સ્વસ્થ રહેવું છે? તો મન અપેક્ષામુક્ત રાખીએ... .

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
ચપ્પુ !!! શાકને સુધારવામાં પણ એનો ઉપયોગ થઈ શકે છે અને કોઈને ઇજા પહોંચાડવા માટે યાવત્ મારી નાંખવા માટે પણ એનો ઉપયોગ થઈ શકે છે. બસ, આપણને સૌને મળેલું મન પણ બરાબર આ ચપ્પુ જેવી જ વિશેષતા ધરાવે છે. એના ઉત્તમ ઉપયોગ દ્વારા આપણે આપણું જીવન ઉત્તમ પણ બનાવી શકીએ છીએ અને અધમ ઉપયોગ દ્વારા આપણું જીવન અધમ પણ બનાવી શકીએ છીએ. જો આપણે ઉત્તમતાના આશિક છીએ, તો સૌપ્રથમ મનની વિચિત્રતાઓ અને વિશિષ્ટતાઓને જાણી લેવી જોઈએ. એટલે જ ગતલેખથી આપણે પ્રારંભ્યો છે મનની વિલક્ષણતાઓનો વિચાર. જેમાં આજે આપણે કરીશું મનની દ્વિતીય વિલક્ષણતા ઉપર વિમર્શ :-
(૨) મન અપેક્ષાશીલ છે :- મેદાનમાં ઊભા રહીને ખુલ્લા આકાશને નીરખીએ તો આપણને ચોક્કસ એવો અહેસાસ થશે કે આકાશનો ક્યાંક અંત નથી. બસ મનની ઇચ્છાઓ-અપેક્ષાઓનું પણ લગભગ એવું જ છે. એ ઇચ્છાઓનો ક્યારેય અંત આવતો નથી. એક ઇચ્છા મહાપરાણે અનેક પ્રયત્નોથી પૂર્ણ કરીએ ત્યાં નવી અનેક અપેક્ષાઓ મનમાં જાગૃત થઈ જાય એવું અનેકવાર બને છે. સતત અપેક્ષાશીલ રહેવાનાં કારણે બે નુકસાન થાય છે : એક, અપેક્ષા આપણને સુખી થવા દેતી નથી. કેમ કે મનમાં જાગેલી ઇચ્છાઓ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી આનંદ અનુભવાતો નથી. અને બે, અપેક્ષા આપણને નિવૃત્ત થવા દેતી નથી. અપેક્ષા મનમાં હોય તો માણસ પાસે ઘણું બધું હોવા છતાં તેને શાંતિ હોતી નથી. એ સતત પોતાની ઇચ્છાઓ પૂર્ણ કરવા દોડાદોડ કરતો હોય છે અને અપેક્ષા ન હોય ત્યારે માણસ અલ્પસામગ્રીમાં પણ શાંત અને સ્વસ્થ હોય છે... એક પ્રતિષ્ઠિત ભાઈ શંખેશ્વરપ્રભુની યાત્રાએ મિત્ર સાથે જઈ રહ્યા હતા. ઘરમાં ત્રણ દીકરી હતી. મનમાં ચિંતા હતી કે દસેક વર્ષ પછી દીકરીઓના લગ્ન આવશે. એક કરોડથી વધારે રૂપિયાની જરૂર પડશે. વળી એવી કોઈ વિશેષ બચત નથી. તો ત્યારે શું કરીશ ? વિચારમાં ને વિચારમાં ટ્રેનમાંથી વિરમગામ ઉતર્યા. ટેક્સી કરીને શંખેશ્વર જવા નીકળ્યા. વચમાં માંડલ ગામ પાસે નવકારશી (નાસ્તો) કરવા બેઠા. ત્યાં એક ગરીબ માણસ મળ્યો. તેને ચા-નાસ્તો કરાવ્યો અને પછી સો રૂપિયાની નોટ આપવા લાગ્યા. પેલા ગરીબ માણસે રૂપિયા લેવાનો ઇન્કાર કરીને કહ્યું : 'તમે નાસ્તો કરાવ્યો. હવે રૂપિયાની શી જરૂર છે ?' ભાઈએ કહ્યું : 'બપોરે ભૂખ લાગશે ત્યારે શું કરીશ ? એના માટે રહેવા દે.' ગરીબ વ્યક્તિએ ખૂબ સ્વસ્થતાથી અને આનંદથી આનો જવાબ આપ્યો કે 'એની ચિંતા કરવાની મારે જરૂર નથી. કારણ કે શંખેશ્વરદાદાએ હમણાં તમને મોકલ્યા છે. બપોરે કોઈ બીજાને મોકલશે...' એનો નિરપેક્ષ ઉત્તર સાંભળીને ભાઈની પોતાની દીકરીઓ માટેની ચિંતા ઓઝલ થઈ ગઈ. અપેક્ષા-ઇચ્છાઓથી જો આ રીતે મુક્ત બનવું હોય, તો એ માટે ત્રણ વિચારણા કાયમ કરીએ : (૧) અપેક્ષા દુ:ખનું મૂળ છે. કેમકે અપેક્ષાઓ પૂર્ણ ન થાય તો મનમાં દુ:ખ થાય છે. (૨) અપેક્ષા દુર્ગતિનું મૂળ છે. અપેક્ષાઓને પૂર્ણ કરવા મરણિયો પ્રયાસ કરનાર વ્યક્તિ ખોટા વિચારો કરતાં પણ અટકતી નથી અને (૩) અપેક્ષા દુર્ગતિનું મૂળ છે. અપેક્ષા પૂર્ણ કરવા માટે થતા ખોટા પ્રયત્નો દુર્ગતિનું કારણ બને છે. અંતે યાદ રાખીએ આ સંદેશ કે 'સ્વસ્થ અને મસ્ત રહેવું છે ? તો મન અપેક્ષામુક્ત રાખીએ...'









