Magazines

વિવેક ઓબેરોય: મારી માતાના બે શબ્દોએ બધી મુંઝવણ દૂર કરી દીધી

By GS TEAM
16 Apr 20263 mins read
વિવેક  ઓબેરોય: મારી માતાના બે શબ્દોએ બધી મુંઝવણ દૂર કરી દીધી

- 'હું  મારા  જીવનના અને કારકિર્દીના એક તબક્કે સમસ્યાઓથી ઘેરાઇ ગયો હતો. મારી જનેતાના ખોળામાં માથું નાખીને બાળકની જેમ રડયો  હતો. માએ મારા માથા પર હાથ ફેરવ્યો અને મને રડવા દીધો...'

સાયન્સ અને ટેકનોલોજીના આધુનિક યુગની સીધી અને વ્યાપક અસર હિન્દી ફિલ્મ જગતને પણ થઇ છે.  ફોડ પાડીને કહીએ તો બોલિવુડનાં કલાકારો આજના સંદેશા વ્યવહારની આધુનિક સુવિધાનો બહોળો ઉપયોગ કરે છે.  સોશિયલ મિડિયા પર બહુ સક્રિય રહે છે. 

બોલિવુડના બીગ બી એટલે કે અમિતાભ બચ્ચન તો  તેમના બ્લોગ માટે  બહુ જાણીતા  છે. અન્ય કલાકારો પણ સોશિયલ  મિડિયા પર પોતાના વિચારોનું   આદાનપ્રદાન કરે છે.  દેશ-પરદેશમાં બનતી ઘટનાઓ વિશે પોતાનો અભિપ્રાય કે સંવેદના વ્યક્ત કરે છે. બોલીવુડના મહેનતુ અને પ્રતિભાશાળી અભિનેતા વિવેક ઓબેરોયે હમણાં  સોશિયલ મિડિયા પર  પોતાની કારકિર્દીના જબરા પડકારરૂપ તબક્કા વિશે  પોતાની મુંઝવણ વ્યક્ત કરી છે. સાથોસાથ તે કઠીન  સમયે પોતાની માતાના શબ્દોએ કેવો સધિયારો આપ્યો  તેની કબૂલાત પણ કરી છે. 

હિન્દી ફિલ્મ જગતના  મહેનતુ અને પ્રતિભાશાળી અભિનેતા    વિવેક ઓબેરોયે (સાચું નામ વિવેકાનંદ છે) સોશિયલ મિડિયા પર  સંવેદનશીલ  પોસ્ટ રજૂ કરી છે. લખ્યું છે:  હું   બોલિવુડમાં એક તબક્કે   બહુ બહુ કપરા સમયમાંથી પસાર થઇ રહ્યો હતો.ઘણો મુંઝયો હતો. મારા જીવનનો તે  જબરો પડકારરૂપ તબક્કો હતો. મને  હતાશાએ ઘેરી લીધો  હતો. શું કરવું, ક્યાં જવું, કોને કહેવું તેની સૂઝબૂઝ નહોતી.  હું   દુનિયાની દ્રષ્ટિએ તો  જીવતો હતો પણ મન- હૃદયથી સંપૂર્ણ વેરવિખેર થઇ ગયો હતો. હિન્દી ફિલ્મ જગતના પ્રતિભાશાળી અને પ્રભાવશાળી અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર વિવેક ઓબેરોયની ફિલ્મ કારકિર્દીની શરૂઆત બહુ સફળ રહી છે. 

મારા તે મુશ્કેલ સમયમાં મારી વ્હાલી માતા યાદ આવી ગઇ. હું  આમ પણ મારી બધી વાત મારી માતાને કહું છું. બાળપણથી લઇને આજે હું બોલિવુડનો અભિનેતા બની ગયો છું ત્યાં સુધી મારી માતા મારા જીવનની સૌથી પહેલી અને શ્રેષ્ઠ ગુરુ બની રહી છે. 

સાથિયા, મસ્તી, કાલ,  શૂટઆઉટ  એટ લોખંડવાલા, ક્રીશ -૩,  ઓમકારા, વગેરે ફિલ્મોમાં  મજેદાર પાત્રો જવાનારો   વિવેક  ઓબેરાય પોતાનું દિલ   ખોલીને કહે છે: હું  એક દિવસ મારી માતા પાસે ગયો. મારી માતાના ખોળામાં માથું મૂકીને બાળકની જેમ રડયો. મારી મા એ શાંતિથી મારા માથા પર હાથ ફેરવ્યો. મને રડવા દીધો. મને  મારી મમ્મીએ  થોડી ક્ષણો બાદ પૂછ્યું, બેટા શું થયું ? કેમ આટલો બધો રડે છે ? મેં મારી મમ્મીને  બધી મુંઝવણ અને સમસ્યાઓ વિશે કહ્યું. સાથોસાથ એમ પણ કહ્યું, મમ્મી, આ બધું ફકત  મારી જ સાથે શા માટે થાય છે ? મારાથી એવી તે કઇ ભૂલ , પાપ, અપરાધ થયો છે   કે મારી સામે આટલી બધી સમસ્યાઓ  આવી  છે  ? 

 મને બરાબર યાદ છે કે મારી  માતાએ મારી મુંઝવણ અને ઝાઝી બધી ફરિયાદો શાંતિથી સાંભળી. ત્યાર બાદ મારા માથાના વાળ પકડીને  કહ્યું, દીકરા, તને શ્રેષ્ઠ અભિનેતા તરીકે એવોર્ડ્ઝ મળતા હતા. ચારે તરફ તાળીઓના ગડગડાટ થતા હતા. અભિનંદનની વર્ષા થતી હતી. તેં   તારા સફળતાના તે ઝળહળતા દિવસોમાં તારી જાતને પૂછ્યું હતું કે આ બધા એવોર્ડ્ઝ, અભિનંદન, વાહ વાહ મને જ શા માટે મળે છે ?   બસ, મારી માતા આ બહુ   થોડાક  પણ ભારોભાર અર્થપૂર્ણ  શબ્દો મારા હૃદય સુધી પહોંચી ગયા. મારી જનેતાના તે શબ્દોમાં જીવનનો સાવ સાચુકલો અનુભવ છલકાતો હતો. તે શબ્દોએ ખરું કહું તો મારા પર જાદુ કર્યો. એમ કહો   કે   જબરો ચમત્કાર કર્યો. મારી બધી મુંઝવણ, સમસ્યા ક્ષણભરમાં અદ્રશ્ય થઇ ગઇ. મને માનવીના જીવનનું સત્ય સમજાઇ ગયું.  જીવવાની અને બોલીવુડમાં કામ કરવાની નવી ચેતના મળી ગઇ. મારો આત્મવિશ્વાસ ફરીથી બુલંદ થયો. 

 મને હવે બરાબર સમજાય છે કે  સમગ્ર વિશ્વમાં  ફક્ત માતા એવું પાત્ર છે  જે  તેનાં સંતાનોનાં મન-હૃદય વાંચી શકે છે, સમજી શકે છે. પોતાનાં વ્હાલાં દીકરા -દીકરીનાં સુખ માટે જીવે છે. હું આ સત્ય બરાબર સમજી શક્યો છું. એટલે જ કહું છું, ભગવાન તેના દિવ્ય સ્વરૂપમાં દરેક ઘરે પહોંચી શકતા નથી. એટલે જ તો ઇશ્વરે પોતાના સ્વરૂપમાં  પ્રત્યેક ઘરમાં એક  માતાનું સર્જન કર્યું છે.