વ્યક્તિને પિતા સાચો લાગે છે ત્યારે તેને પોતાને ખોટો કહેનારો એક પુત્ર હોય છે

- પિતાને એક દિવસની ઉજવણી કે ભેટ નહીં આપોને તો ચાલશે પણ તેણે શું ગુમાવ્યું છે તેની દરકાર કરીને તેનું માન જાળવશોને તો પણ તેનું જીવન ઉત્સવમય બની જશે. આપણા ઘરમાં લુંગી કે લેંઘામાં ફરનાર એ વ્યક્તિ જ આપણા જીવનનો સાચો સુપરહીરો છે.
હમણાં જ આપણે ફાધર્સ ડે ઉજવી લીધો. દુનિયાભરના સંતાનો દ્વારા પોતાના નકામા બાપા સાથે સેલ્ફિઓ પડાવવામાં આવી હશે. જરાય એડજસ્ટ નહીં કરતા અને પોતાના વાત નહીં માનતા બાપાની જોડે બેસીને તેને પરાણ કેક કપાવડાવી હશે. કાયમ વઢતા અને વાતે વાતે ગુસ્સે થતા કે કારણ વગરની સલાહ આપતા બાપાઓને બધા હોટેલ અને રેસ્ટોરાંમાં જમવા માટે લઈ ગયા હશે કે પછી ઘરે સરસ ડિનર કે લન્ચ ગોઠવ્યું હશે. આ બધું એટલું સરસ ગોઠવાયું હશે કે પિતા બિચારા આનંદિત થઈ જાય અને પછી ફરી ૩૬૪ દિવસ માટે એ જ વ્યક્તિ વિશે મનમાં કકળાટ લઈને ફરવાનું. મારા બાપા સમજતા નથી, મને ધાર્યું કરવા દેતા નથી, મારી તો તેમને કોઈ વેલ્યુ જ નથી, પોતાનું જ ચલાય ચલાય કરે છે. આવા તો ઘણા શબ્દ પ્રયોગો અને બદલાતી પેઢીના વેવલા પેઢી પ્રયોગો બોલાતા અને ચર્ચાતા હશે. તેમાંય હાલની જે નવી જેન ઝી, જેન આલ્ફા, બીટા, ગામા જેવી બોગસ જણસો બજારમાં ફરતી થઈ છે. મોંઘા દાટ ફોન લઈને, મોંઘાદાટ કપડા, વાહનો, ગાડીઓ લઈને રખડતી અને મોંઘાદાટ કેફેમાં હજારો રૂપિયાની માત્ર કોફી પી જનારી આ લબુક જનરેશ પાછી વાતો કરશે કે યાર મારા ડેડ સમજતા જ નથી. તેમનામાં બુદ્ધિ જ નથી. ખરેખર એના બાપમાં બુદ્ધિ નહોતી કે આટલા મોટા કર્યા, ક્યાંક ટોપલીમાં મુકીને નદીમાં પધરાવી દેવાના હતા અથવા ક્યાંક અનાથ આશ્રમમાં મુકી આવવાના હતા આવા કુબુદ્ધિના સંતાનોને. ફાધર્સ ડેના દિવસે આજે આ બધી વાત એટલે કરવી છે કે, મને એખ અદભૂત ઘટના ખબર છે.
મેં જ્યારે આપણા કપૂર પરિવારના ઉમદા સભ્ય અને ઉત્તમ કલાકાર એવા રિશિ કપૂરની બાયોગ્રાફી ખુલ્લમ ખુલ્લાનો ગુજરાતીમાં અનુવાદ કર્યો ત્યારે પિતા અને પુત્ર વચ્ચેના તફાવતને વધારે સરળતાથી સમજી શક્યો હતો. તેમણે પોતાના પિતાની મહાનતા અને નબળાઈઓ વિશે ભરપૂર લખ્યું છે. પોતે કિશોરવસ્થામાં સંકલ્પ કરે છે કે હું રાજ કપૂર જેવો સ્ટાર બનીશ પણ પિતા નહીં બનું. આ જ પુસ્તકની પ્રસ્તાવનામાં રણબીર કપૂર જણાવે છે કે હું રિશી કપૂર જેવો નહીં બનું. દરેકને પોતાના પિતા કરતાં કંઈક અલગ બનવું છે. પિતાની આક્રમકતા જોઈને કે ગુસ્સો જોઈને અથવા તો ઘણી વખત જોહુકમી જોઈને ઘણા વિચારતા હોય છે કે, હું મારા સંતાનો સાથે આવું નહીં કરું. તેઓ એમ નથી વિચારતા કે તેમના પિતા પણ જે-તે સમયે એવું વિચારતા જ હશે અથવા વિચારતા હતા કે હું પણ મારા પિતા જેવો નહીં જ બનું પણ તેમણે પરિસ્થિતિને આધિન રહીને આપોઆપ બદલાઈ જવું પડયું હતું અને આ પરિવર્તન તેમણે ઈચ્છયું નહોતું છતાં આવ્યું હતું. ચાર્લ્સ વેડ્સવર્થે એક સુંદર વાત કહી છે કે, વ્યક્તિને જ્યારે એમ લાગવા માંડે કે તેના પિતા સાચા હતા ત્યારે તો તેનો પુત્ર તેને ખોટો ઠેરવવા લાગ્યો હોય છે.
