શું ચાલી રહ્યું છે ઓટીટીની દુનિયામાં? .

- OTT ઓનલાઈન ઝિંદાબાદ - સંજય વિ. શાહ
- સાઉથની ઇન્ડસ્ટ્રીઝ ઠરાવી રહી છે કેટલાં અઠવાડિયે ફિલ્મ ઓટીટી પર આવે એના વિશે, મોટી કંપનીઓ ઠરાવી રહી છે માઇક્રોડ્રામામાં તહેલકો મચાવવા વિશે અને સરકાર ઠરાવી રહી છે ટીવી રેટિંગ્સની વિશ્વસનીયતા વિશે...
હૅઆજે વાત કરીએ ઓટીટીની વિવિધ ગતિવિધિઓની, કટકેકટકે... સિનેમાઘરમાં રિલીઝ થતી ફિલ્મ ઓટીટી પર ક્યારે આવવી જોઈએ? લાંબા સમયથી ચાલતી આ ચર્ચા, ખરેખર તો, આ વિવાદના કેન્દ્રમાં છે.
આ અઠવાડિયે એક ટ્વિસ્ટ આવ્યો. થયું એમ કે દક્ષિણ ભારતની ચારેય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં વિવિધ અસોસિયેશન્સ આ મુદ્દે વિચારવિમર્શ કરવા રવિવારે ભેગા થયા. હૈદરાબાદમાં મળેલી બેઠકમાં મુખ્ય પ્રશ્ન હતો કે ફિલ્મને સિનેમાઘરથી ઓટીટીભેગી કેટલાં અઠવાડિયાં પછી કરવાનો એક શિરસ્તો હોવો જોઈએ.
એમાં પ્રસ્તાવ હતો આઠ અઠવાડિયાં કમ સે કમ રાખવાનો. તામિલ ફિલ્મો માટે હાલમાં એવી ગોઠવણ છે કે મોટા પડદે આવનારી કોઈ ફિલ્મ ઓટીટી પર આઠ અઠવાડિયાં પહેલાં જઈ શકે નહીં. આ નિયમ સાઉથની બધી ભાષાની ફિલ્મોને લાગુ કરવાનો ત્યાંના નિર્માતાઓનો વિચાર છે. નિર્માતા ઉપરાંત આ નિર્ણયમાં વિતરકો એટલે એક્ઝિબિટર્સ પણ અગત્યનું અંગ છે. બેઉનો આશય એટલો હોય છે કે કરોડો ખર્ચીને બનેલી ફિલ્મ બોક્સ ઓફિસ પર પૂરતો સમય ચાલે અને શક્ય તેટલું કલેક્શન કરે. આઠ અઠવાડિયાંનો સમય એકદમ વાજબી છે. હા, 'ધુરંધર' જેવી અપવાદરૂપ ફિલ્મ કોઈપણ ભાષામાં આવે, એને આ નિયમથી બાકાત રાખવા માટે પણ જોગવાઈ હોવી જોઈએ.
ગુજરાતી ફિલ્મોએ શું કરવું જોઈએ? ખેર, એની કોઈ ચર્ચા હજી થતી નથી, કારણ આપણી ઇન્ડસ્ટ્રી હજી સંગઠિત નથી. આપણી ફિલ્મો હજી પોતાની પ્રજામાં સ્થાન સુદ્રઢ કરવા મથી રહી છે. સંખ્યામાં ભલે ગુજરાતી ફિલ્મો વધી પણ મનોરંજનક્ષમતામાં સિદ્ધિઓ હાંસલ કરવા ગુજરાતી ફિલ્મોએ ઘણી લાંબી મજલ કાપવાની બાકી છે. શું છે કે પહેલાં આપણી ફિલ્મો પર આળ હતું કે એ તો ગામ, ગરબો અને ગોકીરોના ચક્રવ્યૂહમાં અટવાઈ ગઈ છે. હવે કહી શકાય કે એ તો કહેવાતી અર્બન ફિલ્મોની સ્ટાઇલના વમળમાં ઘુમરાઈ રહી છે. 'વશ', 'હેલ્લારો' જેવા અપવાદો હજી ઓછા છે. એ જ્યારે વધશે અને જ્યારે વિષયવૈવિધ્ય સાથે, વિષયને ખરા અર્થમાં ન્યાય આપતી ફિલ્મો બનશે ત્યારે ફરક પડશે.
ગુજરાતી ફિલ્મો માટે હજી ઓટીટી પર વેચાઈ જવું સહેલું નથી. સસ્તા ભાવે શરણાગતિ કરવા તૈયાર હોવા છતાંય, નથી. સિનેમાઘરમાં આવતી આપણી ફિલ્મોમાંથી ઓટીટી પર કેટલી ફિલ્મો આવી? એનો વિચાર કરીને સંખ્યા જાણીએ તો નવાઈ લાગે એવું છે. ઓટીટી પ્લેટફોર્મ્સ હજી ગુજરાતી ફિલ્મો ખરીદવા માટે બહુ ઉત્સુક હોય એમ લાગતું નથી. આપણી મહત્તમ ફિલ્મો શેમારૂ લે છે. નેટફ્લિક્સ અને પ્રાઇમ વીડિયો ક્યારેક છબછબિયાં કરી જાય છે. ઓહો ગુજરાતીએ મેદાન છોડી દીધું છે. જોજો હજી જામવાનું બાકી છે. છતાં, જેમજેમ ગુજરાતી ફિલ્મો વધુ સારી બનતી જશે એમ ફરક તો પડશે જ.
