કોણે કહ્યું કે હું રણબીર સાથે ફિલ્મ કરવાનો છું? : મોહિત સુરી

બોલિવુડમાં સમર્થન વિનાના રિપોર્ટ્સ અને અફવાઓ વહેતા થવા રોજિંદી બાબત બની ગઈ છે. ડિજિટલ મીડિયાના આગમન પછી તો ખાસ. હમણાં છેલ્લે એવા રિપોર્ટ્સ આવ્યા હતા કે ૨૦૨૫ની સુપરહિટ ફિલ્મ 'સૈયારા' ના ડિરેક્ટર મોહિત સુરીએ પોતાની નેક્સ્ટ મૂવી માટે રણબીર કપૂરને સાઈન કર્યો છે. તે એેક ગેંગસ્ટરની મ્યુઝિકલ સ્ટોરી છે. એ સંદર્ભમાં મોહિત સુરીનો સંપર્ક સાધવામાં આવતા તેઓ આ રિપોર્ટને વાહિયાત ગણાવતા કહે છે, 'હમણાં મારી કોઈ ફિલ્મ ફ્લોર પર નથી જવાની, કારણ કે હું હજુ મારી નવી ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યો છું. હું હજી એ સ્ટેજ પર નથી પહોંચ્યો જ્યાં કાસ્ટિંગ વિશે વાતચીત શરૂ થઈ શકે.'
અલબત્ત, પોતે રણબીરને તાજેતરમાં મળ્યા હોવાનું સ્વીકારતાં માહિત સુરી ઉમેરે છે, 'અમારી મિટીંગ એકદમ કેઝ્યુઅલ હતી. અમારી વચ્ચે ફિલ્મ વિશે કોઈ વાત નથી થઈ. રણબીર તો પહેલેથી મારા કામના વખાણ કરતો આવ્યો છે. ભૂતકાળમાં એણે મારા વિશે ઊંચો અભિપ્રાય આપ્યો હતો. એણે મને હમણાં ફોન પણ કર્યો હતો. બસ, એટલી જ વાત છે.'
પોતાના નેક્સ્ટ પ્રોજેક્ટ મોહિત કહે છે, 'મારી છેલ્લી ફિલ્મ 'સૈયારા' ગયા વરસે જુલાઈમાં રિલીઝ થઈ હતી. પછી મેં નવી ફિલ્મ લખવાની શરૂ કરી. એ સ્ક્રિપ્ટ પૂરી કરવા મારે હજુ એકાદ-બે મહિના જોઈશે. હજુ મારું લખવાનું કામ પૂરંુ થયું નથી.'
વેલ, મોહિત સુરીની નેક્સ્ટ ફિલ્મની આપણે ધીરજપૂર્વક રાહ જોઈશું.








