સ્વભાવથી વાંકા હોય તેને સુધારી ના શકાય

- મહાભારતના યુદ્ધ બાદ પાંડવો ગોત્રમર્દનના પાપનું પ્રાયશ્ચિત કરવા તીર્થયાત્રાએ જતા હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેમને એક તુંબડી આપી. શ્રીકૃષ્ણએ કહ્યું, 'તમે જ્યાં જાવ ત્યાં આ તુંબડી સાથે જ રાખજો. દરેક પવિત્ર નદીઓમાં સ્નાન કરાવજો
દુર્યોધનનો જન્મ થયો ત્યારે ઘણા અપશુકન થયાં હતાં. ગધેડા ભૂંકી ભૂંકીને રડતા હતા. ગીધ, શિયાળ અને કાગડાઓ ભયંકર ચિચિયારી પાડતા હતા. વાતાવરણ ગરમલાય થઈ ગયું હતું. તોફાની વાયરા વાતા હતા. દિશાઓ ધૂળથી ઢંકાઈ ગઈ હતી. ખુદ રાજા ધૃતરાષ્ટ્ર આવા અમંગળ ચિહ્નોથી ગભરાઈ ગયા હતા. ભીષ્મ, વિદુર, રાજગુરૂ, વડીલ કુરૂવંશીઓ અને બ્રાહ્મણોએ ભેગા થઈ મંતવ્ય આપ્યું હતું. મહારાજ આખા કુરૂવંશની શાંતિ માટે આવા પુત્રનો ત્યાગ કરવો જોઈએ. પણ પુત્ર સ્નેહમાં બંધાયેલા ધૃતરાષ્ટ્રના મોહના કારણે દુર્યોધનનો જન્મ થયો. દુર્યોધનને નાનપણથી જ ખબર પડી ગઈ હતી કે યુધિષ્ઠિર મોટો છે એટલે રાજવૈભવનો હકદાર તે બનશે અને તેને પાંચેય પાંડવોના તાબામાં રહી તેમની મહેરબાની ઉપર જીવવું પડશે. આવી તાબેદારી તેને મંજૂર નહોતી. તે પાંડવોને જોતો અને તેને ખુન્નસ ચઢતું ! બસ, ત્યારથી તે પાંડવો પ્રત્યે ઈર્ષા કરતો થઈ ગયો હતો.
સૌ પ્રથમ તેણે ભીમને ઝેરી મિઠાઈ ખવડાવી પછી ઝેરી નાગકરડાવી મારવાનો પ્રયત્ન કર્યો. માતા કુંતીને ત્યારથી જ તેના દુષ્ટ સ્વભાવનો પરિચય થઈ ગયો હતો. (ક્રૂરો સૌ દુર્મતિ: ક્ષુદ્રો રાજ્યલુધ્નોન પત્રય:)- આદિપર્વ) દુર્યોધન સ્વભાવે નિર્દયી ખરાબ બુદ્ધિવાળો, તુચ્છ રાજ્યલોભી અને લાજ વગરનો હતો. કુંતી પાંડવોને તેનાથી દૂર રાખવા પ્રયત્ન કરતી. દિવસે દિવસે દુર્યોધનના પ્રપંચો વધતા હતા. તે કોઈની સલાહ માનતો નહિ. એકવાર ભવિષ્યની ચિંતા થતાં પિતા ધૃતરાષ્ટ્રે તેને સમજાવ્યો. (ત્વં વૈ જ્યેષ્ઠો જ્યૈષ્ઠિનેય: પુત્ર...(સભાપર્વ) ''દુર્યોધન, તુ મારો મોટો પુત્ર છે. દીકરા, પાંડવોથી દ્વેષ ના કર. કારણ કે દ્વેષ કરનાર માણસ છેવટે મૃત્યુ જેવી પીડા ભોગવે છે.'' પણ દુર્યોધન સ્વભાવે લોહી ચૂસતી બગાઈ (Gad-fly) જેવો હતો. કોઈને સાંતિથી જીવવા દેતો નહોતો. ત્યાર પછી વારણાવતમાં લાક્ષાગૃહ બનાવી કુંતી સહિત પાંડવોને જીવતા સળગાવી દેવાની યોજના બનાવી. ત્યારેય સૌએ તેને સમજાવ્યો. (સ્વભાવો ન ઉપદેશને શક્ય તે કર્તુમન્ય થા) પણ દુર્યોધનને ગમે તેટલો સારો ઉપદેશ અપાય, તેના સ્વભાવને બદલવો અશક્ય હતો. આગળ જતાં શકુનિની સલાહથી યુધિષ્ઠિરને દ્યૂત રમવા આમંત્રણ મોકલાવાયું. ત્યારે વિદુરજીએ કંટાળીને ભરદરબારમાં તેને સમજાવ્યો. દુર્યોધન, શકુનિની સલાહ માની પાંડવો સાથે કપટ કરવું અધર્મ છે. હું તો ઈચ્છું છું કે કૌરવો સદા યશ અને ધન પ્રાપ્ત કરે. પણ કપટ કરીને નહિ. મને ખબર છે. તને સારી સલાહ ગમતી નથી. તારી બુદ્ધિ મંદ પડી ગઈ છે. તુ તારી જાતને વિદ્વાન માને છે. (યથા તથા તેસ્તુ...દિશન્તુ વિપ્રા:) બસ, હવે તને પગે લાગું છું. તારે જે કરવું હોય તે કર ! તું જેમ રહેવા ઇચ્છે તેમ રહે. મને ખબર છે તુ સુધરવાનો નથી. દુર્યોધન શકુનિની કપટી ચાલથી પાંડવોને હરાવી તેમને અને દ્રૌપદીને અપમાનિત કર્યાં. ત્યારબાદ વાત એટલી વણસી કે અંતે કુરૂક્ષેત્રના મેદાનમાં મહાભારત યુદ્ધ થયું. જ્યાં દુર્યોધનનો અંત આવ્યો. દરેક વાતે આડાઈ કરતા સ્વભાવે જડ માણસો અંતે પસ્તાય છે. તે દુ:ખદ અંત પામે છે.