આપણા વેદો, પુરાણો અને ધર્મગ્રંથોમાં પિતા વિશે ઘણું બધું કહેવાયું છે. હકિકતે તો માતા અને પિતા બંનેની સાથે કેવું વર્તન કરવાથી માંડીને કેવી રીતે વાતચીત કરવી, તેમનો આદર કેવી રીતે જાળવવો અને તેનાથી શું ફળ મળે છે તેવી તમામ બાબતોની ચર્ચા થઈ છે. આજે આ વાત એટલા માટે કાઢવી પડી કે, આપણે ફાધર્સ ડે આ રવિવારે ઉજવવાના છીએ. મધર્સ ડે, ફાધર્સ ડે, વેલેન્ટાઈન્સ ડે આ બધા જ દિવસોની ઉજવણી વિદેશી પ્રવાસીઓ જેવી છે. તેઓ ભારતમાં આવ્યા અને આપણને કંઈક નવું શીખવીને ચાલ્યા ગયા. ચાલ્યા ગયા એટલા માટે કહેવાનું કે ભારતમાં તેની ઉજવણી દંભ સાથે થાય છે. આ વાત જરા ખટકે એવી છે પણ સો ટકા સાચી છે. આપણે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયામાં ફોટા અપલોડ કરવા આવા દિવસોની ઉજવણી કરીએ છીએ. આ દિવસે ગિફ્ટ લાવવાની, કેક લાવવાની, હોટેલમાં જવાનું કે અન્ય કોઈ અખતરા કરવાના, પચ્ચીસ-પચાસ ફોટા પાડીને સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરવાના, ટેગ કરવાના, હેશટેગ કરવાના, ટ્રેન્ડ બનાવવાનો અને રાત પડતાં પડતાં તો મીણબત્તીની જેમ ઓલવાઈ જવાનું.
આપણા અસ્તિત્વનો જનક, આપણો પિતા અને તેના માટેનો ઉછીનો લીધેલો દિવસ પણ આપણે નિાથી ન ઉજવી શકીએ તો તેનાથી વધારે મોટી કરુણતા શું હોઈ શકે. મારું તો એમ માનવું છે કે, આવા દિવસો તેની રીતે આવે અને જાય પણ આપણો પિતા માટેનો પ્રેમ, સ્નેહ, આદર બધું બાકીના ૩૬૪ દિવસ ક્યાં જાય છે. બાપાનો ત્રાસ હોય છે તેવું લગભગ દરેક ગુજરાતીના મોઢે હોય છે. બાકીના લોકોને હોય છે પણ જલદી બહાર નથી આવતું. ગુજરાતીઓ થોડા વધારે નિખાલસ હોય છે એટલે બોલી જાય છે. પદ્મપુરાણ કહે છે કે પિતા સ્વર્ગ છે, પિતા શ્રે તપ છે અને તેની પ્રસન્નતા સાથે દેવો પણ પ્રસન્ન રહે છે. આ વાતને આપણે વાંચી, વિચારી કે સ્વીકારી નહીં શકીએ.
ઘરમાં સામાન્ય ઓબ્ઝર્વ કરજો કે તમારી પાસે જેટલાં કપડાં, એસેસરીઝ, સવલતો હશે તેનાથી અડધી પણ તમારા પિતા પાસે નહીં હોય. તે ફાટેલા અને જૂના કપડાં, જૂતા પહેરવાનું પસંદ કરશે પણ દુકાનમાં જાય ત્યારે તમને ટોણે મારશે કે વસ્તુ સારી લેજે હો. ઘરના દરેક રૂમમાં એસી લગાવનારો પિતા ક્યારે આ એસીની ઠંડકમાં બેસતો નહીં હોય. આખા ઘરનું ભરણપોષણ કરનારો પિતા પોતે બે કે ત્રણ રોટલી ખાતો હશે અને ઘણી વખત તો રાત્રે નોકરીથી આવીને ખાલી પેટે જ સુઈ જતો હશે. તેમ છતાં ક્યારેય તે પોતાની આ ફરજ વિશે ગાણા ગાતો નજરે નહીં પડે. આ તેની કડકાઈ નહીં પ્રેમ છે જે જુતા સાથે પ્રગટ થઈ શકે તેમ જ નથી. આ પરિસ્થિતિએ ક્યારેય ઘરમાં પિતાને લાગણીશીલ થવા દીધા જ નથી. પિતાને માત્ર પૈસાનું સાધન બનાવીને મૂકી દીધા છે. સંતાનોની સફળતામાં માતાના યોગદાનને લોકો ગાઈ વગાડીને રજૂ કરે છે પણ પિતાના મૂક બલિદાનની નોંધ સુદ્ધા લેવાતી નથી. કૃષ્ણનો જન્મ થયો અને તેને દેવકીથી અલગ થવાની પીડાની વાતો છે પણ તેનો જ પિતા વાસુદેવ કઈ પીડા સાથે ટોપલામાં નાખીને તેને મૂકી આવ્યો હશે તેની ચર્ચા કોઈએ કરી જ નથી. કૃષ્ણ મથુરા પાછા જતા રહ્યા તો યશોદા અડધી અડધી થઈ ગઈ તેવું કહેવાયું પણ નંદની હાલતનું ક્યાંય વર્ણન જ નથી.
