Magazines

સ્લીવલેસ બ્લાઉઝ કોને શોભે

By GS TEAM
22 Jun 20267 mins read
સ્લીવલેસ બ્લાઉઝ કોને શોભે

- બાંય વિનાનું બ્લાઉઝ પહેરવાની ફેશન

દરેક યુવતી પોતે અન્ય યુવતીઓ કરતાં વધુ સુંદર અને આકર્ષક દેખાવા માટે અનેક પ્રકારનાં સૌંદર્ય પ્રસાધનો અને વિવિધ ફેશનેબલ પોશાકોનો ઉપયોગ કરતી હોય છે. એમાંય જો કોઇ પાર્ટી કે લગ્ન સમારંભમાં જવાનું હોય અથવા કોઇ કોલેજનું કેમ્પસ હોય, જ્યાં એકથી વધારે યુવતીઓ એકત્રિત થાય, ત્યાં એકબીજીથી વધારે સુંદર દેખાવાની જાણે સ્પર્ધા ચાલે છે. જો કે મોટા ભાગની યુવતીઓ માત્ર ચહેરાની સુંદરતા પર જ બધુ ધ્યાન આપતી હોવાથી તેમના શરીરની અન્ય અંગોની ઉપેક્ષા થઇ જાય છે. આથી ક્યારેક તેઓ જાહેરમાં હાંસીપાત્ર બને છે.

સ્લીવલેસ બ્લાઉસ પહેરતી યુવતીઓની બાબતમાં આવુ વધારે બને છે. અલબત્ત, કેટલીક યુવતીઓ સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાથી સુંદર લાગે છે, પરંતુ એથી વિપરીત કેટલીક યુવતીઓના સૌંદર્યમાં તેનાથી ઘટાડો થાય છે.

થોડા દિવસ અગાઉ એક લગ્નસમારંભમાં મિતાલી સાથે મુલાકાત થઇ. કિંમતી સાડી અને આકર્ષક મેકઅપને લીધે મિતાલી બધાથી અલગ તરી આવતી હતી. બધાનું ધ્યાન એના પ્રત્યે આકર્ષાતુ હતું. મિતાલી સાથે વાતચીત કરતાં મારી નજર એના સ્લીવલેસ બ્લાઉઝના ખુલ્લા ભાગ પર પડી, ત્યારે એના સુંદર ચહેરાના આકર્ષણ પર જાણે પાણી ફરી વળ્યું. બ્લાઉઝના ખુલ્લા ભાગની ત્વચાનો રંગ શરીરની અન્ય ત્વચાના રંગ કરતાં જુદો પડી જતો હતો. સ્લીવલેસ બ્લાઉઝમાં દૂરથી રૂપ સુંદરી દેખાતી મિતાલી નજીકથી જોતાં એકદમ ફૂવડ અને કદરૂપી લાગતી હતી.

એક દિવસ બજારમાં ખરીદી કરતી વખતે અચાનક મારી મુલાકાત રેણુકા સાથે થઇ. એ મારી સાથે કોલેજમાં ભણતી હતી. એની સુંદરતા અને ચંચળ સ્વભાવને લીધે બધા એના પ્રત્યે આકર્ષાતા. એ દિવસે રેણુકાએ સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું હતું. એક વડિયા બાંધાને કારણે એ હજી પણ એટલી જ સુંદર લાગતી હતી. અમે ખરીદી કર્યા પછી બસમાં સાથે જ પાછાં ફરી રહ્યાં હતાં. રેણુકાએ હાથ ઊંચો કરી બસનો ડંડો પકડયો, ત્યારે એની બગલમાં દેખાતી કાળાશને લીધે એની સુંદરતા પર પાણી ફરી વળ્યું.

જે યુવતીઓ સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી હોય, તેમણે બગલના વાળની સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઇએ, કેમ કે સ્લીવલેસ બ્લાઉઝમાંથી બગલ સ્પષ્ટ નજરે ચડે છે. ઘણી યુવતીઓ પુરુષોની માફક રેઝર દ્વારા વાળ દૂર કરતી હોય છે. રેઝરથી વાળ દૂર તો થઇ જાય છે પરંતુ બે-ત્રણ દિવસમાં તે ફરી ઊગી જાય છે. મુંબઇની લોકલ ટ્રેનોમાં કે બસમાં મુસાફરી કરતી વખતે હાથ ઊંચો રાખી ઊભા ઊભા યાત્રા કરતી વખતે આ દ્રશ્ય ખરાબ લાગે છે.

