Magazines

પ્યાર તુને કિયા, પાયી મૈંને સજા, ક્યા કરું ક્યા કરું...

By GS TEAM
21 May 20264 mins read
પ્યાર તુને કિયા, પાયી મૈંને સજા, ક્યા કરું ક્યા કરું...

- સિને મેજિક- અજિત પોપટ

- માતાપિતાનો એકનો એક પુત્ર એવા એ યુવાને પોતાના વડીલોની પરવાનગી અને આશીર્વાદ લઇને મુંબઇમાં વસવાટ કર્યો. એ પ્રતિભાવાન યુવાન એટલે એક અને અજોડ એવા સંતુરવાદક (હવે સ્વર્ગીય) એવા પંડિત શિવકુમાર શર્મા. આમ આ ફિલ્મે ભારતીય સંગીતને અને આપણને એક બહુમુખી પ્રતિભા આપી. 

આભક્ત કવયિત્રી મીરાંબાઇએ રચેલી મનાતી એક સાખી છે- જો મૈં ઐસા જાનતી કે પ્રીત કિયે દુ:ખ હોય, તો નગર ઢંઢોરા પીટતી, પ્રીત ન કરિયો કોઇ... આમ છતાં એ જ મીરાંબાઇએ એક સરસ ભજન રચ્યું છે- જો તુમ તોડો પિયા, મૈં નાહિં તોડું રે, તોર સંગ તોડું કૃષ્ણ, કૌન સંગ જોડું... કેવો અદ્ભુત ગોપીભાવ છે. તું ભલે અમને ગોકુળમાં મૂકીને ચાલ્યો ગયો, અમે તો તને ચાહતા રહેવાના, અમે તારી પ્રીત નહીં છોડીએ. તારી સાથેનો નેહડો તોડીએ તો હે કૃષ્ણ, પછી કોની સાથે પ્રીત કરીએ ? ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'માં વી શાંતારામ અને સંગીતકાર વસંત દેસાઇએ આ ભજનનો કલાત્મક ઉપયોગ કર્યો છે. આમ પણ કથક અને ભરતનાટયમ જેવાં ક્લાસિકલ નૃત્યમાં સંતો ભક્તોની રચનાઓનો બહોળો ઉપયોગ થતો આવ્યો છે. આ ભજનને સંગીતકારે સર્વદા સુખદાયિની રાગિણી ભૈરવીમાં સ્વરાંકિત કરી છે. લતા મંગેશકરે ગીતમાં પ્રાણ રેડયા છે. પરદા પર તેમજ ઓડિયોમાં આ ગીત સાંભળતાં શૃંગાર રસનો અનેરો સાક્ષાત્કાર અનુભવાય છે.

ફિલ્મ 'ઝનક ઝનક પાયલ બાજે'નાં અન્ય ગીતોનો આસ્વાદ કરતી વેળા ઔર એક વાત કરવા જેવી છે. ૧૯૫૦ના દાયકામાં મુંબઇમાં સૂર સિંગાર સંસદ નામે એક સંગીત સંસ્થા હતી. એ દર વરસે ક્લાસિકલ સંગીતની મ્યુઝિક કોન્ફરન્સ યોજતી. એમાં દેશના ખૂણે ખૂણેથી સંગીતકારો આવતા. આ કોન્ફરન્સમાં પોતાની કલા રજૂ કરવાની તક મળે એને સંગીત સાધકો પોતાનું સદ્ભાગ્ય સમજતા. ૧૦૫૫-૫૬માં આવી એક મ્યુઝિક કોન્ફરન્સ મ્યુઝિયમ નજીક આવેલા કાવસજી જહાંગીર હાલમાં હતી. આ પ્રસંગે જમ્મુ કશ્મીરથી એક પ્રતિભાશાળી યુવાન પોતાની કલા પ્રસ્તુત કરવા આવેલો. શાંતારામજીના પુત્રી મધુરા (જે પાછળથી સંગીતમાર્તંડ પંડિત જસરાજજીને પરણ્યાં) આ મ્યુઝિક કોન્ફરન્સમાં હાજર હતાં. એમણે પોતાના પિતાને વાત કરી કે તમે જે નૃત્ય આધારિત ફિલ્મ બનાવી રહ્યા છો એમાં આ યુવાનના વાદ્યનો ઉપયોગ દીપી ઊઠશે. 

શાંતારામજીએ એ યુવાનને પોતાને ત્યાં નિમંત્ર્યા. ઔપચારિક વાતો થયા પછી શાંતારામે એ યુવાનનું વાદ્યસંગીત સાંભળ્યું. એ ખૂબ પ્રભાવિત થયા. શાંતારામજીએ એને કહ્યું કે તમારું ભવિષ્ય મુંબઇમાં છે. તમે અહીં આવી જાઓ. માતાપિતાનો એકનો એક પુત્ર એવા એ યુવાને પોતાના વડીલોની પરવાનગી અને આશીર્વાદ લઇને મુંબઇમાં વસવાટ કર્યો. એ પ્રતિભાવાન યુવાન એટલે એક અને અજોડ એવા સંતુરવાદક (હવે સ્વર્ગીય) એવા પંડિત શિવકુમાર શર્મા. આમ આ ફિલ્મે ભારતીય સંગીતને અને આપણને એક બહુમુખી પ્રતિભા આપી. ફિલ્મ ઝનક ઝનક પાયલ  બાજેના સંગીતમાં પણ શિવકુમારે કેટલાંક સરસ સૂચનો કર્યાં હતાં એમ કહેવાય છે.

