ઇલેક્ટ્રોનિક સાધનોમાં 'પિકસલ' શું છે ?
કમ્પ્યુટર, એલઇડી, ટીવી અને મોબાઈલમાં સ્ક્રીન અને ડિસ્પ્લે મહત્વના ભાગ છે. તેની ક્ષમતા પિકસલ, રિસોલ્યૂશન, એકસ્પોઝર વેલ્યૂ, આઈએસઓ વગેરેથી નક્કી થાય છે ખાસ કરીને ડિજીટલ કેમેરા અને સ્માર્ટફોનના કેમેરામાં આ ક્ષમતા મહત્વની છે.
ડિજીટલ સાધનોમાં ડિસ્પ્લેમાં પિકસલ મહત્વનાં છે. પિકસલ એટલે ટપકું, આ ટપકાં જોડાઈને ચિત્ર બને. અંગ્રેજી શબ્દ પિક્ચર અને એલિમેન્ટનું મિશ્રણ કરીને 'પિક્સલ' શબ્દ બન્યો છે. દરેક પિકસલ લાલ, લીલો અને ભૂરો એમ ત્રણ અથવા તો સાયન, મેજિન્ટા, યલો અને બ્લેક રંગોનું પ્રતિનિધિત્વ કરે છે. આ બંને સિસ્ટમ (RGB) 'આરજીબી' અને (CMYK) સીએમ વાયકે 'તરીકે ઓળખાય છે.
સ્ક્રીનના એક ઇંચ વિસ્તારમાં કેટલા પિકસલ છે તેના આધારે ક્ષમતા નક્કી થાય છે. જેમ વધુ પિકસલ તેમ ચિત્ર વધુ સ્પષ્ટ અને સુરેખ બને છે. આ ક્ષમતાને DPI (ડોટ પર ઇંચ) કહે છે. આ ક્ષમતાને રિસોલ્યૂશન કહે છે. કેટલા રિસોલ્યૂશનનો સ્ક્રીન છે તે જાણવાથી તેની ક્ષમતા જાણી શકાય છે. રિસોલ્યૂશન આડી અને ઊભી કતારમાં કેટલા પિકસલ છે તે પણ દર્શાવે છે. તમે જોયું હશે કે ચિત્રનું રિસોલ્યૂશન ૩૨૪૬ ટ ૨૪૪૮ કે ૬૪૦ X ૪૮૦ જેવા આંકડાથી દર્શાવાય છે.
સ્ક્રીનના એક ઇંચ વિસ્તારમાં જેમ વધુ પિકસલ તેમ ચિત્ર સ્પષ્ટ બને. ઓછા પિકસલ હોય તો તેની વચ્ચે જગ્યા રહે છે અને વધુ પિકસલ એકબીજાની વધુ નજીક કે તદૃન જોડાયેલા હોય છે.