વળી, રેઝરનો વારંવાર ઉપયોગ કરવાથી એટલા ભાગની ત્વચા કાળી અને ખરબચડી પડી જાય છે. કેટલીક યુવતીઓ બેદરકારી અને સમયના અભાવને લીધે રેઝરથી વાળ દૂર નથી કરતી તેમની બગલની ત્વચા એકદમ ખરાબ લાગે છે. આમ ન થાય તે માટે યુવતીઓએ ડેજિલેટરી વૅક્સનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી ત્વચા કાળી પડતી નથી તેમજ ખરબચડી પણ નથી થતી. જો વૅક્સિંગ કરવામાં પરેશાની થતી હોય, તો કોઇ સારા હેર રિમૂવર લોશન દ્વારા વાળ દૂર કરવા જોઇએ. આનો ઉપયોગ સ્નાન કરતી વખતે દર બે-ત્રણ દિવસે કરી શકાય છે.

બાવડા જાડા હોય તો ન શોભે

સ્લીવલેસ બ્લાઉઝ પહેરતા પહેલાં તમારા શારીરિક બાંધાનો પણ ખ્યાલ રાખવો જરૂરી છે. જો તમારી ઊંચાઇ પ્રમાણમાં વધારો હોય, તો સામાન્ય ઊંચાઇ ધરાવતી યુવતીઓના પ્રમાણમાં તમને સ્લીવલેસ બ્લાઉસ સારું ન લાગે. ઊંચાઇને લીધે ગરદન અને ખભાનો ભાગ વધારે ખુલ્લો દેખાય છે. વળી, ઊંચાઇ ધરાવતી પાતળી યુવતીઓ સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાથી વધારે પાતળી લાગે છે.

જે યુવતીઓ સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી હોય, તેમણે ગરદનની પાછળના ભાગ, ગળાની નીચેના ભાગ, વક્ષસ્થળ ઉપર અને પીઠના ખુલ્લા ભાગ તથા કોણીઓની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. જો હાથની સ્વચ્છતાનું પૂરતું ધ્યાન રાખવામાં ન આવે, તો હાથનો જેટલો ભાગ ખુલ્લો રહેતો હોય તેની ત્વચાનો રંગ જુદો દેખાઇ આવશે.

કેટલીક યુવતીઓ સ્લીવયુક્ત બ્લાઉઝ પહેરતી હોય છે, તેમાં તેમના હાથ ઢંકાયેલા રહેતા હોય છે. આવો ઢંકાઇ રહેલો ભાગ બીજા ખુલ્લા રહેતા ભાગના પ્રમાણમાં વધારે સ્વચ્છ, ગોરો અને સુંદર દેખાય છે. જ્યારે આવી યુવતીઓ સ્લીવલેસ બ્લાઉઝ પહેરે ત્યારે તેમના હાથ પર ઢંકાયેલી રહેતી ત્વચાનો ભાગ જુદો દેખાઇ આવે છે, કેમ કે હાથના આગલા ભાગની ત્વચા વધારે કાળી પડી ગયેલી હોય છે. આમ ત્વચા વિવિધ શેડવાળી દેખાય છે.

સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી યુવતીઓએ પહેલેથી જ પોતાના હાથની સ્વચ્છતા પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઇએ. જો ત્વચા વધારે સમય સુધી ઢંકાયેલી રહેવાથી સ્વચ્છ અને સુંદર હોય, તો હાથના બાકીના ભાગની ત્વચાને પણ સ્વચ્છ કરી સમાન બનાવવી જોઇએ. આખા હાથની ત્વચાનો રંગ એક સરખો કરવા માટે સ્નાન કરતી વખતે રોજ હાથ પર ક્લીજિંગ મિલ્ક લગાવી સાફ કરો. હાથના ખુલ્લા રહેતા ભાગને સાફ કરવાની વધારે જરૂર હોય છે, કારણ કે તેનો ઉપરનો ભાગ ઢંકાયેલો રહેતો હોવાથી તે વધારે સ્વચ્છ હોય છે.

ઉનાળામાં ખુલ્લા હાથ તડકાને કારણે વધારે શ્યામ થઇ જતા હોય છે. વલી, પરસેવો વધારે થવાથી ચીકાશ પણ લાગે છે. ખભાની કાળાશ દૂર કરવા માટે ઊનાળામાં સ્નાન કરતી વખતે દહીમાં થોડુ વેસણ ભેળવી ખૂબ ઘસો.

