જીવનસાથીને શોધવા માટેનો પશ્ચિમ બંગાળનો અનોખો 'છાતા ઉત્સવ'

પશ્ચિમ બંગાળનો પુરુલિયા વિસ્તાર થોડા વર્ષો પહેલાં ત્યાં એરક્રાફ્ટમાંથી થયેલા અવૈદ્ય શસ્ત્રોના વરસાદને કારણે પ્રકાશમાં આવ્યો હતો, પણ આ વિસ્તાર પશ્ચિમ બંગાળમાં 'છાતા ઉત્સવ' જેવા એક સાંસ્કૃતિક લોક ઉત્સવને કારણે પણ જાણીતો બન્યો છે. પુરુલિયા ખાતે વર્ષોથી દર ૧૭ સપ્ટેમ્બરે સંથાલ આદિવાસીઓ માટેના 'છાતા ઉત્સવ'નું આયોજન થાય છે. આ ઉત્સવ એક પ્રકારનો જીવનસાથી શોધવાનો પસંદગી મેળો જ છે અને એમાં ભાગ લેવા માટે પશ્ચિમ બંગાળ સિવય ઓરિસ્સા, બિહાર અને ઝારખંડ જેવા વિસ્તારમાંથી પણ મોટી સંખ્યામાં સંથાલ આદિવાસીઓ ઉમટી પડે છે.
આ ઉત્સવમાં મોટાપાયા પર નૃત્ય અને સંગીતનું આયોજન કરવામાં આવે છે. ઉત્સવની શરૂઆતમાં મંદમંદ તાલબદ્ધ વાગતુ સંગીત પછી ઝડપથી વાગતી બીટ્સમાં ફેરવાઈ જાય છે અને જ્યારે આ ઉત્સવ પુરો થાય છે ત્યારે મોટાભાગના યુવાનો અને યુવતીઓ પોતાના માટે પાર્ટનરની શોધ પુરી કરી ચુક્યા હોય છે. આખા ઉત્સવમાં જે યુવાન કે યુવતી પોતાના માટે જીવનસાથીની પસંદગી ન કરી શક્યા હોય તે બીજા વર્ષે ફરીથી ઉત્સવમાં આવીને પોતાની શોધ પુરી કરી શકે છે. આ પસંદગી મેળામાં પણ નાના-મોટા ઝઘડાં થાય છે, પણ એનો વડીલોની મધ્યસ્થીથી તાત્કાલિક ઉકેલ લાવી દેવામાં આવે છે. આ સમગ્ર ઉત્સવનું આયોજન એક મોટા વિશાળ મેદાનમાં કરવામાં આવે છે. ઉત્સવ પહેલાં આખા મેદાનને ફુલો અને રંગબેરંગી રિબીનોથી શણગારવામાં આવે છે તથા ત્યાં મીઠાઈ, નાસ્તા અને માટી તથા ધાતુના ખોટા આભુષણો વેંચતી હાટડીઓ ઉભી કરવામાં આવે છે. આ ઉત્સવ વખતે સ્થાનિક કેફિનયુક્ત પીણાં હરિયાની પણ ભારે માંગ હોય છે. આ ઉત્સવ ગીત, સંગીત, રંગો અને લોકોના ઉત્સાહનો સમન્વય થયેલો હોય છે. જ્યારે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે સવારથી લોકો સ્થળ પર ભેગા થવાના શરૂ થઈ જાય છે. કેટલાક લોકો હજારો કિલોમીટરની મુસાફરી કરીને આ મેળાની રંગત જાણવા અને માણવા આવે છે તો કેટલાક લોકો જીવનસાથી શોધવા માટે પુરુલિયા સુધી લાંબા થાય છે.
આ ઉત્સવની પ્રારંભ વર્ષોથી પરંપરાગત રીતે થઈ રહ્યો છે. આ શરુઆત વખતે સ્થાનિક રાજવંશની વ્યક્તિ ત્રીસ ફુટ ઉંચાઈ પર ઉત્સવના પ્રતિક સમી છત્રી (છાતા) મુકીને ઉત્સવના પ્રારંભની જાહેરાત કરે છે. આ વિસ્તારમાં છેલ્લા ૭૫૦ વર્ષથી એક જ રાજવંશનું શાસન ચાલી રહ્યું છે અને સ્થાનિક સંથાલો તેમને પોતાના વડા માને છે. તેમની વચ્ચે જ્યારે પણ ઝઘડો કે સમસ્યા ઉભી થાય ત્યારે એનું સમાધાન આ વડા જ કરે છે. આમ, શાંતિ તથા એકતા અને પ્રેમના પ્રતીક તરીકે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે.
