મિજાજ ઠેકાણે ના હોય ત્યારે... .

- મન સ્થિતિ સારી હોય કે ના હોય, બીજાને ઉલ્લાસમાં જોઈ સુખ મળવું જોઈએ. ચકલી તેના બચ્ચાંને એક એક દાણો ખવડાવતી હોય ત્યારે ઓડકાર આવવો જોઈએ. તુલસીના ક્યારામાં પાણી પાતાં જોઈ તરસ છીપવી જોઈએ. વરસતા વરસાદમાં એક જ છત્રીમાં પસાર થતા પ્રેમીઓને જોઈ આપણે ભીંજાઈ જવાં જોઈએ
(ભાગ-2)
વિશ્વામિત્ર અને મેનકાની પુત્રી શકુંતલા કણ્વઋષિના આશ્રમમાં રહેતી હતી. એકવાર આશ્રમની જવાબદારી તેને સોંપીને ઋષિ સોમતીર્થની જાત્રાએ ગયા. એ દરમ્યાન શિકાર કરવા નીકળેલો રાજા દુષ્યંત આશ્રમ પાસે આવી પહોંચ્યો. શકુંતલાએ અતિથિરૂપે તેનું સ્વાગત કર્યું. જળ અને ફળ ધરી તેનો સત્કાર કર્યો. દુષ્યંત તેની સંસ્કારી રીતભાત જોઈ પ્રભાવિત થયો. શકુંતલા પ્રકૃતિની પુત્રી હતી. પરોઢે ઝાકળથી સ્નાન કરેલા કોમળ ફુલ જેવી સુંદરતા જોઈ દુષ્યંત મુગ્ધ થઈ ગયો. તેની નજર શકુંતલા પરથી હટતી નહોતી. શકુંતલા શરમાઈ ગઈ. બન્ને એકબીજા પ્રત્યે આકર્ષાયાં. થોડા દિવસોના સહવાસથી બન્ને પ્રેમમાં ગળાડૂબ થઈ ગયાં. વડીલોની સંમતિની રાહ જોયા વિના તેમણે ગાંધર્વ-વિવાહ કરી લીધો. ત્યારબાદ દુષ્યંતે શકુંતલાને વચન આપ્યું કે તે હસ્તિનાપુર જઈને એક રાજપુરુષને વિધિવત મોકલી તેને આદરપૂર્વક તેડાવી લેશે. આ વચનની ખાત્રી માટે તેણે પ્રેમના ચિહ્ન (અભિજ્ઞાાન) તરીકે પોતાની સોનાની વીંટી શકુંતલાની આંગળીએ પહેરાવી. ત્યારબાદ ફરી જલદી મળવાના વચન સાથે દુષ્યંતે વિદાય લીધી. દુષ્યંતના ગયા પછી શકુંતલા પ્રણયના ઉન્માદી વિચારોમાં ખોવાયેલી રહેતી. ક્યારેક આશ્રમના કામોમાં પણ ઢીલ થઈ જતી. એકવાર તે પ્રણયી વિચારોમાં મગ્ન હતી ત્યારે દુર્વાસા આશ્રમના દ્વારે આવ્યા. હાક મારી. (અયં અહમ્ ભો :) સાંભળ. હું (તારા દ્વારે) આવ્યો છું. પણ શકુંતલાની રગેરગ દુષ્યંત સાથેની પ્રણય સૃષ્ટિમાં રમમાણ હતી. દુર્વાસાએ ફરી બૂમ પાડી. છતાં શકુંતલા બહાર ના આવી. દુર્વાસાને લાગ્યું શકુંતલા જાણી જોઈને તેમનો અનાદર કરી રહી છે. તેમનો અહમ્ ઘવાયો. તીવ્ર ક્રોધની લાગણીથી તેમની આંખો લાલ થઈ ગઈ. મગરૂર