેલા ઓક્સીજનથી આ બધા કોષોનું તંત્ર ચાલ્યા કરે. માણસ જ નહીં પરંતુ પ્રાણીઓ, પક્ષીઓ અને જંતુઓ ઉપરાંત વનસ્પતિમાં પણ આ કોષો વડે જ જીવનક્રમ ચાલે છે.