ભગતની પરીક્ષા .
ભગત જાણે ધર્મ સંકટમાં આવી ગયા. એ સાથે ચોર મારા શરણે આવ્યો છે તો બચાવવો જોઇએ... અને એક ચોરને ઘરમાં રાખ્યો ને રાજાને ન જણાવ્યું એનો ગુનેગાર ગણાઉ
ભગત આમેય ઘરની જાળી કદી બંધ કરતા નહીં. અધખૂલી જ રાખતા. તેમના ઘરમાં ચોર ચોરી જાય એવી કોઇ મોંઘી વસ્તુ જ ન હતી
એક ભગત હતા. દિવસ રાત ભગવાનની ભક્તિમાં ડૂબેલા રહેતા હતા. પરિવાર ગણો કે જે ગણો એ એમની પત્ની કનક... ભગતના ભગત વેડાને લીધે બેય છોકરાંને લઇને ક્યાંક ચાલી ગઇ હતી. આ મામલે ઘણાએ ભગતને કહેલું પણ ભગતે તો પોતાના દાંત દેખાડતાં સામે કહ્યું હતું 'એ ગઇ તો ગઇ, મેં કંઇ એને કાઢી મૂકી નથી. હજુય આ ઘરનાં બારણાં એના માટે ખુલ્લાં છે. આવી શકે પણ હું મારા ભગવાનની ભક્તિને ક્યારેય છોડવાનો નથી.'
આ વાતની રાજાને જાણ થયેલી ત્યારે રાજાએ ભગતની દયા ખાતાં જણાવેલું કે 'ભગતબાપા ઘરવાળી ક્યાંક જતી રહી છે. તમને ઘરના કામની અને બેય ટાઇમના રોટલાની રપત (તકલીફ) પડતી હશે... તો તમારે બેય વખત અહીં રસોડે આવીને જમી જવું.. પછી ભગતી કરે રાખવી.' રાજાએ કહેલું પણ ભગતે ના પાડી હતી.
ફળ સ્વરૂપ ભગતની પાસ પડોશમાં રહેતા લોકો એમને જમવાનું આપી જતા અને આમ એમનું જીવન પસાર થતું હતું. ભગત મનોમન વળી રાજી પણ રહેતા હતા. કેમ કે જો પત્ની હોત તો આ લાવો અને તે લાવો... આમ કરો ને તેમ કરો.
ભગત પોતાના ઘરમાં તો ભગતી - ભક્તિ કરતા હતા પણ સાથે સાથે કોઇ એમને ભજન ગાવા બોલાવે તો પણ જતા. ભજન પતી ગયા પછી એમને નાણાં મળતાં ભોજન મળતું... આમે પાછો એ ભગતનો જીવ સંતોષી હતો. મળ્યું તોય શું અને ન મળ્યું તોય શું ?
ભગતની છાપ જેમ રાજા પાસે સારી હતી એમ જ્યાં રહેતા હતા ત્યાં પણ સારી હતી.
ભગત રોજ સવારે વહેલા ઊઠતા. ઘરનું કામકાજ પતાવને માળા કરવા બેસી જતા. જેવો સવારનો માળા ફેરવવાનો ક્રમ હતો એવો જ ક્રમ સાંજનો હતો. જે દિવસે કોઇ સંજોગ હોય અને માળાઓ ના ફેરવાઇ હોય તો સાંજે કે રાત્રે માળા કરવા બેસી જતા.
- જીવન જાણે ભગવાનમાં જ જોડી દીધું હતું.
ક્યારેક કોઇ અદેખો - એવો કોઇ માણસ ભગતને કહેતો - પૂછતો 'પૂનમજી... ચંદુજી... રતનજી... માણસો ભગતને જાતજાતનાં નામે બોલાવતા પણ ભગતને એનો કશો રંજ ન હતો. એ તો હસી વાળતા.
