કેવી યુવતી જાડી કે પાતળી ગણાય? .

જાડા માણસો માટે ખુશખબર છે. ડૉ. ગેરાર્ડ ઇલૌઝ નામના એક ફ્રેંચ સર્જને લિપો-સક્શન સર્જરી શોધી હતી જેનાથી શરીરની જમા થઇ ગયેલી વધારાની ચરબી ચૂસી લેવાય છે. આ ખુશખબર પણ લેટેસ્ટ નથી, ૧૯૭૭માં આ શોધ થઈ હતી એવું શોધક ડૉ. ઇલૌઝે ૧૯૮૬માં મુંબઇમાં આવીને કહ્યું હતું. આ લિપો-સર્જરીમાં છરીથી ચામડી કાપવાની વાત નથી. ફક્ત ચરબીયુક્ત દેહપ્રદેશમાં એક ગોળાકાર કન્યુલા નામનું સક્શન-પંપ પ્રકારનું યંત્ર ઘુસાડવામાં આવે છે અને ચરબી કાઢી લેવામાં આવે છે. થોડા સમય માટે એ પ્રદેશને જડ કરી દેવામાં આવે છે. આ વિધિ પણ છ મહિને એક વાર કરવામાં આવે છે અને એક ઑપરેશનમાં છ પાઉન્ડ અથવા ત્રણ કિલો જેવી ચરબી કાઢી લેવાય છે. આ ફ્રેંચ ડૉક્ટરસાહેબ પોતાને સર્જન નહીં પણ શરીરશિલ્પી કહે છે, એ શરીરોને આકાર આપે છે, સુરેખ અને સપ્રમાણ અને સપ્રતિમ બનાવે છે. એમના ઘરાકોમાં માત્ર પાંચ ટકા જ પુરુષો છે. હિંદુસ્તાની નારીઓની ચરબી વિષે ડૉ. ઇલૌઝે ગંભીર વદને કહ્યું કે અહીં પેટ પર ચરબીના થરો વિષે મહિલાઓ બહુ ચિંતિત નથી, કારણ કે સાડી એક એવું વસ્ત્ર છે કે એની અંદર બેડોળ પેટ સંતાડી શકાય છે.
જાડાઇ ખરાબ છે એ પણ પશ્ચિમી વિચાર છે. મહાન ઇટાલીઅન ચિત્રકારોએ ચીતરેલી સ્ત્રીઓ, મીચેલેન્જેલો, લિયોનાર્દો દ વિન્ચી, રફાયેલ, ટિશ્યાં... આ બધાએ ચીતરેલી નગ્ન સ્ત્રીઓ માંસલ, ભરાવદાર મસ્ત છે. સ્ત્રી પાતળી હોય તો ખૂબસૂરત ગણાય એ ૧૯મી સદીનો ફ્રેંચ વિચાર છે, પાતળી, સોફિસ્ટિકેટેડ, લિસ્સમ, શીંક... આ બધા ફૅશનના શબ્દો પાછળથી આવ્યા છે. મોડેલિંગના વિશ્વના આ શબ્દો છે, ડ્રેસ ડિઝાઇનરોએ પાતળી સ્ત્રીની એક મેનેકીન પ્રતિમા ઊપસાવી છે. મહાન નવલકથાકાર આલ્બર્તો મોરાવીઆની ઉદ્દીપક નવલકથા ''વુમન ઑફ રોમ''માં નાયિકા એદ્રિઆનાની માતા એને આરંભમાં જ કહે છે કે તારું શરીર ૧૯મી સદીની પ્રિયાઓ જેવું છે, જેમણે રાજવંશો હલાવી નાખ્યા હતા, ચિત્રકારોને પાગલ કરી નાખ્યા હતા. હવે શો જમાનો આવ્યો છે? ગરોળીઓ જેવી પાતળી છોકરીઓ ખૂબસૂરત ગણાય છે!
