Magazines

બચુડિયાનો બુરો અંજામ

By GS Team
21 Mar 20204 mins read
This article was originally published on 21 Mar 2020
બચુડિયાનો બુરો અંજામ

બચુડિયાએ વિચાર્યું, મને આજે ભુખ્યો રાખવાના મુળમાં વાંદરાનો હાથ છે. જો એણે હૂપ હૂપ કર્યું ના હોત તો હરણાં ભાગત નહીં - સઘળી ફસાઈનું મૂળ વાંદરો છે

બચુડિયો નામનો એક વાઘ હતો. જંગલમાં પહેલા એની કશી રંજાડ ન હતી. જે શિકાર મળે એને કરી લેતો. ક્યારેક કોઈ પ્રાણી જો દયાની યાચના કરેતો જવા દેતો. એ એનો સારો ગુણ હતો. જાતે ભૂખ્યો રહીને પણ અન્યને જવા દેતો. ક્યાંક એનો આ ગુણને જંગલના પ્રાણીઓ એની નિર્બળતા માનવા લાગ્યા હતા. ફળ સ્વરૂપ એ દિવસો પણ નજીક આવી ગયા હતા કે એને સળંગ ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી ભૂખ્યા પણ રહેવું પડયું.

પોતે એક તરફ શક્તિશાળી હોવા છતાંય પોતે હાથે કરીને ઊભી કરેલી સ્થિતિ-દશાના લીધે ખૂબ જ પસ્તાવો કરતો હતો - પણ આખરે થાય શું ?

એક દિવસ એને જબ્બર ભૂખ લાગી હતી અને કોઈ શિકાર નજરે આવતો ન હતો. એ વિચાર કરતો કરતો આગળ નીકળ્યો. ત્યારે છ સાત હરણ જોયાં. બચુડિયાએ વિચાર્યું - લાવ હું હુમલો કરું અને એકાદાને મારો ખોરાક બનાવી દઉં... પણ એમ કરવા જતાં જ પડખેના એક ઝાડ પર બેઠેલા વાંદરાએ હૂપ હૂપ-હીક હીક કરીને હરણાંને સાવધાન કરી દીધાં. આ તરફ હરણાં ભાગી ગયાં અને વાઘને ભૂખ્યા રહેવાનો વારો આવ્યો.

બચુડિયાએ વિચાર્યું, મને આજે ભુખ્યો રાખવાના મુળમાં વાંદરાનો હાથ છે. જો એણે હૂપ હૂપ કર્યું ના હોત તો હરણાં ભાગત નહીં - સઘળી ફસાઈનું મૂળ વાંદરો છે. એ સાથે બચુડિયાએ આગળનું પણ વિચાર્યું. જ્યાં સુધી જંગલમાં વાંદરાઓ હશે ત્યાં સુધી મારા હાથમાં શિકારને આવવા દેશે નહીં. મારે જંગલમાંથી વાંદરાઓનું નિકંદન કાઢવું પડશે.

બચુડિયાએ વિચાર્યું - એ સાથે એણે ઝાડ પર ચઢવાનું પણ શીખી લીધું. જેથી ઝાડ પર બેઠેલા-ચડી જતાં વાદરાને આસાનીથી મારી શકાય. શિકાર કરી શકાય.

હૂપ હૂપ હીક હીક કરીને હરણાને સાવધ કરનારો એ વાંદરો એ દિવસે તો બચી ગયો પણ બચુડિયાએ લીધેલા એના સંકલ્પ મુજબ બીજા દિવસથી વાંદરાઓનું નિકંદન કરી નાખવાનો આરંભ કરી દીધો. પહેલા દિવસે બે બીજા દિવસે બે.. બે દિવસમાં ચાર વાંદરાઓ ને પૂરા કરી નાખ્યા. ત્રીજા દિવસેય વળી બે ને પતાવી દીધા.

એ જાણે ભૂખને શાંત કરતો તો બીજા છેડે વાંદરાઓ પર દાઝ વાળવા માંડયો હતો. દિવસો પસાર થતા ગયા. જંગલમાં વાત ઊડી કે બચુડિયો તો માત્ર વાંદરાઓનો જ શિકાર કરે છે. બીજા પ્રાણીઓનો નહીં.

