લતા મંગેશકર શા માટે વસંત દેસાઈથી ખફા હતાં?

- સિને મેજિક- અજિત પોપટ
- 'ગુડ્ડી' ફિલ્મ વખતે ફિલ્મ સર્જક ઋષિકેશ મુખરજીના સૂચનથી વસંત દેસાઈએ વાણી જયરામના કંઠે ગીતો ગવડાવ્યાં એથી લતા રીસાઇ ગયાં. એટલી હદે કે લતાએ પોતાના માનીતા સંગીતકારો અને પોતાને ગમતાં ગીતો વિશે ડઝનબંધ ઇન્ટરવ્યુ આપ્યાં, પરંતુ એક્કેવાર વસંત દેસાઇનું નામ કે એમણે સ્વરાંકિત કરેલાં ગીતનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો
આપણા સૌના માનીતા સંગીતકારો જયદેવ અને (કલ્યાણજી-આણંદજી ફેમ) આણંદજી વીરજી શાહની જેમ વસંત દેસાઇ પણ આવેલા તો અભિનેતા બનવા. પરંતુ એ અભિનેતા બને એ વાત વિધાતાને મંજૂર નહીં હોય. એટલે સંગીતકાર બની ગયા. સંગીતકાર તરીકેની કારકિર્દી જામી ગયા પછી એકવાર બિનાકા રેડિયો પર અમીન સયાનીને આપલી મુલાકાત દરમિયાન વસંત દેસાઇએ હસતાં હસતાં કહેલું, નાટકો કે ફિલ્મોમાં ભગવાન કૃષ્ણ બનતા અભિનેતાના વાળ બોબ્ડ હેર જેવા એટલે કે ગરદન સુધી પહોંચતા હોય છે ને, મેં પણ એ રીતે વાળ વધાર્યા હતા. અન્નાસાહેબે (વી. શાંતારામનું હુલામણું નામ) કોલ્હાપુરમાં પ્રભાત કંપનીમાં મારો ઇન્ટરવ્યૂ લીધેલો. મને પૂછયું કે તારે શું કરવું છે? મેં ઝટકો મારીને ગરદન પરના વાળ આગળ લાવતાં કહ્યું કે મારે અભિનેતા બનવું છે. અન્નાસાહેબે મને માથાથી પગના અંગૂઠા સુધી વેધક નજરે જોયો. પછી કહ્યું કે હમણાં તો તારે લાયક કોઇ રોલ ધ્યાનમાં નથી. હાલ તને સંગીત વિભાગમાં રાખું છું. જરૂર પડયે નાનામોટાં બધાં કામ કરવાની તૈયારી રાખવી પડશે...
બોમ્બે ટૉકિઝ અને ન્યુ થિયેટર્સની જેમ એ સમયે પ્રભાત કંપનીના સિક્કા પડતા હતા. વસંતને જે સંગીત વિભાગમાં રાખ્યો ત્યાં ત્રણ-ત્રણ ધુરંધરો હાજર હતા. એ વિશે વિગતે વાત કરવા અગાઉ વસંતના બાળપણની થોડી ઝલક મેળવીએ. મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાના સોનાવડે ગામમાં એ સમયના અત્યંત લોકપ્રિય કીર્તનકાર બાબા ભાસ્કરબુઆ પરુળેકરની પુત્રી મુક્તાબાઇ વસંતનાં માતાજી થાય. પતિ- પત્ની વચ્ચે કોઇ અણબનાવ હશે એટલે વસંતનાં માતાપિતા અલગ અલગ રહેતાં હતાં. મુક્તાબાઇ પોતાના પિતાને ત્યાં રહેતાં. મુક્તાબાઇ પોતે અભિજાત સંગીતના વિદ્યાથની રહી ચૂકેલાં. એક તરફ માતામહ (નાના)નાં કીર્તનો અને બીજી બાજુ મુક્તાબાઇનું ગાયન. આમ, સાવ કૂમળી વયથી વસંતના કાન ઉમદા સંગીત સાંભળવા ટેવાઇ ગયેલા. મૂળ નામ આત્મારામ પણ એક કઝિને કહ્યું કે નાટક અને સિને કલાકારનું નામ આવું જૂનવાણી હોય તે ન ચાલે એટલે નામ બદલીને વસંત કરેલું. પ્રભાતમાં વસંત જોડાયા ત્યારે અભિજાત (પ્યોર ક્લાસિકલ), નાટય સંગીત અને લોકસંગીતના ત્રણ-ત્રણ ધુરંધર કલાકારો પ્રભાતનો સંગીત વિભાગ સંભાળતા- પંડિત ગોવિંદરાવ ટેંબે, માસ્ટર કૃષ્ણારાવ અને પંડિત કેશવરાવ ભોળે. આ ત્રણે દાદુ કલાકારોને મરાઠી નાટકો અને પ્રભાતની ફિલ્મોનું સંગીત તૈયાર કરતાં જોઇને વસંત ઘડાતા ચાલ્યા. આટલું ઓછું હોય તેમ વી. શાંતારામે આ ટીનેજરની પ્રતિભા પારખીને એને અભિજાત સંગીતની વધુ સઘન તાલીમ મળે એવી જોગવાઇ કરી.