મહાકવિ કાલિદાસ, સંસ્કૃતવાળા, કવિ કુલગુરુ, આપણે અંગ્રેજી વ્યાકરણમાં સ્કૂલના અંગ્રેજી ધોરણ પાંચમામાં ગોખીને ભણ્યા હતા એ ''કાલિદાસ ઇઝ ધ શેક્સપિયર ઑફ ઇન્ડિયા'' વાળાએ ''તન્વીશ્યામા'' પ્રયોગ ખૂબસૂરત સ્ત્રી માટે કર્યો છે. ''તન્વી'' એટલે પાતળી, ''શ્યામા'' એટલે કાળી નહીં! શ્યામા એટલે એ સ્ત્રી જે શિયાળામાં ગરમી આપે અને ઉનાળામાં ઠંડી આપે. ઍર-કન્ડિશનિંગ અને સેન્ટ્રલ હીટિંગ બંને એકમાં હોય એવું માદા મશીન. આ ભાષ્ય મલ્લિનાથે કર્યું છે. આપણા જૂના કવિ-વિવેચકોમાં વૈજ્ઞાાનિક દ્રષ્ટિ હતી.
જાડાઈ ખરાબ છે, રોગનું ઘર છે એવું આપણા ડૉક્ટરસાહેબો દર ત્રણ માસે લાયન્સ કે રોટરી મિટિંગોમાં કહ્યા કરે છે. ચરબી શરીરમાં હોવી જોઇએ (માથામાં પણ) અને વિજ્ઞાાન બાળકો માટે તો ''બેબી ફેટ'' શબ્દ વાપરે છે. ચરબી ઠંડીથી શરીરનું રક્ષણ કરે છે. રશિયનો અને નિગ્રો બંને આપણી ભાષામાં જાડિયા કહી શકાય એવા હોય છે અને એમની કાર્યશક્તિ કે દેહઊર્જા ૪૦૦ ટકા હોય છે. એમની જવાન સ્ત્રી પાતળીદૂબળી ગરોળી જેવી નથી હોતી પણ ખાનારી પીનારી, સખત કામ કરનારી, તગડી, આત્મવિશ્વાસથી છલોછલ ખુલ્લું ખુલ્લું હસનારી, ઝપાટાબંધ ચાલનારી હોય છે. આપણે જાડા અને તગડા શબ્દોના ફરક વિષે હજી અસ્પષ્ટ છીએ. પણ સૌંદર્યની આપણી વિભાવના માત્ર સ્ત્રી કે પુરૂષના ગર્દન ઉપરના ચહેરા પૂરતી જ સીમિત છે. ખભા, બાઇસેપ્સ, ટ્રાઇસેપ્સ, લેટ્સ, કમર, શરીરની છરહરી ઇલેક્ટ્રિક ચુસ્તી આ બધું ભારતીય સૌંદર્યનો ભાગ નથી. આપણે ત્યાં કોઇ જાડો થયો હોય તો લગભગ બધી જ ભાષાઓમાં કહેવાનો રિવાજ છે. હમણાં તો શરીર સારું થયું છે! અને પાતળાને કહેવાય છે : કંઇ સુકાઇ ગયા છો? આપણા સમાજમાં સૌંદર્ય એટલે માત્ર જેની સૂરત (ચહેરો) ખૂબ છે એટલું જ! ઉપર ચાંદ સા મુખડા હોય અને નીચે દાદરથી બનારસવાલી ગાડી પકડીને આઝમગઢ જતા ભૈયાએ માથા પર ઉપાડેલા ઠસોઠસ બેડિંગ જેવું શરીર હોય તો એને માટે હસીન, કમસીન, આ...હા... હા... હો...હો, ક્યા બાત હૈ વગેરે દરેક પ્રકારના શબ્દો કે અવાજો કે ધ્વનિઓ કરી શકાય. આપણે, અને ખાસ કરીને ગુજરાતીઓ, શરીરપ્રેમી પ્રજા નથી.
