સ્ત્રીઓ હવે જલ્દી સહનશીલતા ગુમાવે છે

આમ તો આજના જમાનામાં લગભગ દરેક વ્યક્તિમાં ધીરજ ઘટતી જઈ રહી છે. પરંતુ મહિલાઓ, જેમની પાસેથી હંમેશાં કંઈક વધારે સહનશીલતાની અપેક્ષા રાખવામાં આવે છે, તેમનામાં પણ આ ભાવના ખૂબ ઝડપથી ઘટી રહી છે. કેટલાક દાયકા પહેલાં સુધી મહિલાઓ રીતરિવાજો, માન્યતાઓ અને સંસ્કારોના બંધનમાં પોતાના ચોક્કસ વર્તુળમાં ઘણું બધું સહન કરતી હતી, પરંતુ આજની સ્વતંત્ર વિચારસરણી ધરાવતી મહિલાઓ આ માન્યતાઓથી ઘણી દૂર થતી જઈ રહી છે.
પરિવારમાં માતા-પિતાની વાત ન માનવી, સાસરિયામાં બધાંને હળવાશથી લેવા, પતિ અને બાળકો સાથે વાત-વાતમાં ધીરજ ગુમાવવી તેમનો સ્વભાવ બની રહ્યો છે. ઘરમાં નોકર, ડ્રાઈવર, રસોઈયો કોઈની પણ નાનકડી ભૂલ માટે તેને એક પણ તક આપ્યા વિના તરત કાઢી મૂકીને તેને સ્થાને બીજો રાખી લે છે.
એક બાજુ ઓફિસમાં પોતાના બોસની બોસગીરી વધારે સહન ન થતા એક નોકરી છોડીને બીજી નોકરી શોધે છે. તો બીજી બાજુ પોતાનાં જુનિયર કર્મચારીઓ પર વાત-વાતમાં રોફ જમાવે છે. મિત્રો અને સંબંધીઓ સાથે પણ આ વર્તણૂક કરે છે. 'તું નહીં તો બીજો કોઈ'નાં સૂત્રમાં માનતી આ મહિલાઓ કોઈપણ સંબંધ માટે અટકવાનું જાણતી નથી. લગ્ન વિષયક સલાહકારના જણાવ્યા પ્રમાણે, ''આજકાલ છૂટાછેડાના વધતા જતા પ્રમાણ માટે મહિલાઓનું શોર્ટ ટેમ્પર્ડ હોવું જવાબદાર છે.''
પરિવર્તનનું કારણ
વર્તમાન શિક્ષણ અને વૈશ્વિકીકરણના લીધે ઘણી બાબતોમાં માપદંડ બદલાઈ ગયા છે. મહિલાઓનું કાર્યક્ષેત્ર પણ વિસ્તૃત બન્યું છે, જેના કારણે તેમની માનસિકતા પણ બદલાઈ છે. તેઓ પોતાની ફરજોની સાથે જ પોતાનાં અધિકારો માટે પણ જાગૃત બની છે.
બાળપણથી જ સુખ-સમૃદ્ધિ સગવડભર્યું જીવન જીવવા ટેવાયેલી આજની પેઢીને કોઈપણ નકામી બાબત માટે સમય બગાડવો અયોગ્ય લાગે છે. વિજ્ઞાાન ક્ષેત્રની સફળતાએ તેમને સરળ અને પડકાર વગરની જિંદગી જીવવાની ટેવ પાડી દીધી છે.
આર્થિક ક્ષેત્રમાં આત્મનિર્ભર હોવાથી મહિલાઓમાં જાતે નિર્ણય લેવાની ક્ષમતા વધી છે. તેઓ પુરુષોનાં વર્ચસ્વ ધરાવતા સમાજમાં 'આઝાદ' હોવાની ભૂમિકા અપનાવી રહી છે. મહિલાઓ પોતાની મહત્ત્વાકાંક્ષાના પગલે એક વિકલ્પ સાથે રાખીને જીવવામાં વિશ્વાસ રાખે છે.
શું કરીએ, સમય જ એવો છે
એ વાત સાચી છે કે આજની મહિલાઓ પર શોર્ટ ટેમ્પર્ડ અને તુંડમિજાજી હોવાનાં આક્ષેપ મુકાઈ રહ્યાં છે, પરંતુ તેની પાછળ તેમની પોતાની પણ કેટલીક મજબૂરીઓ છે. થોડા સમય પહેલાં ઘરની ચાર દીવાલોમાં કેદ કોઈપણ પ્રકારનાં પડકાર વગર મોટાભાગે સરળ જિંદગી જીવતી મહિલાઓ આજે ઘણું સંઘર્ષમય જીવન જીવી રહી છે.
ઘરની અંદર શિસ્ત વગરનાં બાળકો, તો ક્યાંક જવાબદારીઓથી ભાગતા પતિ. ક્યાંક બાળકોના ઉછેર, અભ્યાસ અને કારકિર્દીને લઈને ભાગદોડ તો ક્યાંક ઘર અને નોકરી વચ્ચે સંતુલન જાળવી રાખવાની દોડધામ. ક્યાંક છેતરપિંડી કરતાં દુકાનદાર, લાભ લેતા સગાં-સંબંધી, દોસ્ત, ક્યાંક ચોરી અને દગાબાજી કરતાં નોકર તો ક્યાંક ઉપકાર ભૂલી જનાર પડોશી. ક્યાંક જરૂર કરતાં વધારે કામ લેતા બોસ તો ક્યાંક કામચોરી કરતાં તાબા હેઠળના કર્મચારી.
આવા અનેક મુશ્કેલ મોરચા છે, જેની સામે એક મહિલાએ રોજ ઝઝૂમવું પડે છે. આ સંજોગોમાં એક સંવેદનશીલ મહિલા ક્યાં સુધી સંયમ જાળવી શકે છે તે એક કોયડો છે.
દિનપ્રતિદિન પ્રતિકૂળ બનતી પરિસ્થિતિઓ અને મુશ્કેલીઓ ભરેલા જટિલ જીવનમાં તેની ધીરજ વિસ્ફોટક બને એ અસ્વાભાવિક બાબત પણ નથી. મનોચિકિત્સકના જણાવ્યાનુસાર, ''આજના સંઘર્ષભય જીવનમાં મહિલાઓએ અત્યંત માનસિક દબાણમાંથી પસાર થવું પડે છે, જેના લીધે તેમનામાં ચીડિયાપણું, અધિરાઈ, હતાશા તથા ડિપ્રેશન જેવી સમસ્યાઓ વધતી જાય છે.''
આ સંજોગોમાં મહિલાઓએ જે પરિસ્થિતિ તેમના વશમાં નથી, તેમાં ચીડાયા કે રૃંધાયા વગર સમજદારીથી કામ લેવું જોઈએ. જીવન પ્રત્યે હકારાત્મક વિચારસરણી અપનાવો, ખુશ રહો અને બીજાઓને ખુશ કરો.








