Get The App

પરંપરાગત પર્વ-લગ્નમાં પહેરો પરંપરાગત પોશાક-સાડી

Updated: Oct 21st, 2019

GS TEAM


Google News
Google News
પરંપરાગત પર્વ-લગ્નમાં પહેરો પરંપરાગત પોશાક-સાડી 1 - image


પર્વાધિરાજ દિવાળી અને લગ્નસરા હાથવેંતમાં છે ત્યારે પામેલાઓ પોતાના વોર્ડરોબ નવેસરથી સજાવવાની તૈયારી કરી રહી હોય તે સ્વાભાવિક  છે. કોઇપણ માનુની નવા વર્ષ કે પરિવારમાં આવતાં વિવાહ માટે ખરીદી કરતી હોય ત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ વિશે અચૂક વિચારે. 

પરંતુ જરૂરી નથી કે તમે આ બંને પ્રસંગે માત્ર આધુનિક ડિઝાઇનના વસ્ત્રો જ ખરીદો. હકીકતમાં દિવાળી અને લગ્ન પરંપરાગત પ્રસંગો હોવાથી તમારા વસ્ત્રાભૂષણોમાં પરંપરાગત સ્પર્શ હોવો  જ  જોઇએ. આપણા ફેશન ડિઝાઇનરો પણ આ વાત માને છે. તેથી જ તેમણે આ વર્ષની શિયાળુ ફેશનમાં સાડી અને ઇન્ડો-વેસ્ટર્ન ગણી શકાય એવા પોશાકને ખાસ્સું મહત્વ આપ્યું છે. 

દિવાળી અને લગ્નના પોશાક કે  સાડીમાં જરી ન હોય તો તે પહેરવાની શી મઝા? આ પ્રસંગો જરીવાળા કપડાં વિના અધૂરા જ લાગે. પરંતુ આધુનિક રમણીઓ પહેલા જેવી ભરચક ટીકી કે અન્ય જરીવર્ક કરેલી સાડી, ચણિયા-ચોળી, અનારકલી કે અન્ય પોશાક પહેરવાનું પસંદ ન કરે. તેમને તેમાં કાંઇક નવું ખપે. તેથી ફેશન ડિઝાઇનરોએ બટરી ચંદેરી, ગોલ્ડ થ્રેડની સાડી ઇત્યાદિને બજારમાં મૂકી છે.

તેઓ કહે છે કે તેમાં પરંપરા અને આધુનિકતાનો સુંદર મેળ બેસે છે. તેઓ વધુમાં કહે છે કે પરંપરાગત સાડીમાંથી કાંજીવરમ્ ક્યારેય આઉટડેટેડ નથી થઇ. પરંતુ આધુનિકાઓને બહુ ે ભારે કાંજીવરમ્ પહેરવાનું ન ગમે. પરિણામે  હવે કાંજીવરમ્માં પણ હળવી સાડીઓ બનાવવામાં આવે છે. વળી તેમાં પેસ્ટલ કલરનો ઉપયોગ કરવામાં આવે તો તે વધુ હળવી અને આકર્ષક લાગે છે. 

જો તમને અન્ય કોઇના વિવાહમાં જવાનું હોય તો તમે ભારેભરખમ કપડાં-દાગીના પહેરવાનું પસંદ ન કરો.  રેગ્યુલર પ્રિન્ટની સાડી તો સાવ સાદી લાગે. આવી સ્થિતિમાં તમને સહેજે થાય કે પહેરવું શું? આનો તોડ પણ ફેશન ડિઝાઇનરોએ કાઢી રાખ્યો છે. તેમણે પ્યોર સિલ્ક તેમ જ ક્રેપના પોત પર અજરખ, કલમકારી અને પિછવાઇને પ્રિન્ટને સ્થાન આપ્યું છે.ે અન્ય કોઇના વિવાહમાં આ પ્રકારની સાડી વૈભવી લાગવા છતાં ભારેભરખમ નહીં લાગે. આ પ્રકારની સાડીમાં તમે તમારા ગમતાં રંગો પસંદ કરી શકો છો. 

સાડીના પાલવમાં સુંદર શિલ્પોની ડિઝાઇન પણ અત્યંત આકર્ષક લાગે છે. આમેય આપણો દેશ શિલ્પકળાથી સમૃધ્ધ છે.  પાલવમાં આવા  શિલ્પો પેઇન્ટ કરેલી સાડી ખૂબ જચે છે. 