મહાભારતના સમયમાં બીજાને હેરાન કરવા હથિયાર હતાં આજે સ્વભાવની કડવાશ છે. આજે પારકાની દુશ્મનાવટથી જેટલું દુ:ખ નથી થતું એટલું અંગત માણસોના અક્કડવલણથી થાય છે. નાની નાની વાતે આડોડાઈ કરતી વ્યક્તિ પોતાને કેન્દ્રમાં રાખી ઘટના વિષે વિચારવાનું શરૂ કરે છે. તે કાં તો ઝઘડો કરે છે અથવા રિસાઈ જાય છે. પહેલાં તો તે સગડવાળા રૂમમાં બેસી બારણા બંધ કરી દે છે. કોઈ ગમે તેટલા ટકોરા મારે, બહારથી કોઈને અંદર આવવા દેતી નથી. તે માને છે કે બહારની કોઈ ઝંઝટ જોઈએ જ નહિ ! સુખી થવાનો આ જ રસ્તો છે. કોઈની જોડે વાત જ ના કરવી !! તેમને લાગે છે કે માથે પડેલા સંબંધોની જંજાળ તેમની શાંતિનો ભંગ કરે છે. તે ધારી લે છે કે કોઈ મારૂં નથી. કોઈ પ્રેમ કરતું નથી. માન આપતું નથી. કિંમત કરતું નથી. ઉપરથી અપમાન કરે છે. મહેણા મારે છે. ટીકા કરે છે. ઊતારી પાડે છે. આવી વ્યક્તિઓ સ્વભાવે જ વાંકી હોય છે. તેમને સંબંધોની હૂંફ માથે પડેલો બોજ લાગે છે. તે પ્રેમ, સંવેદના કે લાગણીને હળવાશથી માણી જ શકતી નથી. તેને સંબંધોમાં રહેલી ફૂલ જેવી નજાકત સ્પર્શતી જ નથી. તે જાતે જ ખેંચેલી અહ્મની રેખામાં કેદ થઈ જાય છે. પ્રેમાળ સંબંધોમાં પણ સ્વભાવની કડવાશથી એક પછી એક ગાંઠ બંધાતી જાય છે. મન સાંકડું થતું જાય છે અને માણસનું મન જ્યારે સાંકડું થાય ત્યારે સત્ય દેખાતું બંધ થઈ જાય છે.
Blind is not he who does not see, Blind is he who is disinclined to see - ખરેખર જે દેખી નથી શકતો એ આંધળો નથી. આંધળો તો એ છે જેની પાસે દ્રષ્ટિ છે છતાં સત્ય જોઈ શકતો નથી.
મહાભારતના યુદ્ધ બાદ પાંડવો ગોત્રમર્દનના પાપનું પ્રાયશ્ચિત કરવા તીર્થયાત્રાએ જતા હતા ત્યારે શ્રીકૃષ્ણએ તેમને એક તુંબડી આપી. (તુંબડી નામની વેલનું ફળ જેમાંથી પાણી ભરવાનું પાત્ર બનતું) શ્રીકૃષ્ણએ કહ્યું, 'તમે જ્યાં જાવ ત્યાં આ તુંબડી સાથે જ રાખજો. દરેક પવિત્ર નદીઓમાં સ્નાન કરાવજો. પાંડવો તીર્થયાત્રા કરી પાછા આવ્યા. શ્રીકૃષ્ણએ દ્વારકાના દરબારમાં બધાની હાજરીમાં એ તુંબડી તોડાવી. તેનું ચૂર્ણ બનાવડાવ્યું. પછી દરેકને પ્રસાદરૂપે એક એક ચપટી આપ્યું. ચૂર્ણ કડવું હતું. લોકોએ થૂંકી નાખ્યું. શ્રીકૃષ્ણએ કહ્યું ''મારે પાંડવોને અને તમને એક વાત સમજાવવી હતી. જેમ આ તુંબડી એ અડસઢ તીર્થયાત્રા કરી. ગંગા-યમુના જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છતાં તેની કડવાશ ગઈ નહિ. તેમ માણસનો અસલી સ્વભાવ બદલાતો નથી. સ્વભાવ ત્યારે જ બદલાય જ્યારે આત્મખોજ કરી અંતરાત્મા શુદ્ધ થાય. (સત્સંગાદ્વવતિ હિ સાધુતા ખલાનામ) સત્સંગથી દુર્જન માણસો પણ સારા બને છે. ઈશ્વરકૃપા, શુભવિચાર, પ્રબળ ચૈતન્ય શક્તિ અને અન્ય પ્રત્યે કરૂણા જાગવાથી સ્વભાવ સુધરે. પણ સ્વભાવ સુધરેલો ક્યારે ગણાય ? જ્યારે આપણે આપણી માનની પાત્રતા એટલી બુલંદ બનાવીએ કે આપણું બુરૂં કરનારને પણ પોતાના કૃત્ય માટે શરમાવું પડે. ભોંઠપ અનુભવવી પડે અને માફી માંગવા માટે તક શોધવી પડે.
- સુરેન્દ્ર શાહ