એક દિવસ - એવા સંજોગો સર્જાયા કે ભગતની તબિયત કંઇક નરમ ગરમ થઇ ગઇ હતી. ફળ સ્વરૂપ એમનાથી માળાઓ ના થઇ. તેથી દીવાના પ્રકાશમાં રાત્રે માળા ફેરવવા બેઠા ત્યારે જાળી એમની અધખૂલી હતી. ભગત આમેય ઘરની જાળી કદી બંધ કરતા નહીં. અધખૂલી જ રાખતા.
તેમના ઘરમાં ચોર ચોરી જાય એવી કોઇ મોંઘી વસ્તુ જ ન હતી. ગણતરીનાં વાસણ હતાં અને ગણતરીનાં વળી કપડાં હતાં. જ્યારથી પત્ની ચાલી ગઇ હતી ત્યારથી જેને જે જોઇએ એ આપી દેતા હતા. ભગતને એમ હતું ઘરમાં જો ઝાઝુ હશે તો સાચવવાની જવાબદારી પણ ખરી.
એ દિવસે ભગતે સાંજની માળાઓ કરી ન હતી તેથી કરવા બેઠા હતા. રાત આગળ ને આગળ વધતી હતી. લોકો ઊંઘવા લાગ્યા હતા અને બહાર કૂતરાં ટૌવાર (રડતાં - ભસતાં) કરતાં હતાં... પણ એ તરફ ભગતનું ધ્યાન ન હતું. એ તો માળાઓમાં મસ્ત અને વ્યસ્ત હતા.
ત્યાં તો - બહારથી કોઇએ જાળીને ધક્કો દીધો. જાળી ખૂલી ગઇ એ સાથે જ કાળાં કપડાં અને કાળી - મોં પર બુકાની બાંધીને એ આદમી અંદર ઘૂસી આવ્યો. આ તરફ ભગતની માળામાં ભંગ પડયો. ભગત એ સાથે સ્વાભાવિકપણે ડરી ગયા.
ત્યાં તો આવેલા એ વ્યક્તિએ જાતે જ જાળી બંધ કરી દીધી. ભગતે જોયુ. ભય આવી ગયો હોઇ હાથમાંથી માળા અને ભગવાનનું નામ છૂટી ગયું. ભગત કંઇ પૂછે એ પહેલાં જ એ માણસે કહ્યું 'હું રંગો ચોર છું. ચોરી કરી રહ્યો છું. આજે ચોરી કરીને આપ મને બચાવો બસ.. આટલું તમારી પાસેથી ઈચ્છું છું.'
એણે કહ્યું એ સાથે જ રંગો ચોર છેક ભગત પાસે આવ્યો. આ તરફ ભગત જાણે ધર્મ સંકટમાં આવી ગયા. એ સાથે ચોર મારા શરણે આવ્યો છે તો બચાવવો જોઇએ... અને એક ચોરને ઘરમાં રાખ્યો ને રાજાને ન જણાવ્યું એનો ગુનેગાર ગણાઉ.
એક તરફ સમય પસાર થઇ રહ્યો હતો. બીજી તરફ ચોર પોતાને બચાવવાની વાત કરતો હતો. આખરે ચોરે પોતાના ઘરની પાછળની બારી ખોલી દીધી - ચોરને ભાગી જવા કહ્યું. ચોર પણ ભાગી ગયો. પોતાની સાથે એક પોટલી હતી એ ત્યાં છોડી ગયો.
- સવાર થઇ.
- ભગતને રાતની ઘટના યાદ હતી. બારી જે બહારની તરફ ખૂલતી હતી ત્યાં ચોરે છોડેલી પોટલી જોઇ... એ લીધા. અંદર બાંધેલા સિક્કા રણક્યા એ સાથે જ ભગતે કહ્યું - 'મારે સિક્કાને વળી શું કરવા છે ?'
એ તો સીધા રાજા પાસે ગયા એ રાજાને આપ્યા. રાજા હસ્યો... બોલ્યો 'ભગતજી હું તમારી પરીક્ષા કરતો હતો. આવેલો એ ચોર મારો સૈનિક હતો.' ને ભગતની પ્રતિભા ખીલી ઊઠી.
- વિષ્ણુકુમાર બારોટ