આ મામલે-ઝાડની ટોચે રહેવાનો જંગલનાં વાંદરાઓના સરદાર જગાભાઈએ પોતાના સાથીઓને આદેશ આપી દીધો. પોતાના સરદારનો આદેશ માની વાંદરા ઝાડની ટોચે જ રહેતાં. એ બધાને ખબર હતી કે બચુડિયાને ઝાડ પર ચઢતાં આવડે છે. પણ પોતાના ભારે ભડકમ શરીરના લીધે ટોચ પરની પાતળી ડાળી સુધી આવી શકતો નથી. હા. વાદરા ઝાડની પાતળી ડાળી પકડીને લટકી શકતાં હતાં.

એક દિવસતો સરદાર ઝાડની ટોચે પાતળી ડાળે હતો અને નીચે બચુડિયો-જગલાએ પાતળી ડાળ પરથી કહી દીધું - 'એકલાં વાદરાંઓનો જ શિકાર કરવો એ ઠીક નથી'

વાંદરાના સરદારની વાત સાંભળી વાઘનો પિત્તો ગયો. અવાજ કરતાં કહ્યું - 'મારે શું કરવું મારી મરજી - મને શિખામણ આપ મા.. આ જંગલના બધા જ વાંદરાઓનું હું નિકંદન કાઢી નાખવા માગું છું. તું પણ સાવધ રહેજે મારાથી.'

જગલાએ સાંભળ્યું. ફફડી ગયો. ફરી એણે પોતાના બંધુઓને સાવધ રહેવાનો એક નવો આદેશ જારી કર્યો...

એમ તે કંઈ ડરી ડરીને થોડા કંઈ જીવાય - કંઈક કરવું જ જોઈએ.

એક નવ યુવાન વાંદરાએ કહ્યું

'શું કરીશ ભૈ તું ?'

બીજા કોઈ ઘરડાએ સવાલ કર્યો.

'એ તો જોજો...'

એ વાત પછી એ યુવાન વાંદર કોઈ ઝાડ અને એની ડાળીઓે કૂવા પર હોય એવું - એની તપાસ કરતો રહ્યો - આખરે ત્રીજા દિવસે એને એવી જગ્યા મળી ગઈ. એક ઝાડ હતું અને એની ડાળીઓ કુવા પર હતી.

એ યુવાને આખી બાબતને મગજમાં ગોઠવી દીધી. પછી જ્યાં બચુડિયો બેઠો હતો અને લલચાવીને છેક એ કૂવા -અને ઝાડની આગળ લઈ આવ્યો.

હૂપ હૂપ હીક હીક કરી. વાઘ ગિન્નાયો અને યુવાન વાંદરાને મારવા ઝાડ પર ચડયો. આ તરફ યુવાન વાંદરો પહેલા ટોચ પર ગયો... તો વાઘને ગુસ્સો આવ્યો હોઈ ટોચ પર જઈને એને પકડવાનું નક્કી કર્યું... તો વાંદરો નીચે આવ્યો... વાઘ ઉપર અને વાંદરો નીચે...

વાંદરાએ વાઘને નીચે આવતો જોઈ દાંતીયા કર્યા.. હૂપ હૂપ હીક હીક કરી- વાઘને ગુસ્સો તો આવ્યો હતો એમાં વધારો થયો. વાંદરો વધુ નીચે ગયો - વાઘ ઉપરથી નીચેની તરફ ઉતરવા તો ગયો પણ -

પણ એનું ભારે ભડકમ શરીર ડાળ સહન કરી શકી નહીં,  એકદમ નીચી ઝુકી ગઈ. વાઘ એનું સંતુલન જાળવી ન શકયો- વાંદરો દૂર હતો-બીજી તરફ બચુડિયો-ભફાંગ કરતોક કૂવામાં પડયો - કૂવો ઊંડો પણ પાણી ભરેલો હતો.

કોણ એને બહાર કાઢે ?

- યુવાન વાંદરાની યુક્તિ સફળ થઈ

- પ્રાણીઓ બોલ્યા - 'હાશ...બલા ટળી'

- વિષ્ણુકુમાર બારોટ