પ્રામાણિક ઉમેદવારોનું સ્થાન ક્યાં?
પેપરલીક થવાની શક્યતાઓ ઘટી જાય. જો સરકાર ઇ-ગવર્નંસ અને પારદર્શકતા પર વધુ ભાર આપી રહી છે તો ઓનલાઇન ભરતી પરીક્ષા યોજવાથી ભરતી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ અને ન્યાયી બનશે તથા લોકોની વિશ્વસનીયતા વધશે
તાજેતરમાં બિનસચિવાલય ક્લાર્ક પરીક્ષામાં ગેરરિતિઓની અનેક ફરિયાદો ઉઠી અને સરકાર અનેક વિવાદોમાં ઘેરાઇ ગઇ. જોકે તપાસને અંતે આ ફરિયાદોમાં કેટલું તથ્ય છે એ ખ્યાલ આવશે! આવા અનેક આક્ષેપોની વચ્ચે જો સરકાર કોઇ નક્કર પગલા નહિ લે તો સરકારી ભરતી પ્રક્રિયા પોતાની વિશ્વસનીયતા ઘુમાવી બેસે તેવી શક્યતાઓને નિવારી ન શકાય.
આ સંજોગોમાં સરકારે ભરતી પ્રક્રિયામાં ધરમુળથી પરિવર્તન કરવું જ રહ્યું. સૌ પ્રથમ તો સરકારી ભરતી પ્રક્રિયામાં ઓનલાઇન પરીક્ષાનું આયોજન કરવું જોઇએ જેથી પેપર નિર્ધારીત સમયે શરૂ અને પૂર્ણ કરી શકાય. પેપરલીક થવાની શક્યતાઓ ઘટી જાય. જો સરકાર ઇ-ગવર્નંસ અને પારદર્શકતા પર વધુ ભાર આપી રહી છે તો ઓનલાઇન ભરતી પરીક્ષા યોજવાથી ભરતી પ્રક્રિયા વધુ નિષ્પક્ષ અને ન્યાયી બનશે તથા લોકોની વિશ્વસનીયતા વધશે.
જો પ્રશાસનિક કારણોને લીધે ઓનલાઇન પરીક્ષાઓ યોજવી શક્ય ન હોય તો કમસેકમ દરેક પરીક્ષા કેન્દ્ર સીસીટીવી કેમેરાથી સજ્જ હોવું જોઇયે. અને પરીક્ષા બાદ તેના ડિવીઆર ને ૧ મહિના જેટલા સમય માટે સ્ટ્રોંગરૂમમાં રક્ષણ આપવું જોઇએે.
આ સમયમાં જો કોઇપણ પરીક્ષા કેન્દ્રમાં ગેરરિતિ સર્જાયાની ફરિયાદ મળે કે શંકા જાય તો તરત જ તેની તપાસ કરી નિરાકરણ કરી શકાય. આ ડિવીઆરના ડેટાને આરટીઆઇ હેઠળ સમાવવામાં આવે તો કોઇપણ નાગરિક તેને અરજી કરીને મેળવી શકે અને જો ગેરરિતિના પુરાવા મળે તો સરકાર દોષીતત્વો સામે ફોજદારી રાહે પગલા લઇ શકે.
ભરતી પ્રક્રિયામાં આમ છતાં જો કોઇ ગેરરિતિ જણાય અને કોઇ નાગરિક તેને બહાર લાવે તો તેને કોઇ બિનજરૂરી સમસ્યાના ભોગ ન બનવુ પડે તે માટે 'વ્હિસલબ્લોવર એક્ટ' ઘડી તેના અંતર્ગત રક્ષણ આપવુ જોઇયે.
