કોઈ દેશમાં ઠંડી, કોઈ દેશમાં વરસાદ તો કોઈ દેશમાં ગરમી, એમ કેમ ?
તમે દેશવિદેશના સમાચારો વાંચતા હશો. ભારતમાં ઘણી ઠંડી પડતી હોય ત્યારે કોઈ દૂરના દેશમાં વરસાદની ઋતુ હોય અને પૂર આવ્યું હોય તેવું પણ વાંચવા મળે. ભારતમાં ઉનાળો હોય ત્યારે ચીનના ઉત્તર ભાગમાં બરફનો વરસાદ પણ થતો હોય આવું કેમ બને છે તે જાણો છો ? પૃથ્વી દડા જેવી ગોળ છે અને તેના દરેક ભાગમાં સૂર્યનો પ્રકાશ એક સરખો
પડતો નથી. પૃથ્વીનો વિષુવવૃત્ત ભાગ સૂર્યની સામે જ હોય છે. એટલે ત્યાં સૂર્યના સીધાં કિરણો પડતાં હોય છે. પરિણામે ગરમી પણ વધુ. જેમ જેમ ઉત્તર કે દક્ષિણ ધ્રુવ તરફ જતાં જઈએ તેમ તેમ સૂર્યના કિરણો ત્રાંસા પડે. આમ પૃથ્વીની ભૂમધ્ય રેખા તરફથી જેમ જેમ દૂર જઈએ તેમ સૂર્યના કિરણો ત્રાંસા પડે અને ગરમી ઓછી થાય.
આમ પૃથ્વીના જુદા જુદા ભાગ પર એક જ સમયે હવામાન જુદું જુદું હોય છે. આ ઉપરાંત દરિયા કિનારા અને પર્વતો પણ જે તે પ્રદેશના હવામાન પર અસર કરે છે. હિમાલય પર બારેમાસ બરફ છવાયેલો રહે છે. એટલે તેની આસપાસના વિસ્તારોમાં ઠંડી બહુ પડે અને ગરમી ઓછી. આ ઉપરાંત જંગલો પણ હવામાન પર અસર કરે છે. ગીચ જંગલો અને વનસ્પતિવાળા પ્રદેશોમાં વાતાવરણ ઠંડું રહે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાં ભેજ વધુ હોય છે. આમ દરેક ભૌગોલિક કારણોથી દરેક દેશનું હવામાન પણ જુદું જુદું દેખાય છે.