Get The App

IPS અધિકારીઓની તાલીમ કેવી હોય છે ?

Updated: Feb 3rd, 2020

GS TEAM

Google News
Google News
IPS અધિકારીઓની તાલીમ કેવી હોય છે ? 1 - image


ક્યારેક બોર્ડના સભ્યો ઉમેદવારના વખાણ કરે તો તેને સાચા માની ફુલાઇ જવું નહિ. બોર્ડના સભ્યો ખુબ જ સતર્ક હોય છે અને ઉમેદવારની ભૂલો ઝપડી લે છે, જ્યારે માર્ક આવે ત્યારે જ વિદ્યાર્થી સાચી પરિસ્થિતિ જાણી શકે છે

દ ર વર્ષે યુપીએસસી દ્વારા યોજાતી અને વિશ્વની સૌથી અઘરી ગણવામાં આવતી સિવિલ સર્વિસ પરીક્ષામાં ટોચના ક્રમે ઉત્તિર્ણ થનારા તેજસ્વી તારલાઓ આઈ.પી.એસ. તરીકે પસંદ થાય છે. ત્યારબાદ તેમને બે વર્ષની બહુઆયામી કઠોર તાલીમમાંથી પસાર થવાનું હોય છે.

આ તાલીમ વિવિધ તબક્કાઓમાં વહેંચાયેલી હોય છે. સૌથી પહેલું સોપાન ફાઉન્ડેશન તાલીમ તરીકે ઓળખાય છે. તેનો સમયગાળો ૪ મહિનાનો હોય છે. આ તાલીમ તમામ સર્વિસના પ્રોબેશનર્સની સંયુક્ત તાલીમ હોય છે. જેમાં દેશના સામાજિક-આર્થિક પાસાઓ વિશે માહિતગાર કરવામાં આવે છે.

તેનો ઉદ્દેશ ''એસ્પ્રીટ ધ કોર્પ્સ'' એટલે કે વિવિધ સેવાઓના અધિકારીઓ વચ્ચે સારો મનમેળ થાય અને તેઓ દેશના એક જ વ્યવસ્થાતંત્રના-બ્યુરોક્રસીના ભાગરૂપ છે એવી ભાવના ઊભી થાય તેવો હોય છે. આ સમયગાળા દરમિયાન એક અલગ એક્સ્પોઝર મળે છે. પ્રોબેશનર્સને સમ્બોધવા દેશના અનેક મહાનુભાવો જેમકે પ્રધાનમંત્રીશ્રી, ઉપરાષ્ટ્રપતિશ્રી, દેશના ટોચના બ્યુરોક્રેટ્સ વગેરે આવે છે અને તેમને પોતાના અનુભવોનો લાભ આપે છે. આમ પ્રશાસનતંત્રનો વાસ્તવિક અનુભવ તેને મળે છે.

દ્વિતીય સોપાન પ્રોફેશનલ તાલીમ તરીકે ઓળખાય છે. ૧૨ મહિનાની આ તાલીમ હૈદરાબાદ ખાતે આવેલી ''સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી'' દ્વારા યોજાય છે. પોલીસની તાલીમ માટેની આ દેશની શ્રેષ્ઠ સંસ્થા ૧૯૬૬માં કોહલી કમીટીની ભલામણને આધારે રચવામાં આવી. ભારત ઉપરાંત નેપાળ, ભુટાન અને માલદીવ જેવા દેશો પણ પોલીસ તાલીમ માટે આ સંસ્થાનો લાભ લે છે.

આ તાલીમમાં ફિઝિકલ ફિટનેસ વધારવી, વિવિધ શસ્ત્રોની તાલીમથી શરૂ કરી જંગલમાં થતા યુદ્ધોનો અનુભવ, નક્સલવાલ-માઓવાદ જેવી પરિસ્થિતિઓ સાથે કેવી રીતે લડત આપવી, આતંકવાદી હુમલાથી શરૂ કરીને સાયબર ક્રાઇમ જેવા વૈવિધ્યસભર વિષયોની તાલીમ આપવામાં આવે છે. આ ઉપરાંત વિવિધ કાયદાઓ જેવાં કે ભારતીય દંડ સંહિતા, પુરાવા કાનૂન વગેરે કેસસ્ટડી, મુટ્કોર્ટ અને રોલપ્લે જેવી ટેકનિક દ્વારા શિખવવામાં આવે છે.

ત્યારબાદ ત્રીજા તબક્કામાં જિલ્લા તાલીમ હોય છે. દરેક પ્રોબેશનર્સને જે રાજ્ય ફાળવવામાં આવેલ હોય તેમાં ૮ મહિનાની આ તાલીમ હોય છે. જે તે રાજ્યના વ્યવસ્થાતંત્રની વિશેષતાઓ તેના દ્વારા જાણવા મળે છે. ફિલ્ડમાં કામ કરવાની તે પ્રથમ તક મળે છે. આસિસ્ટંટ એસપી તરીકે પોસ્ટીંગ મળે છે અને કાયદો અને વ્યવસ્થા તંત્રનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. અનેક કપરી પરિસ્થિતિઓની વચ્ચે મન શાંત રાખીને કેવી રીતે કાર્ય કરવું.

ઓછામાં ઓછો બળપ્રયોગ કરીને પરિસ્થિતિને કેવી રીતે અંકુશમાં લેવી તેનો પ્રત્યક્ષ અનુભવ મળે છે. ત્યારબાદ છેલ્લો તબક્કો ત્રણ મહિનાની પ્રોફેશનલ ટ્રેનિંગ હોય છે. જે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડેમી ખાતે યોજાય છે. ૧૯૮૬માં ગોરે સમિતિની સલાહ અનુસાર સેંડવિચ કોર્સ શરૂ કરવામાં આવ્યો. જે મુજબ થિયરી-પ્રેક્ટીકલ-થિયરી તાલીમ યોજાય છે. પ્રથમ થિયરીની તાલીમ ૧૨ મહિનાની પ્રોફેશનલ તાલીમ દ્વારા આપવામાં આવે છે.

ત્યારબાદ પ્રેક્ટિકલ અનુભવ મળે તે માટે જિલ્લા તાલીમ યોજાય છે. પ્રેક્ટિકલ કામગીરી દરમિયાન જે કોઇ પ્રશ્ન ઉભા થાય તેના નિરાકરણ માટે ફરી થિયરી તાલીમ યોજાય છે. આ તબક્કો વધુ ફોક્સ સમગ્ર ભારતના વિવિધ વિસ્તારોમાં અનુભવ લઈને આવતા પ્રોબેશનર્સના પ્રશ્નો પર કરે છે જેમાં અનુભવી અને સિનિયર અધિકારીઓ દ્વારા તેનું નિરાકરણ આપવામાં આવે છે.

આમ બે વર્ષની તાલીમ દ્વારા એક સિવિલિયનમાંથી એક કાબેલ અધિકારી રચાય છે. જેમાં માનસિક અને શારીરિક ઘડતર, કઠોર શરીર પણ માનવીય મૂલ્યોનો સમન્વય, નિર્ભયતા અને કરૂણા, લોકતંત્ર અને લોકસેવામાં સમર્પણના મૂલ્યોનું ઘડતર થાય છે.

Tags :