હાથની માફક યુવતીઓએ વક્ષસ્થળની ઉપર અને ગરદનની નીચેના ખુલ્લા ભાગની ત્વચાની સ્વચ્છતાનો પણ ખ્યાલ રાખવો જોઇએ, કેમ કે સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાથી શરીરના ખુલ્લા અંગોની ત્વચાના જુદા રંગને કારણે તમે ફુવડ અને કદરૂપા લાગી શકો.

શિયાળામાં બહુ ઓછી યુવતીઓ સ્લીવલેસ બ્લાઉઝ પહેરે છે. શિયાળામાં બપોરના સમયે તડકામાં થોડા કલાક માટે આવું બ્લાઉઝ પહેરી કોઇ બહેનપણીના ઘેર જઇ શકાય અથવા તો બહેનપણીઓ આવે ત્યારે થોડો સમય લૉનમાં બેસી ગપ્પાં મારી શકાય. કેટલીક યુવતીઓને કિટી પાર્ટી, બર્થડે પાર્ટી વગેરેમાં સલીવલેસ બ્લાઉઝ પહેરીને જવું વધારે પસંદ હોય છે.

શિયાળામાં સ્લીવલેસ બ્લાઉઝ પહેરતાં પહેલાં યુવતીઓએ સ્તન પ્રદેશની ઉપરનો ભાગ હાથ તથા કમરના ખુલ્લા રહેતા ભાગની ત્વચાની સુંદરતાનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. શિયાળામાં હાથનો ખુલ્લો રહેતો ભાગ ઠંડા પવનના સંપર્કમાં આવવાથી વધારે શુષ્ક અને ખરબચડો થઇ જાય છે, તે વખતે બીજી ઋતુઓના પ્રમાણમાં વધારે શ્યામ લાગે છે. સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી વખતે હાથનો રંગ જુદો દેખાવાથી ખરાબ લાગે છે.

હાથ અને કમરની ઉપરના તથા ગરદનની આગળ-પાછળ ખુલ્લા રહેતા ભાગની સ્વચ્છતા અને સુંદરતા માટે કેટલાંક ઘરગથ્થુ પ્રસાધનો ઉપયોગમાં લઇ શકાય. કેટલીક યુવતીઓ રોજ સ્નાન કરતી વખતે કમરની ઉપરનો તથા ગરદનની આસપાસનો ભાગ બેદરકારીને લીધે બરાબર સ્વચ્છ કરતી નથી. નોકરી કરતી યુવતીઓ પણ સમય ન મળવાને લીધે કમરના પાછળના ભાગને નિયમિત સ્વચ્છ કરી શકતી નથી. આવી યુવતીઓ જ્યારે સ્લીવલેસ બ્લાઉઝ પહેરે, ત્યારે ખરાબ દેખાય છે.

સ્નાન કરતી વખતે કમરના પાછળના ભાગ પર, ખભાની આજુબાજુ, ગળા નીચેના ખુલ્લા ભાગ અને હાથની સ્વચ્છતા માટે કોઇ સારા નાયલોન બ્રશનો ઉપયોગ કરો. પીઠ પર તથા ગરદનની નીચેના ભાગ પર બ્રશને સારી રીતે ઘસો. હાથ અને અન્ય અંગોની સ્વચ્છતા માટે મડપેકનો પણ ઉપયોગ કરી શકાય. ખુલ્લા રહેતા અંગ પર મડપૅક લગાવી તેને ૧૫-૨૦ મિનિટ સુધી સુકાવા દો. હાથ પર મડપૅક વધારે પ્રમાણમાં લગાવી તેને સ્વચ્છ કરો, જેથી આખા હાથની ત્વચાનો રંગ એક સરખો લાગે. મડપેક સુકાઇ ગયા પછી શાવરથી સ્નાન કરવું. તેના લીધે કમરનો પાછલો ભાગ સારી રીતે સ્વચ્છ થાય છે, શારીરિક સ્ફુર્તિ અને ઉત્સાહમાં વૃધ્ધિ થાય છે.

ખુલ્લી ત્વચા માટે બોડી લોશન

શરીરના ખુલ્લા રહેતા ભાગ પર બોડી લોશનનો ઉપયોગ પણ કરી શકાય. તેનાથી ત્વચા સ્વચ્છ તથા સ્નિગ્ધ રહે છે અને સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાથી ખુલ્લા ભાગની ત્વચાનો રંગ જુદો દેખાઇ આવતો નથી. જો વક્ષસ્થળના ઉપરના ભાગમાં કોઇ પ્રકારના ડાઘ કે રેખાઓ દેખાતાં હોય તો કૅમોફ્લૉઝ સ્ટિક તેના પર લગાવો. ત્યાર પછી પાઉડર લગાવી ત્વચાના રંગને એક સરખો કરી દો.

