Magazines

સર્વોપરિ કોણ, ધાર્મિકતા કે માનવતા? .

By GS TEAM
20 May 20262 mins read
સર્વોપરિ કોણ, ધાર્મિકતા કે માનવતા?                             .

ધર્મ શબ્દનો સરળ અર્થ છે- ધારણ કરવું, ધર્મનું પાલન કરવું, ધર્મવૃત્તિ કેળવવી. ધર્મવૃત્તિમાં ધર્મ છે, ધર્મક્રિયાઓ છે, ધર્મભાવ છે, ધર્મપ્રીતિ છે- મનુષ્યનો ધર્મ પ્રત્યેનો હકારાત્મ અભિગમ છે. વળી ધર્મ કે ધર્મવિચારધારા પ્રકૃતિમાં માત્ર મનુષ્ય પાસે જ છે અન્ય જીવો જેવા કે પશુ-પક્ષીઓમાં ધર્મ જેવું કશું હોતું નથી. સહજ રજૂ કરીએ તો ધર્મ મનુષ્યની સારી-નરસી વૃત્તિઓ-પ્રવૃત્તિઓ અને વિચારપ્રક્રિયાને નિયંત્રિત કરે છે.

ધર્મ ઇશ્વરસ્વરૂપ હોઈ ધર્મનો પ્રાણ કે આત્મા મનુષ્યની રોજિંદી ધર્મક્રિયાઓ બની રહે છે. અન્યમાં દરેક મનુષ્ય ઓછે વત્તે અંશે ધાર્મિકતા અને માનવતાનાં સત્વભાવો- સાત્વિકગુણો ધારણ કરેલ જોવા મળે ! ધર્મ મહદઅંશે સત્ય અને અહિંસા આધારિત છે, સત્યનું પાલન ધર્મ બને અને અહિંસાની વિચારધારા ઉત્તમ ધર્મવૃત્તિ બની રહે ! વળી ધર્મ એ પરોપકાર છે- પરમાર્થ છે, સેવા - સમર્પણનો ભાગ છે- ભાવ છે. મનુષ્યની રોજબરોજની ધર્મક્રિયામાં પ્રભુદર્શન- પ્રભુ સ્મરણ- પૂજા પાઠ- મંત્ર જપ ભજન ભક્તિ આરતી એ સર્વપ્રકારની મનુષ્યની ધર્મક્રિયાઓ ધાર્મિકતા બની રહે, ધર્મનું સુંદર સ્વરૂપ બની રહે જે મનુષ્યમાં શાંતિ-આનંદ અને પ્રસન્નતા બક્ષે ! વિશેષ વિશ્વનાં વિવિધ ધર્મોનો સારાંશ છે- ' ધર્મથી પાપ નષ્ટ થાય, અધર્મનાં માર્ગનો ત્યાગ થાય જ્યાં પુણ્યભાવ પ્રગટે મનુષ્યની અધ્યાત્મ ઉન્નતિ- અધ્યાત્મ સંસ્કાર- શિક્ષાબળ વૃધ્ધિ પામે. વિકસે જે મનુષ્યની જીવનયાત્રાનો સફર મુક્તિમાર્ગ- મોક્ષમાર્ગ બની રહે !

માનવતા એ ધાર્મિકતાનો જ ભાગ છે. વાસ્તવમાં માનવતા જ મનુષ્યમાત્રનો સાચો ધર્મ બને, મારોધર્મ- મમધર્મ : સર્વ ધર્મ : ! સૃષ્ટિનાં સર્વ નાનાં-મોટા જીવો તેમજ મનુષ્ય, પ્રત્યે દયાભાવ-કરુણા- પરોપકાર- પરમાર્થ, સદ્ભાવ અને સેવા- સહાય- સુશ્રૂષાની સંવેદના એ મનોહર માનવતા-સંપન્ન મનુષ્યનાં સાત્વિકગુણો છે. વાસ્તવમાં માનવતા કે માણસાઈ મનુષ્યનાં નિર્મળ પવિત્ર હૃદયનો સમભાવ- સહજભાવ બની રહે છે. 'માનવતા બિન મનુષ્ય પશુ:સમાના:' માનવતા વગરનો મનુષ્ય પશુસમાન કહેવાય છે. દુ:ખી રોગી-દર્દી, ગરીબ-ગુરબા જીવોનાં દુ:ખ દર્દ પીડા દૂર કરવાની મનુષ્યની તીવ્ર ઝંખના અને તાલાવેલી સાથેના ઉત્તમ પ્રયાસો-પુરુષાર્થએ 'દયાભાવ-કરુણાભાવ' બની રહે- માણસાઈ દીપી ઉઠે ! માનવીનાં સેવાભાવનાં કરુણભાવે પ્રભુ રાજી થાય- પ્રેમ વરસાવે. વિશેષ રજૂ કરીએ તો અબોલા- નિ:સહાય પશુ-પક્ષીઓ તરફ સહાયવૃત્તિ સારસંભાળ-કાળજી દયા-કરુણાએ શ્રેષ્ઠ માનવતા દીપી ઉઠે ! તેથી જ નરસિંહ મહેતાએ કહ્યું છે- 'વૈષ્ણવજન એ છે જે પીડપરાઈ જાણે.'

ધાર્મિકતા અને માનવતામાં સર્વોપરિ કોણ તે સંદર્ભે રજૂ કરીએ તો- માનવતાનું પલ્લું ભારે રહે-વજનદાર રહે ! ધાર્મિકતામાં પ્રભુસ્મરણ, પ્રભુદર્શન અને પ્રભુશરણ જેવી ધર્મ સંબંધી ક્રિયાઓ કેન્દ્રસ્થાને છે જ્યારે માનવતામાં માનવકલ્યાણ- માનવસેવા- માનવ ઉન્નતિ અને જીવદયા-જીવકરૂણાસેવા કેન્દ્રસ્થાને છે. મનુષ્યએ દેવદર્શન જવું (ધાર્મિકતા) કે રોગી બિમાર દુ:ખી ગરીબજનોની સેવા સહાય કરવી (માનવતા) એ મનુષ્યનો સ્વનિર્ણય છે- જો મનુષ્યમાં ધાર્મિકતાભાવ સાથે સાથે માનવતાની તીવ્ર સેવાવૃત્તિ જન્મે તો સોનામાં સુગંધ ભળે તેમ માનવું રહ્યું !

- કમલેશ હરિપ્રસાદ દવે