આપણી હાથવણાટની સાડીઓના છેડે ફૂમતા અચૂક જોવા મળે. અને પરંપરાગત સાડી માટે હાથવણાટ જેવો ઉત્તમ વિકલ્પ બીજો કયો હોઇ શકે. તેથી આ દિવાળીકે લગ્નસરામાં તમે ફૂમતાવાળી સાડી પહેરી શકો. જોકે જરૂરી નથી કે  ફૂમતા માત્ર સાડીમાં જ હોય. તમે ફૂમતાવાળા બ્લાઉઝ, દુપટ્ટા, સ્કર્ટ, જેકેટ અને સલવાર પણ પહેરી શકો. કમનીય કટિ ધરાવતી કામિનીઓ કમરપટ્ટો પહેરીને વધુ સુંદર દેખાઇ શકે. ચાહે તે સાડી પર હોય કે અન્ય કોઇ પોશાક પર.

કહેવાની જરૂર નથી કે છેલ્લા કેટલાક સમયથી સાડી પર બેલ્ટ પહેરવાની ફેશન પૂરબહારમાં ખીલી છે.  થોડાં વર્ષ પહેલા ફેશનેબલ માનુનીઓ નેટસાડી અને અનારકલી પહેરતી જોવા મળતી હતી. આ ફેશન આ સીઝનમાં પાછી ફરી છે. નેટસાડી પર  થ્રેડ કે મેટલ વર્ક ખૂબ સુંદર લાગે છે. તેમાંય વાઇટ,ઓફ વાઇટ, ગુલાબી, લેમન જેવા રંગની નેટસાડી પર ઘેરા રંગના રેશમી દોરાથી કરેલું ભરતકામ કે મેટલ વર્ક એકદમ ઉઠી આવે છે. આવી પારદર્શક સાડીઓ  સાથે ભરચક વર્ક કરેલું બ્લાઉઝ તેને વૈભવી લુક આપે છે. 

અનારકલી ડ્રેસમાં કાંઇક નવીનતા લાવવા તેને એસિમેટ્રિકલ બનાવડાવો. એ પણ જરૂરી નથી કે તમે વર્ક કરેલું અનારકલી જ બનાવડાવો. તમે ચાહો તો ગોલ્ડન ફેબ્રિકમાંથી પણ અનારકલી બનાવડાવી શકો. આગળના ભાગમાંથી ઊંચુ હોય એવા ં એસિમેટ્રિકલ અનારકલીમાં એ જ મટિરિયલમાંથી ચુડીદાર બનાવડાવો. તેની સાથે પાતળા બેલ્ટવાળા ગોલ્ડન સેંડલ પહેરો. અને ઘરમાં મમ્મી કે દાદીની હાંસડી પડી હોય તો તે ગળામાં પહેરી લો. બસ, તેમાં તેનાથી વધારે એક્સેસરીની જરૂર નહીં પડે. 

નીચેના કિનારે વર્ક કરેલું, કમર સુધી ઝૂલતું વન શોલ્ડર એસિમેટ્રિકલ ટોપ અને ધોતી જેવી પ્લિટ્સવાળી પેન્ટ તમને ગજબનું આકર્ષણ બક્ષશે. આ ડ્રેસ સાથે તમે કોલ્હાપુરી પેટર્નની જરીવાળી ચંપલ, મોટી વીંટી અને કાનમાં મોટાં ઝૂમખાં પહેરો. 

જેમને  અનારકલી પહેરવાની ઇચ્છા ન હોય તે એ લાઇન કુરતો ધરાવતો ડ્રેસ પણ પહેરી શકે. દામનમાં વર્ક કરવા સાથે તેના કિનારે લટકતી  બોર્ડર ધરાવતા એ લાઇન કુરતા-ે ચુડીદાર સાથે  સરસ મઝાનો દુપટ્ટો પહેરો.તેની સાથે હેન્ડબેગ કે  ક્લચ લેવાને બદલે પોટલી લો. અને પગમાં જૂતી પહેરો. આભૂષણોમાં કાનમાં લટકણિયા અથવા ડુલ સરસ લાગશે.હાથ અને ગળામાં હળવાં ઘરેણાં પહેરવાથી ડ્રેસ હાઇલાઇટ કરી શકાશે. 

