Get The App

તમારા બાળકના આંખ, નાક, કાનની અંદર બાહ્ય પદાર્થ પેસી જાય ત્યારે...

Updated: Nov 18th, 2019

GS TEAM

Google News
Google News
તમારા બાળકના આંખ, નાક, કાનની અંદર બાહ્ય પદાર્થ પેસી જાય ત્યારે... 1 - image


ધૂળની રજકણ કે બીજો કોઈ કચરો પણ પડી શકે છે. આંખમાં કાંઈક ખટકતું લાગે, પરંતુ દેખાતું ન હોય તો તેને ઈન્ફેક્શન સમજી તરત તબીબને બતાડવું.

શરીરમાં બાહ્ય તત્ત્વો પેસી જવાથી સમસ્યા ઉત્પન્ન થાય છે. અણસમજું બાળકોની આંખ, કાન, નાકમાં કોઈ વસ્તુ પડે તો તે અસુવિધાજનક તો છે જ. પરંતુ ઘાતક પણ સાબિત થઈ શકે છે. 

આંખમાં કોઈ પદાર્થનું પડવું
પાંપણ નેત્રની સુરક્ષા માટે હોય છે, પરંતુ ઘણી વખત તેમાંનો વાળ જ આંખમાં પડે છે.

ઉપરાંત, ધૂળની રજકણ કે બીજો કોઈ કચરો પણ પડી શકે છે. આંખમાં કાંઈક ખટકતું લાગે, પરંતુ દેખાતું ન હોય તો તેને ઈન્ફેક્શન સમજી તરત તબીબને બતાડવું.

નેત્રમાં કશુંક પડે અને તે દેખાતું હોય, આંખમાં દુખાવો થતો હોય, લાલ થઈ ગઈ હોય, પાણી વહેવા લાગે કે બાળક આંખો ચોળ્યા કરે તે સમયે બાળકને આંખ પટપટાવવાનું કહેવું. થોડી વખત રાહ જોવી કારણ આંખમાં વહેતા પાણી સાથે આંખમાં પડેલો પદાર્થ બહાર આવશે. બાળકને આંખો ચોળતા અટકાવવો.

તે છતાં પણ કોઈ ફરક ન પડે તો બાળકની આંખને પ્રકાશ નીચે ખોલી તપાસવી. બાળકને ઉપરની તરફ જોવા કહેવું અને નીચેની પાંપણને નીચેની તરફ ખેંચવી. અંદર પડેલું કાંઈ દેખાય તો સાફ રૂમાલનાં ખૂણાથી બહાર કાઢવું. રૂની પાતળી વાટ કરી તેને પાણીમાં પલાળી અવંછિત પદાર્થ બહાર કાઢી શકાય છે.

આ જ રીતે ઉપરની પાંપણને ઉપર તરફ ખેંચી જોઈ લેવું. બંને પાંપણને ખેંચીને જોવાથી આંખમાં પડેલો કચરો દેખાય નહીં અને તે છતાં બાળકને આંખમાં ખટકતું લાગે કે દુખાવો થતો હોય તો તે સમયે રૂનું મોટું પૂમડું લઈ તેનું પેડ જેવું બનાવી આંખ પર મૂકવું અને સાફ કપડાંથી આંખ પર પાટો બાંધવો. બાળકને આંખ ચોળવાની મનાઈ કરવી અને ડૉક્ટર પાસે લઈ જવો.

બાળકની આંખમાં રસાયણ પડે તો તરત જ આંખને ઠંડા પાણીથી ધોઈ નાખવી. બન્ને પાંપણને આંગળીઓ પકડી પહોળી કરવી. એક જ આંખમાં રસાયણ પડયું હોય તો તેને સહેજ ત્રાંસી કરી નીચેની તરફ વાળવી, જેથી બીજી આંખ પર અસર ન થાય. આંખ પર પેડ બાંધી બાળકને હોસ્પિટલમાં લઈ જવું.

કાનમાં અવંછિત પદાર્થનું પડવું
બાળકને મોતી, બટન જેવી વસ્તુઓથી રમવા દેવું નહીં. અણસમજુ બાળક તેને કાનમાં નાખી દેશે. બાહ્ય પદાર્થ કાનમાં પેસવાથી ઝીણા સણકા ઉપડશે, થોડું ઓછું સંભળાશે. આ સમયે બાળક કાન હલાવશે અથવા તો ખેંચશે.

આવી પરિસ્થિતિ ઊભી થાય તે સમયે બાળકના ખભા પર ટુવાલ પાથરવો તથા ગરદન અને ચહેરાની એક બાજુ વાળવી. જે કાનમાં કાંઈ ગયું તે કાન ઉપરની તરફ રાખવો. એક જગમાં હુંફાળું પાણી લઈ કાનમાં નાંખવું. ગરદન તથા ચહેરાને વિપરીત દિશામાં વાળવો જેથી તે કાન નીચે તરફ આવી જશે અને કાનમાં ગયેલી વસ્તુ બહાર નીકળી આવશે, તે છતાં પણ બહાર ન નીકળે તો બાળકને હોસ્પિટલમાં લઈ જવું.

અવાંછિત પદાર્થ નાકમાં જાય
અણસમજુ બાળકને રમવા માટે અથવા જોવા માટે નાની વસ્તુ આપવી નહીં. કુતુહલપૂર્વક બાળક તેને સૂંઘવાની કોશિશ કરે ત્યારે અકસ્માતથી તે નાકમાં પેસી જવાની શક્યતા વધી જાય છે. બાહ્ય પદાર્થ નાકમાં જવાથી રક્તસ્ત્રાવ થઈ શકે છે. નાકમાં કોઈ વસ્તુ પેસે તે સમયે બાળકને વઢવું નહીં, કારણ કે બાળક ગભરાશે તેથી રડવા લાગશે અને વસ્તુ નાકમાં ઉપરને ઉપર ચઢતી જશે.

આ પરિસ્થિતિમાં નાકના એક ફોયણાંથી છીંકવાનું કહેવાથી ફસાયેલી વસ્તુ બહાર આવી જશે અને જો તે છતાં પણ વસ્તુ બહાર ન આવે તો બાળકને તબીબ પાસે લઈ જવો.

Tags :