Get The App

ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખનાર મહિલાઓ

Updated: Jan 3rd, 2020

GS TEAM

Google News
Google News
ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખનાર મહિલાઓ 1 - image


સાઇના નેહવાલ

સાઇના નેહવાલે દેશને એ વાતની અનુભૂતિ કરાવી કે બેડમિન્ટનમાં ભારત પણ વિશ્વભરમાં ઝળકી શકે છે. અત્યાર સુધી ૨૪થી પણ વધુ આંતરરાષ્ટ્રીય ટાઇટલ મેળવનાર સાઇના ટેનિસ સિંગલ્સમાં  પણ પ્રથમ સ્થાન મેળવનાર એકમાત્ર ભારતીય ખેલાડી છે. તેણે લંડન ખાતે વર્ષ ૨૦૧૨માં યોજાયેલી ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૦ તેમ જ ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક મેળવનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી છે. 

ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખનાર મહિલાઓ 2 - image

મિતાલી રાજઃ 

મિતાલી રાજે ભારતીય ક્રિકેટને નવી વ્યાખ્યા આપી છે એમ કહીએ તો તે વધારે પડતું નહીં ગણાય. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ભૂતપૂર્વ કેપ્ટન મિતાલી આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ ધરાવે છે. 'વન ડે ઇન્ટરનેશનલ' (ઓડીઆઇ)માં ૬૬૨૨   રન બનાવનારી તે એકમાત્ર ક્રિકેટર છે. તેવી જ  રીતે ટી૨૦માં પણ ૨૦૦૦ રન કરનારી પ્રથમ મહિલાનો રેકોર્ડ તેના નામે બોલે છે. જમણા હાથની બેટ્સવુમન મિતાલી ૨૦૦ ઓડીઆઇ રમનારી પ્રથમ મહિલા છે.ઓડીઆઇમાં સૌથી વધુ ૫૦ રન બનાવનારી પણ મિતાલી જ છે. તેથી જ તેને મહિલા ક્રિકેટ જગતની ં સચિન તેંડુલકર ગણવામાં આવે છે.ભારતીય ક્રિકેટમાં ટેસ્ટ મેચ, ઓડીઆઇ અને ટી૨૦ એમ ત્રણે ક્ષેત્રે સૌથી વધુ રન બનાવીને આ ખેલને નવી ઊંચાઇ આપવા બદલ તેનેે વર્ષ ૨૦૧૫માં 'પદ્મશ્રી'થી નવાજવામાં આવી હતી. 

ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખનાર મહિલાઓ 3 - image

સાનિયા મિર્ઝા 

દેશની ભાગ્યે જ કોઇ વ્યક્તિ સાનિયા મિર્ઝાના નામથી અજાણ હશે. હિન્દુસ્તાનમાં સાનિયા ટેનિસ માટેની પોસ્ટર ગર્લ ગણાય છે. તેણે આ ખેલમાં દેશને આંતરરાષ્ટ્રીય સ્તરે પુષ્કળ પ્રશંસા અપાવી છે. તે હંમેશાંથી દેશની ટોચની ટેનિસ ખેલાડી રહી છે. આજદિન સુધી તેનું આ સ્થાન અન્ય કોઇ નથી આંચકી શક્યું. તેના નામે છ ગ્રાન્ડ સ્લેમ બોલે છે. માર્ટિન હિંગીસ સાથેની ભાગીદારીમાં રમાયેલી વુમન્સ ડબલની સાનિયાની રમત અવિસ્મરણીય બની રહી છે.તેની અપાર સિધ્ધિઓ બદલ ભારત સરકારે તેને 'અર્જુન એવોર્ડ', 'પદ્મશ્રી', 'ખેલ રત્ન' અને 'પદ્મ ભૂષણ' જેવા નામાંકિત પારિતોષિકોથી નવાજી છે. 

ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખનાર મહિલાઓ 4 - image

હીમા દાસ

 એથ્લીટ હીમા દાસે માત્ર ૧૯ વર્ષની વયે ભારતની  સ્પોર્ટ્સ લીજન્ડ  હોવાનું બહુમાન મેળવ્યું છે.'ઇન્ટરનેશનલ એસોસિએશન ઓફ એથ્લીટિક્સ(આઇએએએફ) વર્લ્ડ યુ૨૦'માં  ટ્રેક ઇવેન્ટમાં સ્વર્ણ પદક  મેળવીને  હીમા દાસ રાતોરાત પ્રખ્યાત થઇ ગઇ. 'ઠીંગ એક્સપ્રેસ' અને 'ઉડનપરી' તરીકે જાણીતી બનેલી હીમાએ વર્ષ ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં ૪૦૦ મીટરની દોડ ૫૦.૭૯ સેકન્ડમાં પૂરી કરીને રેકોર્ડ સર્જ્યો હતો. આ સિધ્ધિ બદલ તેને 'અર્જુન એવોર્ડ'થી નવાજવામાં આવી હતી. તેને આસામ સરકારે પોતાની સ્પોર્ટ્સ અમ્બેસેડર તરીકે નિમી છે. આ મહત્વકાંક્ષી એથ્લીટ પાસેથી ભારતને પણ ઘણી અપેક્ષાઓ છે. 

ભારતીય ખેલકૂદ ક્ષેત્રનો સિનારિયો બદલી નાખનાર મહિલાઓ 5 - image

મેરી કોમ

બોક્સિંગનું નામ આવતાવેંત આપણી નજર સમક્ષ દેશની ટોચની મહિલા બોક્સર મેરી કોમનો ચહેરો ન આવે તો જ નવાઇ. છ વખત 'વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન'નો રેકોર્ડ ,સર્જનાર તે એકમાત્ર ભારતીય ખેલાડી  છે. વર્ષ ૨૦૧૨માં લંડન ખાતે યોજાયેલી ઓલિમ્પિક્સમાં મેરી કોમે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જ્યારે વર્ષ ૨૦૧૮ની કોમનવેલ્થ ગેમ્સમાં સ્વર્ણ પદક પ્રાપ્ત કરનારી સૌપ્રથમ ભારતીય બોક્સર બની હતી. 'ધ ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન(એઆઇબીએ) વર્લ્ડસ વુમન્સ રેંકિંગ'ની 'લાઇટ ફ્લાઇંગ' કેટેગરીમાં તે ટોચનું સ્થાન ભોગવે છે. તેની સિધ્ધિઓથી ગૌરવાન્વિત બનેલા હિન્દુસ્તાને તેને પણ સમ્માન આપવામાં કરકસર નથી કરી. ભારતના રાષ્ટ્રપતિએ તેને વર્ષ ૨૦૧૬માં રાજ્ય સભાની સભ્ય બનાવી હતી. તેને બોક્સિંગમાં રાષ્ટ્રીય નીરિક્ષક તરીકે પણ નિમવામાં આવી હતી. આ સિવાય મેરી કોમને પણ સાનિયા મિર્ઝાની જેમ જ 'પદ્મ ભૂષણ', 'પદ્મશ્રી', 'ખેલ રત્ન' અને 'અર્જુન એવોર્ડ'થી સન્માનિત કરવામાં આવી છે. 

Tags :