ઓટીટીનું સામ્રાજ્ય હચમચાવવા માઇક્રોડ્રામા ઉભરી રહ્યા છે એ પણ મોટી વાત છે. હવે તો યશરાજ સહિતની સૌથી પ્રતિતિ ગણાતી કંપનીઓ પણ આ મોરચે મોટા પાયે ઊતરવાની છે. જે દેશમાં દરેકના હાથમાં મોબાઇલ હોય અને લોકો ટેલિવિઝનની સ્ક્રીન કરતાં નાની સ્ક્રીન પર વધુ મનોરંજન માણતા હોય ત્યાં યે તો હોના હી થા. વળી, માઇક્રોડ્રામાના એપિસોડ્સ બે-ચાર મિનિટના માંડ હોય. એટલે, જ્યારે અને જેટલી ફુરસદ મળે એ પ્રમાણે માઇક્રોડ્રામા માણી શકાય છે. જોકે આ ક્ષેત્રમાં અત્યારે સૌથી મોટી સમસ્યા કઈ કથાઓ કહેવી એની છે. શરૂઆતમાં જેમણે વાવટા ફરકાવ્યા છે એમાંની મોટાભાગની કંપનીઓએ કે એપ્સે વિદેશી (ચાઇનીઝ) કથાઓની બેઠ્ઠી અને આડેધડ નકલ કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. બાકીનાઓએ એવી કથાઓથી સ્થાન બનાવ્યું જે પ્રમાણમાં અશ્લીલ વધુ અને સામાજિક ઓછી હોય છે. વાસ્તવમાં તો માઇક્રોડ્રામા ત્યારે જ જુવાળ બનશે જ્યારે એમાં અસલ ભારતીયતા, શ્રેષ્ઠ ગુણવત્તા અને લોકોની અપેક્ષાઓનું સાચું પ્રતિબિંબ ઝળકશે.
'જન નાયકન' થોડા દિવસ પહેલાં ઓનલાઇન લીક થઈ હતી. અભિનેતા-ટર્ન્ડ-નેતા એવા વિજયની આ ફિલ્મ સેન્સરની કાતર નીચે અત્યાર સુધી કચડાયેલી છે. લગભગ એ ત્યાં સુધી સિનેમાઘર નહીં જોઈ શકે જ્યાં સુધી તામિલનાડુ વિધાનસભાની ચૂંટણી પૂરી નહીં થાય. બરાબર એવા સમયે ફિલ્મનું ઓનલાઇન લીક થવું અનેક પ્રશ્નો સર્જે છે.
સૌથી મોટો પ્રશ્ન એ હોઈ શકે કે આ ફિલ્મ એની સાથે સંકળાયેલા કોઈકે જ લીક કરી હશે? આથક નહીં તો અન્ય કારણોસર કરી હશે? બેશક, ફિલ્મ સાથે સંકળાયેલા લોકો અને કાયદો એની તપાસ કરશે પણ તોસ્તાન બજેટવાળી ફિલ્મ આ રીતે મફતિયા માલ તરીકે ઓનલાઇન આવી જાય એ ચિંતાનો વિષય છે. હાલમાં કેન્દ્ર સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયે ટેલિવિઝન રેટિંગ પોલિસીની જાહેરાત કરી છે. એની સૌથી મોટી વાત એ છે કે હવેથી જેને મન ફાવે એ પોતાની રીતે ટીવી શોઝ માટે રેટિંગ જાહેર કરી શકશે નહીં. અર્થાત્, ખાનગી કંપનીઓના હાથમાંથી મનમાની કરવાની તાકાત કદાચ ઘટી જશે. અથવા, રેટિંગ જાહેર કરવાની લાયકાત મેળવવા એમણે સરકારી માર્ગદશકા મુજબ ચાલવું પડશે. દાખલા તરીકે, ઓછાંમાં ઓછાં ૮૦,૦૦૦ ઘરમાં રેટિંગ માટે મીટર હશે તો એજન્સી રેટિંગ જાહેર કરી શકશે. અને પછી એ સંખ્યા ૧,૨૦,૦૦૦ કરીને એમાં દર વરસે ૧૦,૦૦૦ મીટર ઉમેરવાં પડશે. જે કંપની આ વેપારમાં રહેવા ચાહતી હશે એના પચાસ ટકા ડિરેક્ટર્સ સ્વતંત્ર હોવા જોઈએ. જે ડેટા આ કંપનીઓ જારી કરે એ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, ૨૦૨૩ સાથે મેળ ખાનારા હોવા જોઈએ.
આ સિવાય પણ નવી પોલિસી ઘણું દણાવે છે. સારી વાત એ કે સરકાર જો ગંભીરતાપૂર્વક રેટિંગ્સમાં ચાલતા કડદાને રોકી શકશે તો દર્શકોને પાકી જાણ થશે કે ખરેખર કયા ટીવી શોઝ સારા છે.








