અન્નનળીમાં પાણી-ખોરાક અટકે ત્યારે...
પાણી, પ્રવાહી અને બીજો આહાર ગળતી વખતે ગળાના અને અન્નનળીના સ્નાયુઓ લયબદ્ધ રીતે સંકોચાય છે અને શિથિલ થાય છે. આથી જ સૂતાં સૂતાં ખાવાપીવામાં આવે તો પણ આહાર કે પ્રવાહી ગળામાં જ ન અટકી રહેતાં જઠરમાં પહોંચે છે. મોઢામાં સતત ઝર્યા કરતી લાળ પણ આપણે સતત ગળ્યા કરતા હોઇએ છીએ પણ આપણને તેનો ખ્યાલ પણ નથી આવતો. જો ગળામાં કે અન્નનળીમાં કોઇ પણ જાતનો અવરોધ હોય અથવા સ્નાયુઓની હલચલ કે સંકોચન બરાબર ન થાય તો ગળવામાં તકલીફ પડે છે. ખોરાક ગળામાં કે છાતીમાં અટ કી ગયો છે.
ડૂચરો બાઝયો છે કે ગળતી વખતે દુખાવો થાય છે. તેવી ફરિયાદ આવી વ્યક્તિઓ પાસેથી સંભળાય છે . આવેલો આહાર અન્નનળીમાંથી પસાર થાય છે ત્યારે અન્નનળીની દીવાલ સંકોચાય છે. અને આ ખોરાકને જઠર તરફ ધકેલે છે. જઠરમાં ગયેલો ખોરાક પાછો ન વળે માટે અન્નનળી અને જઠરને જોડતો વાલ્વ સંકોચાયેલો રહે છે. આ વાલ્વ અન્નનળીના પદાર્થોને જઠરમાં પસાર થવા દે છે અને આ ક્રિયા દરમિયાન તે શિથિલ થઇ ખૂલી જાય છે જો આ વાલ્વ ખૂલે નહીં તો અન્નનળીમાં ખોરાક અટકી ગયો તેવું લાગે અથવા ઊલટી થશે તેવું લાગે.
પ્રવાહી કે ખોરાક ગળવામાં તકલીફ થાય તેનાં ઘણાં કારણો છે, જીભ કે ગળાના સોજો હોય, કાકડાં ફૂલી ગયા હો તો ગળતી વખતે દુખાવો થાય છે. ગળાનાં કે અન્નનળીના સ્નાયુનું તાલબદ્ધ હલનચલન ન થતું હોય કે સ્નાયુઓ નબળા અથવા શિથિલ થઇ ગયા હોય તો શરૂઆતમાં પ્રવાહી ગળવામાં મુશ્કેલી પડે છે, પરંતુ ઘટ્ટ પદાર્થો ગળવામાં પણ તકલીફ પડે છે. ગળાના અને અન્નનળીના સ્નાયુનું હલનચલન નિયંત્રિત કરતા જ્ઞાાનતંતુની કામગીરી ખોરવાય તો આ સ્નાયુ શિથિલ થઇ જાય છે. અથવા હલી શકતા નથી. વાઇરસનો ચેપ, મેનિના ઇટીસ, મગજની ગાંઠ અને માયસ્થનિયા નામે ઓળખાતા રોગમાં આવું બને છે. કોઇ વાર માનસિક તનાવ, ભય, કેન્સરનો ભય કે હિસ્ટેરિયાને લીધે પણ આવું બની શકે. જો અન્નનળી અને જઠરને જોડતો વાલ્વ વધુ પડતો સંકોચાયેલો જ રહે તો પણ ગળવામાં તકલીફ પડે છે.
ગળતી વખતે દુખાવો કે મુશ્કેલી પડે તેનાં કારણો અન્નનળીના અવરોધને લીધે પણ હોઇ શકે. જો ગળાની બારીમાં ફેરિન્ક્સમાં સિક્કો, ઠળિયો, ગોટી કે એવું કંઇ અટકી ગયું હોય તો આ અવરોધને લીધે ગળવામાં મુશ્કેલી પડે છે , આધેડ વયની વ્યક્તિને પડી ગયેલો દાંત કે બટકી ગયેલા ચોકઠાનો ટુકડો આ જ પ્રમાણે અટકી શકે. થાઇરોઇડ ગ્રંથિનું કદ વધી હોય તો તેનું દબાણ અન્નનળી પર આવી શકે. છાતીના ઉપલા ભાગમાં શ્વાસનળી અને અન્નનળીની આસપાસ આવેલી લસિકા ગ્રંથિ (લિમ્ફ નોડ) કદ વધી જાય અથવા હદયનું કદ મોટું થઇ જાય તો તનું દબાણ પણ અન્નનળી પર આવે છે. જો અન્નનળીની દીવાલનો થોડો ભાગ- વૃત્તખંડ સંકોચાયેલો રહે તો પણ ગળવામાં તકલીફ પડે છે. આ પરિસ્થિતિને સ્ટ્રીક્ચર કહેવામાં આવે છે , ચેપને લીધે, એસિડ કે બીજું કોઇ રસાયણ , અકસ્માત કે આપઘાત કરવાના ઇરાદાથી પીધું હોય અથવા કોઇ ઇજા થઇ હોય તો અન્નનળીનો થોડો ભાગ બહારથી દોરો બાંધ્યો હોય તેમ સાંકડો બની જાય છે.