જેથી સિવિલ સોસાયટીના વિવિધ સંગઠનોનું વધુ સશક્તિકરણ થાય અને કોઇપણ ગેરરિતિ થઇ હોય તો નિર્ભય બની તેને બહાર લાવી શકે ! ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ હાલમા જે-તે વિભાગના ખાતાના વડા સમકક્ષ દરજ્જો ધરાવે છે તથા તેની કામગીરી વિવિધ ઠરાવો અંતર્ગત આપવામા આવેલ છે તેવું તેની વેબસાઇટ પર જણાવેલ છે.
તેમા સુધારો કરી તેને વિધાનસભા દ્વારા વિશેષ કાનૂન ઘડી તેના અંતર્ગત પુરતી સ્વાયત્તતા/ રક્ષણ આપવું જોઇએ ! જેથી કોઇપણ શેહશરમ વગર દોષીતો સામે 'સુઓ-મોટો' પગલા લઇ શકે.
એક તરફ સરકાર સારી ગુણવત્તાના કર્મચારીઓ મળે તે માટે ભરતીની લાયકાતમાં ફેરફાર કરીને વિવાદ વહોરી લે છે. પણ શું ભરતી પ્રક્રિયા તટસ્થ, પારદર્શક, ઉત્તરદાયી નહિ હોય તો શું સરકાર સારી બ્યુરોક્રસી મેળવી શકશે ? બ્યુરોક્રસીને દેશની સ્ટીલફ્રેમ ગણવામાં આવે છે. તે સમગ્ર દેશના પ્રશાસનતંત્ર અને લોકોને જોડતુ અને જકડી રાખતુ માળખુ પુરુ પાડે છે.
સરદાર પટેલે દેશને સારી બ્યુરોક્રસી મળે તે આદર્શને ભાર આપીને દેશના સર્વોચ્ચ કાયદા સંવિધાન અંતર્ગત રક્ષણ આપ્યુ હતું. જેનો ઘણો વિરોધ પણ થયો. તેમ છતાં સરદાર પટેલે પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠાને હોડમાં મુકીને અમલદારશાહિને સંવિધાનના આર્ટીકલ ૩૦૯, ૩૧૦ અને ૩૧૧ અંતર્ગત રક્ષણ આપ્યું હતું. આમ જો બ્યુરોક્રસીની ભરતી પ્રક્રિયા સાથે ચેડા થાય તો તે સરદારશ્રીના આદર્શોનો વિનાશ હશે ! જો રાજકિય ઇચ્છાશક્તિ હોય તો બધુંજ શક્ય છે.
ગુજરાત સરકારની ઉચ્ચસ્તરની ભરતી કરતા બોર્ડ જીપીએસસીમાં છેલ્લા થોડા વર્ષોમાં જે ફેરફાર કરવામા આવ્યા તે કાબિલેતારિફ છે. જીપીએસસી દ્વારા થોડા વર્ષ પહેલા પરિસ્થિતિ એવી હતી કે એક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતા વર્ષો નીકળી જતા હતા. કોર્ટ મેટર્સનો પાર ન હતો ! પરંતુ ૨૦૧૭થી જે રિફોર્મ કરવામા આવ્યા તેના થકી આજે દેશના શ્રેષ્ઠ લોક સેવા આયોગની કામગીરી કેવી હોઇ શકે તેનો આદર્શ તેણે પુરો પાડયો છે. ગુજરાતમાં ખાલી પડેલી અનેક સરકારી જગ્યાઓ સમયસર ભરવા સરકારે સારી ઝુંબેશ ચલાવી છે.
પણ જો યોગ્ય તકેદારી નહિ રાખવામા આવે તો સરકાર સારા અધિકારીઓ/કર્મચારીઓ મેળવવાની તક ગુમાવશે. આમ હાલના વિવાદને માત્ર એક રાજકીય વિવાદ તરીકે ન જોતા સમગ્ર ભરતી પ્રક્રિયા સુધારવાની એક તક છે તેવો હકારાત્મક અભિગમ અપનાવવામા આવે તો ગૌણ સેવા મંડળ, પંચાયત પસંદગી બોર્ડ વગેરે પણ વિવાદોથી મુક્ત બની શકે !