સ્લીવલેસ બ્લાઉઝ પહેરો ત્યારે છાતીના ખુલ્લા ભાગ પર, હાથ નીચે, ખભા પર ગોલ્ડન ગ્લિટરથી સ્પ્રે કરવાથી સુંદર લાગશે.

હાથની સુંદરતા વધારવા

હાથની ખરબચડી ત્વચાને સ્નિગ્ધ બનાવવા માટે લીંબુના રસમાં ગ્લીસરીન અને ગુલાબજળ ભેળવો. તેમાં થોડો બોરિક પાઉડર પણ મિક્સ કરો. આ મિશ્રણને હાથ, વક્ષસ્થળ, પીઠ પર, ગરદનની આજુબાજુ ઘસવાથી ત્વચા નીખરી ઉઠે છે અને સ્નિગ્ધ બને છે.

સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી યુવતીઓએ હાથની કોણીની સ્વચ્છતા પ્રત્યે ખાસ ધ્યાન આપવું જોઇએ. કોણી ખુલ્લી રહેવાથી તેમજ ટેબલ કે પાળી પર તેને ટેકવીને ઊભા રહેવાથી તેની ત્વચા વધારે ખરબચડી અને કાળી પડી જાય છે. સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલ યુવતીની કોણી કાળી, ખરબચડી ત્વચા ખૂબ ખરાબ દેખાય છે. કેટલીક યુવતીઓ આ બાબત પ્રત્યે ધ્યાન નથી આપતી અને જોનારની દ્રષ્ટિમાં ફુવડ અને બેદરકાર ઠરે છે.

કોણીની કાળાશ દૂર કરવા માટે તેને સ્નાન કરતી વખતે બ્રશથી સાફ કરવી જોઇએ. સ્નાન કરવાની થોડીવાર પહેલાં કોણી પર સાબુ લગાવી બ્રશથી હળવા હાથે ઘસીને સાફ કરો. તે પછી ટુવાલથી લૂછી તેના પર કોઇ ક્રીમ કે બદામનું તેલ લગાવો. હાથની સ્વચ્છતા માટે બદામને રાતે પાણીમાં પલાળી રાખો. સવારે તેને વાટીને તેમાં ઇંડાનો સફેદ ભાગ ભેળવી થોડો લીંબુનો રસ નાખો. આને બરાબર એકરસ કરી તેનાથી હાથ પર હળવા હાથે માલિશ કરો. તે પછી ૧૦-૧૨ મિનિટ બાદનવશેકા પાણીથી ધોઇ નાખો. તેનાથી હાથ સ્વચ્છ થશે અને ત્વચામાં નિખાર આવશે.

હાથની ત્વચા ખરબચડી અને શુષ્ક હોય, તો પણ સ્લીવલેસ બ્લાઉઝ પહેરવાથી આકર્ષણ જાગતું નથી. આવી ત્વચાને કોમળ તથા સ્વચ્છ બનાવવા માટે લીંબુના રસ અને ઓલિવ ઓઇલના થોડાં ટીપાં ઇંડાની જર્દી (પીળા ભાગ)માં ભેળવી હાથની સાથોસાથ શરીરના ખુલ્લા ભાગો પર પણ હળવા હાથે માલિશ કરી થોડીવાર રહેવા દો. સુકાય ત્યારે સ્નાન કરી મિશ્રણને ધોઇ નાખો. થોડા દિવસ સુધી આમ કરવાથી હાથ વધારે સ્વચ્છ, સુંદર અને આકર્ષક લાગશે.

મોટા ભાગે તો સ્લીવલેસ બ્લાઉઝનો રંગ સાડી સાથે મેચ થાય એવો પસંદ કરવામાં આવે છે, તેમ છતાં તમારા બ્લાઉઝના રંગ પસંદ કરતી વખતે ત્વચાના રંગનું ધ્યાન પણ રાખવું જોઇએ. ઘણીવાર ત્વચા સાથે બ્લાઉઝનો રંગ મેળ ન ખાતા ત્વચા જુદી દેખાય છે.

યુવતીઓએ સ્લીવલેસ બ્લાઉઝ પહેરતી વખતે હાથની સ્થૂળતાનો પણ ખ્યાલ રાખવો જોઇએ. કરચલી પડેલા અને સ્થૂળ હાથને લીધે સ્લીવલેસ બ્લાઉઝનું આકર્ષણ નાશ પામે છે. હાથની સ્થૂળતા ઘટાડવા માટે હાથ પર માલિશ તેમજ કેટલીક હળવી કસરતો કરવી જોઇએ.