આવું કેન્સરની અસરને લીધે પણ બને અન્નનળીની અંદરના ભાગમાં જન્મજાત ખોડને લીધે જાળુ કે નાન કડો પડદો હોય અથવા ટયુમરની ગાંઠ કે કેન્સર હોય તો પણ અવરોધને લીધે ખોરાક અટકવા માંડે છે અને ગળવામાં તકલીફ પડે છે, આધેડ વયની ઓમાં એનિમિયા, જઠરની નબળી પાચનશક્તિ અને ગળતી વખતે આહાર અટકી જતો હોય તેવી તકલીફ કોઇ વાર હોય છે. જતે દિવસે આવી ને અન્નનળીનું કેન્સર થવાની શક્યતા વધે છે.
વધતી જતી વયને લીધે, વધુ પડતી સ્થૂળતા કે વધુ પડતા આહારને લીધે જઠરનો પાચક રસ- એસિડ અન્નનળીમાં પાછો વળે છે અને આને લીધે ગળ દાઇ પડે, છાતીમાં બળતરા કે મૂંઝારો થાય અને ગળવામાં તકલીફ પડે તેવું બને. જો ગળવાની તકલીફ અવરોધને લીધે હોય તો ઘટ્ટ પદાર્થો ગળે ઉતારવામાં તકલીફ પડે છે પરંતુ પ્રવાહી ઊતરી જાય છે. કોળિયે કોળિયે પાણી પીધા પછી જ ખોરાક પેટમાં ઊતરે તે આવા અવરોધનું પરિણામ છે. જો અવરોધની તીવ્રતા વધે તો પ્રવાહી-પાણી પણ નીચે ઊતરવાનું બંધ થવા માંડે છે. આ તકરાર હોય તો કેન્સરની શક્યતા હોવાથી સમયસર તપાસ કરાવી લેવી જોઇએ.
જો ગળતી વખતે દુખાવો થતો હોય, મુશ્કેલી પડતી હોય, ખોરાક અધવચ અટકી ગયો છે. ચોંટી ગયો છે તેવું અનુભવાતું હોય તો તેનું કારણ જાણવું જરૂરી છે. જો આ તકલીફ ચેપને લીધે કે અકસ્માત ગળેલી ચીજ અટકી જવાને લીધે હોય તો તે અચાનક શરૂ થાય અને ઇલાજ કરવાથી તરત સારી પણ થઇ જાય છે. જો ગળાની તકલીફ લાંબા સમયથી હોય તેની તીવ્રતામાં વધારો થતો હોય અને શરીર નબળું પડવા માંડે તો તરત જ નિષ્ણાતની સલાહ લેવી જોઇએ. એક્સ-રે, બોરિયમની તપાસ કરી અવરોધનું કારણ અને તેની તીવ્રતાનો ખ્યાલ આવે છે.
છેલ્લાં થોડાં વર્ષોથી એન્ડોસ્કોપી - દૂરબીન જેવા ઉપકરણથી કરવામાં આવતી તપાસને લીધે અન્નનળી, જઠર કે તેની નીચેનું આંતરડું પ્રત્યક્ષ જોઇ શકાય છે, ગળાની બારીમાં કે અન્નનળીમાં કંઇ અટક્યું છે, ચેપ છે, જન્મગત ક્ષતિ છે, ચાંદું છે કે ગાંઠ છે તે દેખાવાથી તાત્કાલિક નિદાન કરી શકાય છે, ચાંદું કે ગાંઠ દેખાય અને તેની તપાસ કરવાની જરૂર લાગે તો થોડા હિસ્સો બાયોપ્સી માટે બહાર કાઢી શકાય છે. આ સાધનથી માત્ર તપાસ જ નહીં ઇલાજ પણ કરી શકાય છે. અટ કી ગયેલી ચીજ કાઢી લઇને કે જાંબુ કે એવી કોઇ ક્ષતિનું નળીમાંથી જ નાનું ઓપરેશન કરી રાહત આપવી શક્ય છે. જો અન્નનળીનો અમુક ભાગ સંકોચાઇ ગયો હોય તો તેને પહોળો કરવા ડાયલેટ કરવાનું પણ શક્ય છે.
જો સ્નાયુઓનું અનિયમિત સંકોચન થતું હોય અથવા અન્નનળીનો (વાલ્વ બરાબર ખૂલતો ન હોય તો આ ક્રિયાને નિયંત્રણમાં લાવી શકે તેવી ગોળી પણ આપી શકાય, જ્ઞાાનતંતુનો રોગ કાબૂમાં લાવવાના પ્રયાસો દરમિયાન આવા દર્દીને દૂધ કે એવા પ્રવાહીમાં બાફેલું શાક, ભાત કે એવું કંઇ ભેળવી તેને ઘટ્ટ કરી આપવાથી તે ગળી શકાશે. જો ગળી શકવામાં વધુ પડતી મુશ્કેલી પડતી હોય અથવા મોઢેથી લીધેલો આહાર નાક કે શ્વાસનળીમાં જ તો હોય તો નાકમાંથી રબર કે પ્લાસ્ટિકની નળી જઠરમાં પસાર કરી આ નળી દ્વારા પોષણ આપવાની જરૂર પડે છે.
જો અન્નનળીના અવરોધનું પ્રમાણ વધારે હોય અને આ સાંકડા કે અવરોધાયેલા માર્ગમાંથી જઠર સુધી આહાર પહોંચે તેમ ન હોય તો જઠરમાં છિદ્ર પાડી તેમાં સીધો આહાર-પ્રવાહી રેડવામાં આવે છે. રાહત આપવા માટે જરૂરી ઇલાજ તેમ જ પોષણ ટકાવી રાખવા પ્રયાસો કરીશું કારણથી ગળવામાં તકલીફ પડતી હોય તે કારણ દૂર કરવાનો કરવો જોઇએ.