કેવા કાંડા પર કેવી ઘડિયાળ શોભે ?
બદલાતા ટ્રેન્ડની સાથે ઘડિયાળ પણ હવે એક આવશ્યક ફેશનેબલ એસેસરીઝ બની ગઈ છે. બજારમાં ઘડિયાળોની અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે. કાંડા પર બાંધેલી ઘડિયાળ તમારી સ્માર્ટનેસ અને કુશળતા દર્શાવે છે તેથી એવી ઘડિયાળ પસંદ કરો જે તમને એક પર્ફેક્ટ લુક આપે. તમારા માટે કઈ ઘડિયાળ યોગ્ય રહેશે એ વિશે અહીં થોડી માહિતી આપી છે.
કેવી રીતે પસંદગી કરશો?
પાતળા કાંડા માટે :- જો તમારા હાથનું કાંડુ પાતળું હોય તો પરફેક્ટ વૉચ સિલેક્ટ કરવી થોડી મુશ્કેલ થઈ જાય છે. આવા કાંડા પર ચોરસ અથવા લંબચોરસ આકારના ડાયલવાળી ઘડિયાળ શોભે છે અને પાતળા કાંડા પર લેધર બેલ્ટવાળી વૉચ ફિટ બેસી જતી હોવાથી આવી ઘડિયાળ પસંદ કરવી જોઈએ.
પહોળા અને જાડા કાંડા માટે :- તમારો હાથ જાડો હોય અને કાંડું પહોળું હોય તો બધા આકારના ડાયલવાળી ઘડિયાળ શોભે છે. આવા હાથમાં ચોરસ, લંબચોરસ, ગોળ, ત્રિકોણ, લંબગોળ એમ બધા શેપની વૉચ સારી લાગે છે તેથી પસંદ કરતી વખતે વધુ વિચારવું નથી પડતું. આમાં પણ તમને ટ્રેન્ડી લુક જોઈએ તો સ્ટીલ સ્ટ્રીપવાળી ઘડિયાળ પસંદ કરી શકાય.
પરફેક્ટ કાંડા માટે :- તમારા હાથનું કાંડુ બહુ જાડું ન હોય અને પાતળું પણ ન હોય તો એ પરફેક્ટ છે એમ કહી શકાય. આવા કાંડા પર ગોળ અને ચોરસ આકારની મોટા ડાયલવાળી ઘડિયાળ સારી લાગે છે. લેધર, સ્ટીલ, ગોલ્ડ પ્લેટેડ પટ્ટાવાળી ઘડિયાળ આવા કાંડા માટે પરફેક્ટ ગણાય છે.
બાળકો માટે :- બાળકોના હાથ નાના હોવાથી તેમની કલાઈ પણ નાની હોય છે. તેથી તેમના માટે ઘડિયાળ ખરીદતી વખતે નાના ડાયલવાળી અને પાતળી સ્ટ્રીપવાળી ઘડિયાળ જ પસંદ કરવી જે તેમના નાજુક હાથ પર સુંદર દેખાશે.
લાંબી કલાઈ માટે :- ઘણી મહિલાઓ અને પુરુષોના હાથની લંબાઈ વધારે હોય છે જેથી તેમનું કાંડુ પણ લાંબુ દેખાય છે. તેથી આવા હાથ માટે સ્પોર્ટી અને જ્વેલ્ડ વૉચ જેવી મોટી સાઈઝની ઘડિયાળ શોભે છે. ભારે અને પહોળા પટ્ટાવાળી ઘડિયાળ લાંબા કાંડાને સુંદર લુક પ્રદાન કરે છે.
ઘડિયાળ ખરીદતી વખતે આટલું ધ્યાનમાં રાખો :- સૌપ્રથમ એ જુઓ કે વૉચ સ્ટેનલેસ સ્ટીલની બનેલી છે કે નહિ-
ઘડિયાળ વૉટર રેઝિસ્ટન્ટ છે કે નહિ.
વૉચના ડાયલ પરનો ગ્લાસ ક્રિસ્ટલ છે કે નહિ.
એ ઘડિયાળ તમારા કાંડા પર શોભવી જોઈએ.
તમારા વોર્ડરોબને ધ્યાનમાં રાખીને ઘડિયાળની પસંદગી કરો જેથી એ તમારા મોટા ભાગના આઉટફિટ્સ સાથે મેચ થાય.
રોજિંદા ઉપયોગ માટે ગોલ્ડ, સિલ્વર કે ડાયમંડ વૉચ ન ખરીદો.
વધુ પડતી મોટી કે ખૂબ જ નાની ઘડિયાળ ન લેવી.
ઓફિસ જતી વખતે પહેરવા માટે બ્લેક, બ્રાઉન, બ્લુ અથવા ક્રીમ કલરના બેલ્ટવાળી વૉચ સિલેક્ટ કરવી.
