Magazines

બબી બકરીનાં બચ્ચાં શું શીખ્યાં ?

By GS TEAM
3 Oct 20252 mins read
બબી બકરીનાં બચ્ચાં શું શીખ્યાં ?

- શકુ સુગરી બોલી, 'સાચી વાત છે. મહેનત કરીને જ ઘર બનાવવું જોઈએ.' બચ્ચાં તો શકુ સુગરીના ઘરને જોતાં બોલ્યાં, 'મા, આટલું સરસ મજાનું ઘર શકુ માસીએ કેવી રીતે બનાવ્યું હશે?'

- પીના પટેલ 'પિન્કી'

મધુવનમાં ઘણાં બધાં પશુ-પક્ષીઓ રહેતાં હતાં. કોઈ ઝાડ પર માળો બાંધીને રહે તો કોઈ ગુફામાં રહે. આ જ જંગલમાં બબી બકરી રહે. તેની સાથે તેનાં ત્રણ બચ્ચાં પણ રહેતાં હતાં.

તે એકલી હતી ત્યારે તો ચરતી, ફરતી અને આલો-પાલો ખાતી અને જ્યાં જગ્યા મળે ત્યાં રહેતી હતી, પણ હવે ત્રણ નાનાં બચ્ચાં તેની સાથે હતાં. તેમને લઈને ક્યાં રહેવું, તે એક ચિંતા હતી.

એક દિવસ એક બચ્ચું બોલ્યું, 'મા, મા! આપણે ઘર બનાવીએ.'

'બેટા, એના માટે તો ખૂબ મહેનત કરવી પડે.'

'મા, આપણે ભટુડી માસી જેવું કરીએ તો? તું રસ્તા વચ્ચે બેસી જા અને પછી જે ગાડાવાળો આવે, તેની પાસેથી જે હોય તે માગી લેજે અને આપણું ઘર બની જશે.'

'બેટા, એ તો ભટુડી માસી હતાં, તે એ રીતે ઘર બાંધે, પણ હું એ રીતે કોઈની પાસે માગીને ઘર ના બાંધું. પછી છેને, એવી ટેવ પડી જાય અને આપણે આળસુ બની જઈએ.'

ત્યાં ઝાડ પર સરસ રીતે ગૂંથીને બાંધેલા ઘરમાંથી શકુ સુગરી બોલી, 'સાચી વાત છે. મહેનત કરીને જ ઘર બનાવવું જોઈએ.'

બચ્ચાં તો શકુ સુગરીના ઘરને જોતાં બોલ્યાં, 'મા, આટલું સરસ મજાનું ઘર શકુ માસીએ કેવી રીતે બનાવ્યું હશે?'

'બેટા, ઘર બનાવવા માટે મહેનત કરવી પડે. તું પેલા દરજીડા ભાઈનું ઘર જો, એ પણ કેવું સરસ છે!'

'મા, તો આપણે પણ મહેનત કરીને આપણું ઘર બનાવીશું,' બચ્ચાં બોલ્યાં.

બબી બકરી સાથે ત્રણેય બચ્ચાં મહેનતનું કામ કરવા લાગ્યાં. તેઓ વાંસ અને માટી લાવ્યાં. છાપરા પર પાથરવા માટે ખડ લાવ્યાં અને વાંસની થાંભલીઓ ઊભી કરી. માટીની દીવાલ બનાવી અને ખડનું છાપરું કર્યું. તેમનું ઘર તૈયાર થઈ ગયું.

તેવામાં નવરાત્રિ આવી અને આખું મધુવન રોશનીથી ઝગમગી ઊઠયું. સાથે બબી બકરીનું ઘર પણ ઝગમગ્યું. નવરાત્રિની છેલ્લી રાત હતી ત્યારે ગરબાના મહાઆયોજનની સાથે બબી બકરી અને તેનાં ત્રણ બચ્ચાંનું, મહેનત કરીને ઘર બાંધવા બદલ, સન્માન થયું. તેઓ ખૂબ ખુશ થઈ ગયાં.

ગરબાની લાઇનમાં જોડાતાં બચ્ચાં ગાવા લાગ્યાં-

'મહેનતનાં ફળ છે મીઠાં રે લોલ, 

આળસ જાય દૂર ભાગી રે લોલ.

સુખેથી ઘરમાં રહીએ રે લોલ, 

વાઘભાઈથી નહીં ડરીએ રે લોલ.'

આ સાંભળીને કલ્લુ વાઘ અને બીજાં બધાં પ્રાણીઓ હસી પડયાં.