મિજાજ કાબૂમાં ના રહ્યો. અને કશો વિચાર કર્યા વગર શકુંતલાને શાપ આપી દીધો. (વિચિન્તયન્તી યમનન્યમાનસા તપોધનં...) તું અત્યારે એકાગ્રચિત્તે જેના ખ્યાલમાં તલ્લીન થઈને આંગણે આવેલા અતિથિનો અનાદર કરી રહી છે. મારા જે તપસ્વીની વાત ધ્યાનમાં લેતી નથી. તે જ વ્યક્તિ વખત આવ્યે વારંવાર યાદ અપાવ્યા છતાં તને ભૂલી જશે. તને ઓળખી પણ નહિ શકે !! આ એક જ શાપે શકુંતલાનું જીવન પલટી નાખ્યું. દુર્વાસા જેવા તપસ્વી એ માનવા તૈયાર જ ના થયા કે તેમના ગરૂર કરતાંય પ્રેમ ઊંચો હોઈ શકે. પ્રેમમાં પડેલી વ્યક્તિ સાનભાન ભૂલી શકે. જેમ ભક્ત દુન્યવી વાતો ભૂલી ભગવાનની ભક્તિમાં એકરસ થઈ જાય એમ પ્રેમી પણ પોતાપણું ભૂલી શકે. ત્યારબાદ નીલા સાપની માફક દુર્વાસાના શાપને લીધે શકુંતલાનું જીવન એવું ભરડાઈ ગયું કે તે દુ:ખી દુ:ખી થઈ ગઈ. દુષ્યંતે વચનના ચિહ્નરૂપે આપેલી વીંટી શચીતીર્થમાં સરી ગઈ. સગર્ભાં શકુંતલાને દુષ્યંતે ઓળખવાનો ઈન્કાર કર્યો. સાત સાત વરસ સુધી મારીચઋષિના આશ્રમમાં વિરહ સહન કરી, કઠિન, તપોમય, એ એકાકીજીવન જીવતી રહી. આંખના આંસુ સુકાઈ ગયાં. આ વિકરાળ દુ:ખનું કારણ શું ? કારણ એટલું જ કે તે પ્રેમમાં એટલી ગળાડૂબ હતી કે દુર્વાસાના અહ્મની, તેમના મિજાજની તેમના ગરૂરની નોંધ ના લઈ શકી !!
જેનામાં રતીભાર પણ અહમ હોય તેમની વૃત્તિ કે પ્રવૃત્તિમાં હું કેન્દ્રસ્થાને રહે છે. તેમને એમ લાગે છે કે આ જગતમાં તેમનું હોવું મહત્ત્વપૂર્ણ છે, અનિવાર્ય છે. તેમના વિના બધું અધૂરૃં છે, નીરસ છે, નકામું છે. તેમને માન મળવું જ જોઈએ, તેમનું સન્માન થવું જ જોઈએ. માન-સન્માન મળતાં જ તે ખુશ થાય છે, પોતાને મહાન સમજે છે. પણ જો તેમની ટીકા થાય તેમનો અનાદર થાય તો તે છંછેડાય છે. મિજાજ ઠેકાણે નથી રહેતો.
છહખ્તીિ ૈજ ર્દ્બદ્બીહંટ્વિઅ ૈહજટ્વહૈંઅ ક્રોધ ક્ષણિક પાગલપન છે. ્રી ખ્તિીટ્વંીજં િીદ્બીઙ્ઘઅ ર્કિ ટ્વહખ્તીિ ૈજ ઙ્ઘીઙ્મટ્વઅ. ક્રોધનો સર્વશ્રેષ્ઠ ઉપાય છે. જે કામ કરતા હોઈએ તેને મુલતવી રાખવું. ક્રોધ, શાંત થાય તેની રાહ જોવી ક્રોધ શાંત થતાં જ શુભ પરિણામ આવે છે.