આમ જોવા જઈએ તો ભુલ આપણી જ છે. વાતવાતમાં પિતાને કઠોર, જડ અને જિદ્દી ચિતરવામાં આવે છે. સવાલ એ થાય કે ખરેખર પિતા એવા જ હોય છે? જો ખરેખર તે વ્યક્તિ એવી હોય તો એક દિવસ માટે પણ શું કામ તેના અસ્તિત્વની ઉજવણી કરવી? વાસ્તવિકતા એવી છે કે, પિતા અથવા તો પુરુષને કુદરતે શક્તિ આપી છે કે કોઈપણ ી સાથે રહીને તે પોતાના સંતાનોનું સર્જન કરી શકે છે પણ સંતાનો પાસે એવી કોઈ તાકાત નથી કે તે પોતાના સાચા પિતાનું સર્જન કરી શકે. આ પાત્ર હંમેશા ચોક્કસ હાંસિયામાં રહ્યું છે. તેને પરિવાર, સમાજ અને સંસ્કૃતિના સંચાલનની જવાબદારી સોંપવામાં આવી છે. પિતા બન્યા બાદ તે નથી હસી શકતો કે નથી રડી શકતો. તેને અસિમિત વ્હાલ કરવામાં પણ સંકોચ કરવો પડે છે અને અસિમિત પીડા વ્યક્ત કરવામાં પણ સંકોચ રાખવો પડે છે. નાનકડી દીકરી સાથે રમતો અને આનંદ કરતો પિતા લોકોને ગમે છે અને તેવી જ રીતે દીકરીને સાસરે વળાવતો અને રડતો પિતા પણ સમાજમાં ચોક્કસ સ્થાન ધરાવે છે પણ આ બે તબક્કાઓ વચ્ચે તેણે કેવા સંઘર્ષ કર્યા છે તે કોઈ જોતું નથી અને જોતું હોય તો જણાવતું નથી કે જાણવા માગતું પણ નથી. તેણે ચોક્કસ મહોરું પહેરીને આખી જિંદગી પોતાનું પાત્ર ભજવવું પડે છે.
સમયાંતરે તેની સમાજ, પરિવારમાં એન્ટ્રી અને એક્ઝિટ થયા કરે છે. સંતાનના જન્મ સાથે તેનામાં રહેતા પિતૃત્વનો જન્મ થાય છે. જીવનના અંતિમ શ્વાસ સુધી તે પોતાનું પાત્ર ભજવતો રહે છે પણ આ પાત્રને ક્યારેય જશ મળતો નથી.
આપણા શરીર પર શોભતા ઈીટાઈટ બ્રાન્ડેડ કપડાં, હાથમાં ઝગારા મારતા લેટેસ્ટ સ્માર્ટફોન પાછળ મહેનત અને પીડાની કરચલીઓ છુપાવનારા અને ડફોળ બનીને વૈતરું કરનારા પિતાના પરસેવાની કમાણી હોય છે. વ્યક્તિ જ્યાં સુધી બાપ નથી બનતી ત્યાં સુધી તેન આ વાત સમજાતી નથી. પિતાને એક દિવસની ઉજવણી કે ભેટ નહીં આપોને તો ચાલશે પણ તેણે શું ગુવાવ્યું છે તેની દરકાર કરીને તેનું માન જાળવશોને તો પણ તેનું જીવન ઉત્સવમય બની જશે. આપણા ઘરમાં લુંગી કે લેંઘામાં ફરનાર એ વ્યક્તિ જ આપણા જીવનનો સાચો સુપરહીરો છે. આજના પિતાઓ અને સંતાનો વિશે ચાર્લ્સ વેડ્સવર્થે એક અદભુત વાત કરી છે.
By the time a man realizes that maybe his father was right, he usually has a son who thinks he's wrong.