ઇવનિંગ પાર્ટી માટે બ્લેક, ગ્રે અથવા બ્લુ રંગના ડ્રેસ સાથે મેચ થાય એવી સિલ્વર વૉચ પસંદ કરવી.
એ જ રીતે બ્રાઉન, ગોલ્ડન બ્રાઉન, ક્રીમ, ઑફ વ્હાઈટ વગેરે રંગના આઉટફિટ્સ સાથે ગોલ્ડન વૉચ સારી લાગશે.
જો તમે ડાયમંડ વૉચ લેવા માગતા હો તો ગોલ્ડ બેઝ્ડ ડાયમંડ વૉચ લેવી જે સિલ્વર બેઝ્ડ કરતા વધારે આકર્ષક દેખાય છે.
જો તમે ઇચ્છતા હો કે તમારી ઘડિયાળ તમારા બધા જ ડ્રેસ સાથે મેચ થાય તો બ્લેક સ્ટ્રીપવાળી ઘડિયાળ ખરીદવી.
લેધર કરતા મેટલ સ્ટ્રીપવાળી ઘડિયાળ વધુ સમય ટકે છે.
તમારી ત્વચાનો રંગ ગોરો હોય તો હળવા અથવા પેસ્ટલ કલરના સ્ટ્રીપવાળી વૉચ ખરીદવી.
તમારો વાન શ્યામ હોય તો બ્રાઈટ કલરના સ્ટ્રીપવાળી ઘડિયાળ વધુ સારી દેખાશે.
લગ્ન પ્રસંગે પહેરવા માટે જ્વેલ્ડ વૉચ એક ઉત્તમ પસંદગી સાબિત થશે.
ટ્રેન્ડી આયડિયા:- આજકાલ મહિલાઓ મોટા ડાયલવાળી અને બોલ્ડ સ્ટ્રીપવાળી ઘડિયાળ વધુ પસંદ કરે છે. તો પુરુષોમાં ક્રોકોડાઈલ પ્રિન્ટસવાળી લેધરબેલ્ટની ઘડિયાળનું આકર્ષણ વધી રહ્યું છે. બીજી તરફ કોલેજિયનો ડિજિટલ અને એનાલોગ વૉચના કોમ્બિનેશનવાળી ઘડિયાળ વધુ પસંદ કરે છે.
જેન્ટ્સ વૉચની પસંદગી:- જો તમે તમારા પાર્ટનર માટે ઘડિયાળ ખરીદવા માગતા હો તો ફેશનની સાથોસાથ બીજી પણ કેટલીક વાતો ધ્યાનમાં રાખો.
ક્રોનોગ્રાફ અને રેટ્રોગ્રેડ વૉચ પુરુષોને એક કમ્પ્લીટ લૂક આપે છે તેથી આવી ઘડિયાળ પર પસંદગીની મહોર મારી શકાય.
આજકાલ પ્લાસ્ટિક સ્ટ્રીપવાળી અને ઓછા વજનની વૉચ વધુ પસંદ કરવામાં આવે છે તેથી આવી ઘડિયાળ પણ ટ્રાય કરી શકાય.
જો તમે એમને ઓફિસમાં પહેરવા માટે વૉચ ગિફટ તરીકે આપવા માગતા હોય તો એવી ઘડિયાળ ખરીદો જેમાં સમયની સાથે વાર અને તારીખ પણ બદલાય.
ખાસ પ્રસંગે પહેરવા માટે ડાયમંડ સ્ટડેડ સ્ટીલ સ્ટ્રીપવાળી ઘડિયાળ પસંદ કરવી.
કેટલીક ખાસ વાતો યાદ રાખો
ક્યારેય એવી ઘડિયાળ ન પહેરો જે હાથમાંથી કાઢ્યા બાદ હાથ પર નિશાન પડી જાય. ક્યારેય હેંગિંગ વૉચ ન લેવી કારણ કે એ ગમે ત્યારે તૂટીને પડી જવાની શક્યતા રહેલી છે. નકલી બ્રાન્ડની ઘડિયાળ ખરીદવાથી બચવું. અમુક ઘડિયાળોમાં બેરોમીટર (હવામાનની માહિતી આપતું યંત્ર), એલ્ટીમીટર (ઊચાઈ માપવાનું યંત્ર), સ્ટેપ કાઉન્ટર પેડોમીટર (તમે જેટલા ડગલાં ચાલો એની જાણકારી આપનારું યંત્ર) વગેરે ફીચર્સ હોય છે જેની ખાસ જરૂર નથી હોતી તેથી આવી ઘડિયાળ ખરીદવી નહિ.
-ઈશિતા