જાડાઇ કે ચરબી શરીર પર સપ્રમાણ હોય તો વાંધો નથી. મેદ જુદી વસ્તુ છે, એ જાડય કે આલસ્ય જન્માવે છે. વ્યાયામશાળામાં છોકરાઓ વ્યાયામ પછી તેલમાલિશ કરે છે એનો એક આશય હોય છે. જો વધારાની ચરબી હોય તો ઓગળી જશે અને જ્યાં નહીં હોય અને જરૂર હશે ત્યાં માલિશથી ચરબી આવશે. ચરબી અને સ્નાયુઓ શરીરને આકાર આપે છે, જેને આપણે દેહસૌષ્ઠવ કહીએ છીએ.
શરીરનું વજન કેટલું હોવું જોઇએ? એક સામાન્ય નિયમ એવો છે કે પાંચ ફુટ ઊંચી વ્યક્તિનું વજન એકસો પાઉન્ડ હોવું જોઇએ (૪૫ કિલો જેવું) પછી પુરુષ માટે દર ઉંચે ૬ પાઉન્ડ (૩ કિલો જેવું) અને સ્ત્રી માટે દર ઉંચે ૫ પાઉન્ડ (૨,૧/૨ કિલો જેવું) વધારતા જવાનું. આ આદર્શ વજન છે. પણ સ્ત્રીઓને આવું સામાન્ય ગણિત ચાલે પણ નહીં અને ફાવે પણ નહીં અને ગમે પણ નહીં. એમને માટે વજનવિદોએ ત્રણ પ્રકારનાં દેહપ્રમાણ (બોડી, ફ્રેમ) નક્કી કર્યાં છે : સ્મોલ, મિડિયમ અને લાર્જ (નાનું, મધ્યમ અને મોટું). એ વજનનો ચાર્ટ દરેક અદ્ભુત સ્ત્રી ડ્રેસિંગ ટેબલના કાચ પર ચોંટાડી રાખે છે. સ્મોલ ફ્રેમની સ્ત્રી એટલે જેના હાથના કાંડાનું માપ ૧૩.૫ સેન્ટિમિટર (૫,૧/૨ ઇંચ કે ઓછું) છે. મિડિયમ એટલે જેનું કાંડું ૧૩.૫થી ૧૬ સેન્ટિમિટર (પ,૧/૨ થી ૬,૧/૨ ઇંચ) છે અને લાર્જ એટલે જેનું કાંડું ૧૬ સેન્ટિમિટર (૬,૧/૨ ઇંચ)થી વધારે છે.
જાડાઇ વિષે બીજી એક ગમ્મત જાણવા જેવી છે. મનુષ્યજાતિમાં નર કે માદા જાડાં હોય છે પણ પ્રાણીઓ-પશુઓમાં ભાગ્યે જ કોઈ જાડું હોય છે. કૂતરી નવ ગલૂડિયાં એકસાથે પેદા કરે છે અને વર્ષમાં બે વાર પ્રસવ કરી શકે છે. પણ કૂતરી જાડી કેમ થતી નથી? ઘોડી, વાઘણ, હરણી, પશુમાદા સામાન્ય રીતે જાડી હોતી નથી. ડાયેટિંગ કે લિપો-સર્જરીની એને જરૂર પડતી નથી. બહુ દોડતી રહે છે, કસરત કરતી રહે છે, ઓછું ખાય છે, બુદ્ધિ નથી? કઈ વસ્તુને લીધે મનુષ્યમાદા કે નર અપ્રમાણ થઇ જાય છે? કદાચ પોષણ માટે જરૂરીથી ઘણો વધારે ખોરાક અને એ પચાવવા માટે જરૂરીથી બહુ જ ઓછી કસરત. પણ જાડાઇ એ માનુષ્યિક છે. કદાચ જાડી પત્ની સફળ પુરુષના પ્રગતિગ્રાફનું પ્રતીક છે. જાડી પત્નીઓના પતિઓમાં હાયપર-ટેન્શનનું પ્રમાણ સુકલકડી પત્નીઓના પતિઓ કરતાં ઓછું છે એવું સાંભળ્યું છે.