તમારી પરંપરાગત સાડી સાથે પરંપરાગત આભૂષણો જ  સારાં લાગશે. સાથે વાળમાં ટાઇટ અંબોડો વાળી શકાય કે પછી પોની બાંધી શકાય. જો તમારા કેશ લાંબા હોય તો ચોટલો વાળીને તેમાં હેર એક્સેસરીઝ લગાવો. 

હવે રંગોની વાત પર આવીએ તો ગુલાબી ઓલ ટાઇમ ફેવરિટ ગણાય છે. તેથી આ વર્ષે પણ તેનું ચલણ જારી છે.તેના સિવાય ગોલ્ડન, મેટાલિક, મરૂન,ગ્રે અને હાથવણાટની સાડીઓમાં મલ્ટીકલર ઇન છે.

- વૈશાલી ઠક્કર

દીપાવલીમાં દેહને દિપાવતી સાડીનો દબદબો

પ્રકાશના પર્વ પર જો સાડીઓ પહેરવાનું આયોજન કરતાં ત હો તો જાણી લો કે સાડીમાં કઈ કઈ નવી ડિઝાઈન છે. પૂજા હોય કે ઉજવણી, પ્રસંગને અનુરૂપ પસંદ કરો સાડી અને  પછી જુઓ તમે પણ કેવાં દીપી  ઊઠો છો!

દિવાળીનો તહેવાર  એકદમ નજીક આવી ગયો છે. અને આ પરંપરાગત તહેવારમાં પરંપરાગત પોશાક એવી સાડી કરતાં વધુ સારો પોશાક  બીજો કયો હોઈ શકે? આજકાલ સાડી પહેરવી કંટાળાજનક બાબત રહી નથી કે નથી કોઈને તે ભારે પોશાક લાગતો. બજારમાં પણ જોશો તો ભાતભાતની સાડીઓથી દુકાનો ભરેલી હશે. સાડીઓ પહેરવાની  સાથે દીવાઓના  પ્રકાશમાં ભારતીય નારી પણ ઝળહળી ઊઠે છે. ચાલો, દિવાળી નિમિત્તે  જોઈએ, સાડીમાં  કઈ કઈ નવી ડિઝાઈન છે.

જરીવારી સાડી: જરીવાળી સાડી ક્યારેય જરીપુરાણી નહીં થાય! ઝગમગતા દીવાઓમાં જરીવર્કથી ઝગમગતી સાડી! આહ!  પ્રિન્ટ્સ ચલણમાં  છે આથી સોનેરી પ્રિન્ટ, જરદોજી, સિકવન્સ અને બીડ્સ વર્કવાળી સાડી પસંદ કરી શકાય છે. ભરતકામવાળા ફેબ્રિક સાથેનો પાલવ સુંદર જરી સાથેની ભરતકામવાળી સાડીને ઓર સુંદર બનાવશે.

ચિકન એમ્બ્રોઈડરીવાળી સાડી: જો તમે  સાદો છતાં મારક દેખાવ મેળવવા માગતાં હો તો ચિકન એમ્બ્રોઈડરી વર્ક સાથેની સાદી સાડી  પસંદ કરો.  પાર્ટી માટે હેન્ડ એમ્બ્રોઈડરીની સાડી સારી છે. દિવાળીમાં રાત્રે બ્રાઈટ કલરની સાડી પસંદ કરો અને દિવાળીપૂજા માટે પેસ્ટલ કલર. બ્લાઉઝ સાદુ છતાં ટ્રેન્ડી પહેરો. ડિઝાઈનર નેક અને ભલે બૅક   હોય પણ સિક્વન  કે અન્ય ભારે વર્કવાળું બ્લાઉઝ ન પહેરશો, કેમ કે  નહીં તો ચિકન સાડીનોે  ઉઠાવ નહીં આવે.

સિક્વન એમ્બ્રોઈડરીવાળી સાડી: બિનપરંપરાગત રંગો જેવા કે કથ્થાઈ સાથે લીલો, માં  ભારે પાલવ પર ફૂલોના  ભરતકામવાળી પ્રિન્ટેડ સાડી ખૂબ જ સુંદર લાગી શકે. પાલવ પર સિકવન વર્ક તેને વધુ સુંદર બનાવશે. પણ હા! સાથે બ્લાઉઝ પર સિક્વન વર્ક કરાવવાનું  ભૂલતાં નહીં.

Tags :