ઔર એક વાત. ભારતીય સંગીતના વિવિધ રાગ-રાગિણીને વિદ્વાનો એક પરિવારનાં સંતાનો કહે છે. ઘણા રાગરાગિણી પરસ્પર જોડાયેલા છે. મધ્ય રાત્રિના ગવાતા બે રાગ નામે રાગેશ્રી (રાગેશ્વરી) અને બાગેશ્રી (બાગેશ્વરી)ના કલાત્મક સંયોજનથી માલગૂંજી નામે એક રાગ બને છે. આપણા ગરવા ગુજરાતી સ્વરસાધક પંડિત ઓમકારનાથજીએ આ રાગને ખૂબ લાડ લડાવ્યા છે. અનેકવાર સંગીત સમારોહોમાં ગાયો છે. વસંત દેસાઇએ આ રાગ માલગૂંજીમાં એક અલૌકિક પ્રણયગીત આપ્યું. હેમંત કુમાર અને લતાજીના કંઠે ગવાયેલું એ ગીત આજે પણ એટલું જ લોકપ્રિય છે. છ માત્રાના દાદરા તાલમાં ગવાયેલું એ ગીત આ રહ્યું- નૈન સો નૈન નાહિં મિલાઓ, દેખત સૂરત આવત લાજ સૈયાં, પ્યાર સે પ્યાર આ કે સજાઓ, મધુર મિલન ગાવત આજ સૈયાં...

મિલન હોય ત્યાં જુદાઇ અને વિરહ પણ હોવાના. એવું એક વિરહગીત મન્ના ડે અને લતાજીના કંઠમાં છે. બંને પ્રિયપાત્રો પોતાના દિલને વખોડતાં હોય એમ પૂછે છે- મેરે અય દિલ બતા, પ્યાર તુને કિયા, પાયી મૈંને સજા, ક્યા કરું ક્યા કરું... અહીં ક્યા કરું શબ્દોના પુનરાવર્તન દ્વારા હૈયાની પીડાને સઘન બનાવી છે. આ ગીત ફરી એકવાર ભૈરવી રાગિણીમાં અને છ માત્રાના દાદરા તાલમાં વસંત દેસાઇએ સ્વરાંકિત કરી  છે. દિલના દર્દને સંગીતકારે ગજબ રીતે પ્રસ્તુત કરેલું.

પ્રિય પાત્રો વચ્ચે મીઠ્ઠો કલહ પણ થાય તો ખરો ને, એવી એક મીઠ્ઠી રાવ નાયિકા કરે છે. અહીં સંગીતકારે તાલ તો દાદરા જ રાખ્યો. તર્જમાં શૃંગારપ્રધાન મનાતા રાગ દેશ અને ખમાજનો સહિયારો ઉપયોગ કર્યો. આ ગીત ફક્ત લતાજીના કંઠમાં છે- સૈયાં જાઓ, સૈયાં જાઓ, મોંસે ના બોલો, અબ ના મોંહે સતાઓ, ફૂલ સી મોરી છોડો કલાઇ, છેડો ના મુઝકો ઓ હરજાઇ.... પોતાના દરેક ગીતને લતાએ દિલથી સજાવ્યું છે. એ દિવસોમાં વસંત દેસાઇ સાથે લતાને ખૂબ સારો મનમેળ હતો. એટલે ગીતોમાં રીતસર માધુર્ય ટપકે છે.

આ ઉપરાંત વસંત દેસાઇએ સરસ રાગમાલિકા સર્જી હતી. રૂતુ બદલાતી જાય તેમ તેમ રાગ બદલાતા જાય, તાલ પરિવર્તન પામે અને કથક નૃત્યના ટુકડા ઉમેરાતા જાય. આમ આ ફિલ્મની સફળતામાં વસંત દેસાઇનો પણ સિંહફાળો હતો એમ કહી શકાય. રાજ કપૂર અને શંકર જયકિસન સાથે જેમનું નામ વધુ લેવાય છે એ ગીતકાર હસરત જયપુરીનાં ગીતો હતાં. ફક્ત એક ભજન મીરાંબાઇનું હતું. બાકીનાં બધાં ગીતો હસરત જયપુરીએ ફિલ્મની કથા અને પ્રસંગોને જીવંત કરે એ રીતે રચ્યાં હતાં. ફિલ્મને જબરદસ્ત કામિયાબી મળી હતી. ક્લાસિકલ મ્યુઝિકના રસિકો તેમજ ફિલ્મ સંગીતના ચાહકો, બંનેને માણવામાં આનંદ આવે એ રીતે વસંત દેસાઇએ આ ફિલ્મનું સંગીત તૈયાર કરેલું. ક્લાસિકલ સંગીત નહીં જાણનારા લોકોને પણ આ ફિલ્મ ખૂબ ગમેલી.