Magazines

પ્રભુ પાસેથી પણ આપણને પ્રભુ ક્યાં જોઈએ છે?

By GS TEAM
1 Apr 20262 mins read
પ્રભુ પાસેથી પણ આપણને પ્રભુ ક્યાં જોઈએ છે?

- એક દિવસ પ્રવચન પછી એક નવયુવાને સંતને પૂછયું, 'ગુરુદેવ ! આપ પ્રતિદિન પ્રભુની અદ્ભુત વાતો કરો છો, અમે પણ પ્રતિદિન પ્રભુની પૂજા-આરતી વિગેરે ખૂબ કરીએ છીએ, પણ પ્રભુ કોઈને કેમ મળતા નથી?'

એક સંત પોતાના શિષ્યોને પ્રવચન આપતા હતા. વિશાળ સંખ્યામાં શિષ્યો બેઠા હતા. પ્રવચન ખૂબ સરસ ચાલ્યું એટલે ગામના શ્રોતાઓ પણ જોડાવા લાગ્યા. એક અઠવાડિયામાં તો આખું ગામ પ્રવચનમાં આવવા લાગ્યું. કેટલાક દિવસો માટે સંતે પ્રવચનમાં પ્રભુભક્તિનો વિષય લીધો. સૌ પ્રભુભક્તિમાં પણ તરબોળ થવા લાગ્યા.

એક દિવસ પ્રવચન પછી એક નવયુવાને સંતને પૂછયું,'ગુરુદેવ ! આપ પ્રતિદિન પ્રભુની અદ્ભુત વાતો કરો છો, અમે પણ પ્રતિદિન પ્રભુની પૂજા-આરતી વિગેરે ખૂબ કરીએ છીએ, પણ પ્રભુ કોઈને કેમ મળતા નથી ?'

સંતે કહ્યું,' તારો સરસ પ્રશ્ન છે. આનો જવાબ હું તને બે દિવસ પછી આપીશ, પણ એ જવાબ મેળવતા પૂર્વે તારે મારું એક કામ કરવું પડશે. એ કામ હું તને આવની કાલનાં પ્રવચન પછી સોંપીશ.' બીજા દિવસે પ્રવચન સમાપ્ત થયા પછી સંતે સૌ શ્રોતાઓનાં ઘરે જઈને તેઓની વ્યક્તિગત મુલાકાત કરવાનું કહ્યું, અને તેમાં સૌને પરમાત્મા પાસેથી શું જોઈએ છે ? તેઓ પરમાત્મા પાસે શું મેળવવા પ્રાર્થના કરે છે ? તે જાણી લાવવા કહ્યું.

યુવાન વ્યક્તિગત સૌના ઘરે ગયો. સૌએ પોત-પોતાની અંતરેચ્છા અભિવ્યક્ત કરી. કોઈને સંપત્તિ જોઈતી હતી, તો કોઈને સંતતિ જોઈતી હતી. કોઈને ઘર જોઈતું હતું. તો કોઈને વર જોઈતો હતો. કોઈને દીકરા જોઈતી હતી તો કોઈને ડીગરી જોઈતી હતી. કોઈને છોકરો જોઈતો હતો, તો કોઈને ડોકરો બનવું ન હતું. કોઈને સંતાન જોઈતું હતું તો કોઈને સન્માન જોઈતું હતું. આમ સૌએ પોતાની ઇચ્છા યુવાનને જણાવી. યુવાને આવીને સંતને વાત કહી. સંતે સૌની અલગ-અલગ એક કાગળ ઉપર લખવા કહ્યું. આમ પૂરી સૂચી તૈયાર થઈ ગઇ. બીજા દિવસે પ્રવચનમાં આ સૂચી લઈને આવવા જણાવ્યું.

બીજા દિવસે સમયસર પ્રવચન શરૂ થયું. પ્રવચનમાં સંતે આ જ વાતને દોહરાવી કે પ્રભુ પાસે આપણે રોજ જઈએ છીએ, પૂજા-અર્ચના કરીએ છીએ, છતા પ્રભુ કેમ મળતા નથી ? યુવાને જે પ્રશ્ન પૂછયો હતો તેને વિસ્તારથી સમજાવી ગઈ કાલની સૂચી કોઈનું નામ લીધા વિના સૌને સંભળાવી. સંપૂર્ણ સૂચી વંચાઈ ગયા પછી સંતે યુવાનને કહ્યું,' આ સૂચીમાં જેને પણ પ્રભુ મેળવવાની ઇચ્છા હોય તેના નામ જાહેરમાં બોલ,' યુવાને સૂચીમાં એકવાર નહીં પણ બે વાર નજર કરી પણ આવું તો કોઈ નામ ન મળ્યું !

સંતે હવે સ્મિત સાથે માર્મિક શબ્દોમાં કહ્યું,' પ્રભુ પાસે આપણે બધું જ મેળવવાની ઇચ્છા વ્યક્ત કરીએ છીએ. આપણને બધું જ જોઈએ છે, પણ પ્રભુ જ નથી જોઈતા, તો પ્રભુ ક્યાંથી આપણને મળે ? યુવાને સંતને કૃતજ્ઞાતાપૂર્વક કહ્યું,' ગુરુદેવ ! મને મારા પ્રશ્નો જવાબ મળી ગયો !

- રાજ સંઘવી