અમેરિકાના પ્રખ્યાત લેખક ડેલકાર્નેગી જેમણે આર્ટ ઓફ સ્પિકિંગ, લિંકન ધ અનનોન, જિંદગી જીતવાની જડીબુટ્ટી-જેવાં પુસ્તકો લખ્યાં છે. તેમના વ્યાખ્યાનો પાછળ લોકો પાગલ હતા. એક દિવસ તેમને એક યુવતિનો પત્ર મળ્યો. પત્રમાં તેણે કાર્નેગીનો ઉધડો લીધો હતો. તેમને મૂર્ખ, અણઘડ, અને અણસમજુ કહી ઉતારી પાડયા હતા. કાર્નેગીનું લોહી ગરમ થઈ ગયું. તેમણે પણ ગુસ્સામાં તે યુવતિને અજ્ઞાાની, અધૂરી અને અભિમાની કહી ઉતારી પાડી. રાત પડી ગઈ હતી. પત્ર પોસ્ટ ના થઈ શક્યો. સવારે ઊઠીને કાર્નેગીએ ફરી પત્ર વાંચ્યો. તેમને લાગ્યું ગુસ્સામાં જરા વધારે પડતું લખાઈ ગયું હતું. આટલો આક્રોશ વ્યક્ત કરવાની જરૂર નહોતી. તેમણે ફરી બીજો પત્ર લખ્યો. અત્યારે કાર્નેગીનું મગજ શાંત હતું. તેમણે ત્રીજી-ચોથી વાર પત્ર લખ્યો. યુવતિની માફી માંગી. લખાણની ભૂલ બતાવવા બદલ આભાર વ્યક્ત કર્યો. ફરી લખાણ લખતી વખતે સાવચેત રહેવાની ખાત્રી આપી. અને બને તો ક્યારેક રૂબરૂ મળવાની ઈચ્છા વ્યક્ત કરી. પછી તો છ મહિના સુધી તેમની વચ્ચે મૈત્રીપૂર્ણ પત્રવ્યવહાર ચાલ્યો. એક સાંજે બન્ને મળ્યાં. હવે એકબીજાનો સ્વભાવ જાણી ગયાં હતાં. વારંવાર મળવું અનિવાર્યું થયું છેવટે એક દિવસ તેમણે લગ્ન કરી લીધા. આ સત્ય કથા પરથી લાગે છે કે અશુભ ભાવ જાગે ત્યારે ક્ષણભર માટે રોકાઈ જવું. પોતાનો મિજાજ વ્યક્ત કરવાની ઉતાવળ ના કરવી. નુકસાનથી બચી જવાશે.
રાળ ફરિયાદ હોય કે વાંધાવચકાં તે એકબીજાની શક્તિનું સંવર્ધન કરવા હોવાં જોઈએ, અપમાન કરવા નહિ. મૂડ બગડે ત્યારે થોડોક સમય એ સ્થાનથી દૂર જઈ મનને તળિયે ઊતરી ઉશ્કેરાટનું કારણ તપાસવું ક્યારેક કોઈના લીધે દબાયેલો ગુસ્સો, ખોટી જગ્યાએ ખોટા સ્વરૂપે બહાર આવે છે એટલે માઠું લગાડયા સિવાય સામસામે બેસી મોકળા મને વાત કરવી. ભૂલ સમજાય તો દિલગીરી વ્યક્ત કરવી. માફી માગવી પસ્તાવો જાહેર કરવો. મનથી નિખાલસ થતાં જ નિરાંત મળશે.
સાચી વાત એ છે કે આપણી મન સ્થિતિ સારી હોય કે ના હોય. બીજાને ઉલ્લાસમાં જોઈ સુખ મળવું જોઈએ. ચકલી તેના બચ્ચાંને એક એક દાણો ખવડાવતી હોય ત્યારે ઓડકાર આવવો જોઈએ. તુલસીના ક્યારામાં પાણી પાતાં જોઈ તરસ છીપવી જોઈએ. વરસતા વરસાદમાં એક જ છત્રીમાં પસાર થતા પ્રેમીઓને જોઈ આપણે ભીંજાઈ જવાં જોઈએ. માણસ એકવાર ખુલ્લા આકાશ નીચે પ્રકૃતિના ખોળામાં માથંમ મૂકે એટલે ગમે તેવો વિષાદ ઓગળી જાય છે.
- સુરેન્દ્ર શાહ