પંડિત ભીમસેન જોશી, ગંગુબાઇ હંગલ અને ડૉક્ટર પ્રભા અત્રે જેવા કલાકારો આપનારા કિરાના ઘરાનાના સ્થાપક મનાતા ઉસ્તાદ અબ્દુલ કરીમ ખાન, જગવિખ્યાત સિતારવાદક ઉસ્તાદ વિલાયત ખાનના પિતા તેમ જ વીણા તથા સિતારવાદનના દાદુ ઉસ્તાદ ઇનાયત ખાન અને તાનસેનના વંશજ મનાતા ધુ્રપદિયા ડાગર બંધુઓ પાસેથી વસંતને અભિજાત સંગીતની તાલીમ મળી. આપણી પાસે એક સરસ સંસ્કૃત શબ્દ છે- 'બહુશ્રુત'. સંગીતની દુનિયામાં વસંત દેસાઇ ખરા અર્થમાં બહુશ્રુત હતા.
સમયના વહેવા સાથે હિમાંશુ રાય અને દેવિકા રાણીના બોમ્બે થિયેટર્સમાં તિરાડ પડી એમ કોલ્હાપુરમાં પ્રભાતના ભાગીદારો વચ્ચે મનદુ:ખ થયું. વી. શાંતારામે પોતાની અલગ સંસ્થા રાજકમલ કલામંદિર સ્થાપી અને મુંબઇ આવી ગયા. એમની સાથે પ્રભાતના જે કલાકારો મુંબઇ આવ્યા એમાં વસંત દેસાઇનો પણ સમાવેશ હતો. આમ, છેક ૧૯૩૦ના દાયકાના ઉત્તરાર્ધથી વસંત દેસાઇ વી. શાંતારામની સાથે હતા. શાંતારામની મરાઠી અને હિન્દી ફિલ્મોમાં સતત સંગીત પીરસવા ઉપરાંત જરૂર પડયે વસંત દેસાઇ પોતે પાર્શ્વગાયન કરતા. ક્યારેક નાનકડો રોલ પણ કરી લેતા. મુહમ્મદ રફી, મૂકેશ કે કિશોરકુમારની કારકિર્દી હજુ શરૂ થઇ નહોતી. એટલે વસંત દેસાઇ શાંતારામની ફિલ્મોમાં ગીતો પણ ગાઇ લેતા. જોકે એ રાજકમલના કર્મચારી રહ્યા. બહુ મોડેથી રાજકમલ છોડયું. આમ છતાં શાંતારામનો સંદેશો આવે ત્યારે તરત રાજકમલ ચાલ્યા જતા અને શાંતારામને જે કામ હોય તે કરી આપતા.
પ્રભાતના સમયથી શાંતારામે સ્ટુડિયોમાં અનેક દેશીવિદેશી વાજિંત્રો વસાવ્યા હતાં. ફુરસદના સમયે વસંત દેસાઇ જે તે વાદ્ય પર હાથ અજમાવતા એટલે વિવિધ વાદ્યો પર પણ સારો કાબુ હતો. ત્રીસ વર્ષની ફિલ્મી કારકિર્દીમાં વસંત દેસાઇએ મરાઠી નાટકો ઉપરાંત મરાઠી અને હિન્દી ત્રણસો ફિલ્મોમાં સંગીત પીરસ્યું. તેમને કદી વિદેશી સંગીતનો આશ્રય લેવાની જરૂર ન પડી. એમનો ભારતીય સંગીતનો ખજાનો એટલો સમૃદ્ધ હતો કે એમની કારકિર્દી ભારતીય સંગીતના જોરે સફળ થતી રહી.
એથી પણ આગળ વધીને સમગ્ર ફિલ્મ ઉદ્યોગમાં એમની માગ બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે પણ સતત થતી રહી. ફિલ્મના સંગીતકાર ગમે તે હોય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે વસંત દેસાઇને કોલ આવતો. એમનું કામ એવું હતું કે ફિલ્મના મૂળ સંગીતકાર ક્યારેય વસંત દેસાઇ સિવાય અન્ય કોઇને બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે સ્વીકારતા નહોતા. સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે આટઆટલી સફળતા છતાં વસંત દેસાઇના પગ ભોંય પર રહ્યા હતા. સ્વભાવે ખૂબ ઓછાબોલા અને નમ્ર. પોતાના સાજિંદાઓને પણ માનથી બોલાવે અને સારું કામ થાય ત્યારે ઉદાર મને જે તે સાજિંદાને બિરદાવે - વાહ, આજ આપને બહુત અચ્છા બજાયા. ક્યારેય ઊંચા સાદે બૂમબરાડા પાડે નહીં. શાંત ચિત્તે પોતાનું કામ પૂરેપૂરી સમપતતાથી કરતા રહે. લતા મંગેશકર પાસે વસંતે એકથી એક ચઢિયાતાં ગીતો ગવડાવ્યાં. લતા અને વસંત બંને કોલ્હાપુરથી આગળ આવેલાં, પરંતુ 'ગુડ્ડી' ફિલ્મ વખતે ફિલ્મ સર્જક ઋષિકેશ મુખરજીના સૂચનથી વસંતે વાણી જયરામના કંઠે ગીતો ગવડાવ્યાં એથી લતા રીસાઇ ગઇ. એટલી હદે કે લતાએ પોતાના માનીતા સંગીતકારો અને પોતાને ગમતાં ગીતો વિશે ડઝનબંધ ઇન્ટરવ્યુ આપ્યાં, પરંતુ એક્કેવાર વસંત દેસાઇનું નામ કે એમણે સ્વરાંકિત કરેલા ગીતનો ઉલ્લેખ સુદ્ધાં ન કર્યો. આમ, વસંત દેસાઇ વિના કારણે હાંસિયામાં ધકેલાઇ ગયા. લતાને ખરાબ ન લાગે એટલે મિડીયાએ પણ આ નિષ્ઠાવાન કલાકારની ઘોર ઉપેક્ષા કરી.