આ ઉત્સવના આયોજન વિશે વાત કરતા સ્થાનિક રાજા દેબી પ્રસાદ સિંહ દેવ કહે છે કે ''રાજા હંમેશા આદિવાસીઓના સુખ અને સમૃદ્ધિની ઇચ્છા કરતો હોય છે. પ્રજામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે અને દરેક યુવાનને તેનો સાથીદાર મળી રહે એ માટે આ ખાસ છાતા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતે ઉત્સવની શરૂઆત અમારા પૌત્ર ૧૯ વર્ષીય પ્રિન્સ અમિત સિંહ દેવ પાસે કરાવવામાં આવી હતી.''
આ ઉત્સવમાં આખો દિવસ હળવા મળવાની અને એકબીજાને ઓળખવાની પ્રક્રિયા ચાલે છે અને સુર્યાસ્ત પછી નાચગાનનો મહોત્સવ શરૂ થાય છે. શરૂઆતમાં ધીમા તાલ પર થતા આ નાચગાનમાં જિન્સ, શર્ટ અથવા તો ધોતીધારી યુવાનો શામેલ થાય છે અને ડાન્સ થોડો વેગ પકડે પછી એમાં શરમાળ અને ખિલખિલાટ હાસ્ય વેરતી યુવતી માતા-પિતાની પકડમાંથી છુટીને તથા શરમને પડતી મુકીને શામેલ થાય છે. આ યુવતીઓએ પોતાના સર્વોત્તમ અને ઝગમગાટ કરતા વસ્ત્રો ધારણ કર્યા હોય છે. આ ડાન્સ દરમિયાન જ યુવકો અને યુવતીઓ વચ્ચે નજરના અનુસંધાન સંધાય છે અને તેઓ પોતાના જીવનસાથીની નિર્ણાયક પસંદગી કરી લે છે.
આ મહોત્સવમાં ભાગ લેવા આવેલા સંતાનોના વડીલો મોટાભાગે આ પ્રક્રિયા વખતે અલિપ્ત રહીને ભોજન અને માદક પીણાંની મજા માણે છે, પણ યુવાનો ખાસ જીવનસાથીની પસંદગી માટે આવેલા હોવાના કારણે માદક પીણાંના સેવનથી દુર જ રહેવાનુું પસંદ કરે છે. તેઓને લાગે છે કે આ પ્રકારની હરકતોને કરવાથી કોઈ યુવતી તેમને પસંદ નહીં કરે અને તેમને આખું જીવન જીવનસાથી વગર જ ગાળવું પડશે. આ મહોત્સવમાં જે યુવક અને યુવતી પરસ્પરની સંમતિથી એકબીજાને પસંદ કરી લે છે તેઓ મહોત્સવમાંથી સરકીને છત્રીની છાયા હેઠળ પરસ્પર આલિંગનબદ્ધ થઈ જાય છે અને સહવાસની મજા માણે છે. આ સમગ્ર પ્રથા પરાપુર્વથી ચાલી આવતી હોવાના કારણે કોઈ વડીલો પણ વિરોધ નથી નોંધાવતા.
આ પસંદગી મેળામાં પણ નાના-મોટા ઝઘડાં થાય છે, પણ એનો વડીલોની મધ્યસ્થીથી તાત્કાલિક ઉકેલ લાવી દેવામાં આવે છે. સંથાલ આદિવાસીઓમાં સ્ત્રીઓ અને પુરુષોને સમાન હક આપવામાં આવ્યા છે એટલે આ મહોત્સવમાં કોઈ યુવતીની મરજી વગર તેની સાથે બળજબરી કરવાનું લગભગ અશક્ય છે. સંથાલ જાતિમાં સ્ત્રીઓ અને પુરુષોની વ્યક્તિગત પસંદગીને પુુરતું માન આપવામાં આવે છે અને આ વાત જ મેળાની સફળતાનું મુખ્ય કારણ છે.








