Magazines

જોરદાર આઇડિયા ક્યાં મળે?

By GS TEAM
6 Jun 20262 mins read
જોરદાર આઇડિયા ક્યાં મળે?

- સ્કવેર કટ-અધીર અમદાવાદી

= જોરદાર આઇડિયા ક્યાં મળે?

- સુરેશભાઈ શાહ, ભરૂચ 

- બેકાર સાળા પાસેથી.

= ટીવી પર ન્યૂઝ ચેનલમાં જે બ્રેકિંગ ન્યૂઝ આવે છે એમાં એ લોકો શું બ્રેક કરે  છે?

- કૃપાલી વ્યાસ, અમદાવાદ

- આપણી ધીરજ અને વિશ્વાસ.

= વિદ્યાર્થી : ટીચર પેટ્રોલ બચાવવા માટે શું કરવું જોઈએ? ટીચર શું કહેશે?

- રમીઝ વહોરા, સુરત  

- બાઇક ખેંચીને લઈ જવું.

= આ ઘોર કળિયુગમાં સતયુગ હોય એવું જીવન વ્યતિત કરતાં હોય, તેમને શું કહેવું?

- ગોપાલ દવે, અમદાવાદ

- થેન્ક યુ.

= ભૂત ગરમીમાં સફેદ ચાદર ઓઢીને ફરે તો અંદર પરસેવો ના વળે?

- લલિત ઇન્દ્રવદન દોશી, કરજણ 

- તમે ટેલકમ પાવડરનું શું કરો છો?

= મારી જાત ઉપર દયા આવે છે શું કરું?

 - વિનોદભાઇ પરમાર, સુરત 

- આવે તે સારું કહેવાય. પેલી સીરીયલવાળી તો ગયેલી પાછી જ નથી આવતી.  

= આ મોંઘવારીમાં સવાલ પુછવાનું મહેનતાણું આપવાનું ક્યારથી શરુ કરશો?

- નાગેસ ઓડેદરા, રાજકોટ 

- મારી અટક અમદાવાદી છે. ભાઈ, પ્લીજ નોટ.

= નુકસાનમાં હોઈએ તોયે ફાયદો કઈ રીતે કરાય?

- જગદીશ મોદી, પેટલાદ 

- સીએના માર્ગદર્શનથી. 

= મોટર ડ્રાઇવિંગ સ્કૂલની ટ્રેનિંગ અમદાવાદના ટ્રાફિકમાં કામમાં આવે?

- હરેશ લાલવાની, અમદાવાદ  

- ડ્રાઇવિંગ એ જવાબદારી છે. દરેકે સમજવું પડે. 

= નિષ્ફળતાને સફળતામાં કઈ રીતે ફેરવાય?

- હેમંત પાટિલ, વડોદરા 

- પોલિટીશિયનની જેમ વિચારીને.  

= આફૂસ સારી કે કેસર ?

- કેયૂર ઠક્કર, અંકલેશ્વર 

- મફતમાં મળે તો રાજાપુરી પણ સારી.  

= ઉનાળામાં રાત્રે ચડ્ડો પહેરીને બહાર જતાં ડર લાગે છે, ચડ્ડી-બનિયાન ગેંગનો સમજીને ટીચી નાખે તો?

- નીરવ વ્યાસ, અમદાવાદ 

- તો તમારું નામ સ્ક્વેર કટને બદલે સમચારના પાના પર છપાય.   

= કોઈનો વિડીયો કોલ ક્યારે ના ઉપાડાય?

- કનુભાઈ પરમાર, દામનગર

- થાઈલેન્ડ ગયા હોઈએ ત્યારે.

=  સરકાર રાશનમાં કેરી કેમ નથી આપતી?

- શિવમ યાજ્ઞિાક, રાજકોટ 

- હું તો કહું છું સોનાના સિક્કાય આપવા જોઈએ. હાચ્ચે 

= કોઈએ બબલ ગમ ફુલાવી હોય અને એ ફૂટે એનો બહુ ડર લાગે છે, શું કરવું?

- રાકેશ પટેલ, અમદાવાદ 

- બીજું ગમે તે કરો, શેરબજારનું ના કરતાં.

= આજના જમાનામાં આદર્શ પતિ કોને કહી શકાય ?

- હંસાબહેન ભરુચા, વિરાર

- પોતાના પતિને જ કહેવાય. ધ્યાન રાખજો.

= મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ સાથે પોપકોર્નના ખર્ચથી બચવા શું કરવું?

- શશિકાંત જી.દેસલે, સનિયા કનદે, સુરત

- પોપકોર્નના બંધાણીની સાથે ફિલ્મ જોવા જવું.

= તમને પ્રશ્નો વાંચીને હસવું આવે છે કે રડવું?

- સોલંકી ચિરાગ, નંદેસરી 

- અમુક પ્રશ્નો વાંચીને તો ડૂસકાં ભરું છું.

= મરચાં હવે કેમ મોળા આવે છે?

- મુકેશ ચંદારાણા, મીઠાપુર

- છોકરીઓ પણ હવે ક્યાં તીખી આવે છે?

=નેતાઓ ગાંધીજીની વિચારધારા, આદર્શો અપનાવે એમ તેમના જેવો પોશાક ક્યારે અપનાવશે?

- એ. કે. ગોસર વાંકાનેર

- પોતડીની ફેશન આવશે ત્યારે. ઘડિયાળની તો આવી ગઈ.