Magazines

શિયાળામાં હૂંફદાયક ખાદ્ય પદાર્થો

By GS Team
25 Nov 20193 mins read
This article was originally published on 25 Nov 2019
શિયાળામાં હૂંફદાયક ખાદ્ય પદાર્થો

ઠંડીની મોસમ ભલા કોને ન ગમે! આ મોસમની સુંદરતા મનમોહક હોય છે, પરંતુ બદલાતી મોસમની સીધી અસર આપણા શરીર પર પડે છે. આ મોસમમાં ઠંડી હવાથી પોતાને બચાવવા માટે આપણે ગરમ ઊનનાં વસ્ત્રોની હૂંફ લઈએ છીએ. ગરમ ઊનનાં વસ્ત્રો આપણને  ગરમ તો રાખે છે, પરંતુ તે માત્ર બહારથી ગરમી પ્રદાન કરે છે, જ્યારે શિયાળામાં શરીરને અંદરથી પણ ગરમ રાખવું જરૂરી છે.

શરીરને અંદરથી ગરમ રાખવા માટે આપણે યોગ્ય ખાદ્યપદાર્થો લેવાં જોઈએ. શિયાળામાં નિયમિત ભોજન સિવાય કેટલાંક બીજા ખાદ્ય પદાર્થોનું સેવન પણ કરવું જરૂરી હોય છે, જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. આથી શિયાળાની ઠંડી સહન કરવાની તાકાત વધારે છે.

ડાયટિશિયન અલ્પના અનુસાર, આપણે આપણી ખાણીપીણી પર ધ્યાન આપીને ઠંડીમાં શરીરને ગરમ રાખી શકીએ છીએ. આપણા ભોજનમાં આપણે એવા ખાદ્ય પદાર્થોનો સમાવેશ કરીએ જેમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય અને જે શરીરને ગરમી પ્રદાન કરે. શિયાળામાં આપણે આપણા ભોજનમાં નીચેની વસ્તુઓનો સમાવેશ કરી શકીએ:

મેથીના લાડુ અને શીરો
શિયાળામાં મેથીના લાડુ અને શીરો શરીરને એનર્જી પ્રદાન કરે છે. તમે દિવસમાં એક લાડુનું સેવન કરી શકો છો. તે ઠંડીથી બચવાનો સારો ઉપાય છે. જો તમે વધારે શારીરિક શ્રમ કરતાં હોય તો બે લાડુ ખાઈ શકાય છે. જો તમે આખો દિવસ ઓફિસમાં બેઠાં બેઠાં કામ કરતાં હોય તો એક લાડુ જ તમારા માટે પૂરતો રહેશે.

સૂપ 
જો તમે બપોરે કે રાત્રિના સમયે ભોજનમાં સૂપનો ઉપયોગ કરો તો તે પણ તમને ગરમી પ્રદાન કરે છે. તમે ફિશ, ચિકન, મટન વગેરેનો સૂપ બપોરે કે રાત્રિના સમયે  લઈ શકો છો.

જો તમે શાકાહારી છો તો વેજિટેબલ સૂપનું સેવન કરવું. પાલકના સૂપમાં ટામેટાં, આદું, લસણ વગેરે મિક્સ કરીને તમે સૂપને વધારે ટેસ્ટી બનાવી શકો છો. તેવી રીતે તમે બીજાં લીલાં શાકભાજીનાં સૂપ પણ બનાવી શકો છો.

સૂકા મેવા (ડ્રાય ફ્રૂટ્સ)માં ભરપૂર માત્રામાં પૌષ્ટિક તત્ત્વો હોય છે. તે શરીરને શક્તિ પ્રદાન કરે છે. શિયાળામાં સવારે નાસ્તાની સાથે થોડો સૂકો મેવો લેવાથી શરીરમાં ગરમીનો સંચાર થાય છે. જેમ કે બદામ, કાજુ, અખરોટ, મોટી કિસમિસ એ બધો મેવો શિયાળામાં તમારા શરીરને અંદરથી ગરમ રાખવાનું કામ કરે છે. તમારાં બાળકોને તમે મેવાનું સેવન કરાવી શકો છો, પરંતુ નાનાં બાળકોને બદામ ખવડાવતાં પહેલાં બદામ પાણીમાં પલાળી રાખવી. તેનાથી બદામમાં રહેલી ગરમી નીકળી જાય છે. સૂકો મેવો તમે દરેક મોસમમાં ખાઈ શકો છો. તમને ગમે તો મેવાને ઝીણો ઝીણો કાપીને તેને શેકેલા રવામાં મિક્સ કરીને ખાઈ શકો છો.

આમળાં 
આમળાં શરીરને ગરમ રાખે છે. આમળાંનો તમે મુરબ્બા તરીકે ઉપયોગ કરી શકો છો. તે સિવાય આમળાનું અથાણું, જ્યૂસ કે આમળાંની કેન્ડી બનાવીને સેવન કરી શકાય છે.

તલની પંજરી
તલ ઘણા ગરમ હોય છે. તલનું સેવન તમે પંજરી તરીકે કરી શકો છો. તેમાં લોટ, તલ અને બૂરું ખાંડને મિક્સ કરીને પંજરી બનાવી તેને એક બરણીમાં મૂકી રાખો. રોજ તેનું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક રહેશે.

બજારમાં અનેક એવા ખાદ્ય પદાર્થો મોજૂદ હોય છે જે તમારા શરીરને ગરમ રાખવામાં સહાય કરે છે. જે લોકોને ઘરમાં આવી વસ્તુઓ બનાવવાનો સમય નથી મળતો તેઓ બજારમાં મળતી રેડી ટૂ ઈટ પ્રોડક્ટસ ખરીદીને તેનું સેવન કરી શકે છે. તમારે સેવન કરતાં પહેલાં ડબ્બા, બોટલ વગેરે પર લખેલી સૂચનાને ધ્યાનથી વાંચી લેવી.

પંજરીના લાડુ
પંજરીના લાડુ શરીરને તાકાત અને ગરમી  આપે છે. ભોજન કર્યા પછી તમે પંજરીના લાડુ સ્વીટ ડિશ તરીકે લઈ શકો છો.