વર્ચ્યુઅલ દુનિયા અને અભરખાં ટીનએજર્સને બરબાદ કરી રહ્યા છે

- રિલેશનના રિ-લેશન- રવિઇલા ભટ્ટ
- સોશિયલમીડિયા, વેબ સિરિઝો, ફિલ્મો અને અન્ય માધ્યમોએ ટીનએજર્સ અને યુવાનોની માનસિકતા જ વિકૃત અને હિંસક કરી નાખી છે. ગલીએ ગલીએ પુષ્પાઓ અને રોકી ભાઈઓ રખડે છે જે રોફ જમાવવા, સ્ટાઈલ મારવા કે પછી છવાઈ જવા માટે ગમે તે કરી નાખતા હોય છે અને પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે. આપણા રોલમોડલ કેવા બનાવવા તે પહેલાં શિખવું પડશે.
સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ, વિવિધ વર્ચ્યુઅલ અને સ્માર્ટ એપ્સ જેવી સવલતો વધતી ગઈ તેમ તેમ નવી પેઢીનું બાળપણ, કિશોરાવસ્થા, યુવાવસ્થા બધું જ બરબાદ થવા લાગ્યું છે. આ એક એવું નગ્ન સત્ય છે જે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ પણ તેમાં રતીભર પરિવર્તન થવાનું નથી. ફોન થતી સ્માર્ટ થવાની ઘેલછાએ લોકોને બરબાદ કરવાનું શરૂ કરી દીધું છે. વિવિધ એપ્સ ઉપર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવતા નગ્નતાના નાચ, બેફામ ગાળો દેવી, હિંસક કામગીરી કરવી, સ્ટન્ટ કરવા, ગાળો બોલીને કુલ દેખાવું, બિભત્સ જોક કરવા જેવી ઘણી પ્રવૃત્તિઓ છે જેણે સમાજને માનસિક ગંદકીના ઉકરડા તરફ ખેંચી જતા વાહિયત ઈન્ફ્લુઅન્સર્સના જમાનામાં લાવીને મુકી દીધા છે. નિર્દોષ આનંદ, સાચી માહિતી, વિકાસની વાતો, માર્ગદર્શન આપતા લોકો પણ આવા જ માઘ્યમો ઉપર મળી જાય છે પણ આજની યુવા પેઢીને તે ગમતું નથી.
રાતોરાત પ્રસિદ્ધિ મેળવવા તેઓ કંઈપણ કરવા તૈયાર થઈ જાય છે. તેના કારણે મોબાઈલ અને ટેબલેટ થકી સમાજમાં જે દૂષણ વધ્યું છે તેનો કદાચ અંત હવે શક્ય જ નથી. આ ટેકનોલોજી નામનો ભસ્માસુર હવે આપણા જ માથે હાથ મુકી રહ્યો છે. થોડા સમય પહેલાં મારો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ ટીનએજર્સ સ્ટન્ટ કરતા હતા અને મારો ભોગ લેવાઈ ગયો. લોકોનો સવાલ હતો કે, છોકરાઓ સામે પોલીસ કેસ કર્યો કે નહીં. હવે ૧૨-૧૩ વર્ષના છોકરાઓ સામે પોલીસ કેસ કરવાથી શું ફાયદો. જાહેરમાં થોડા તતડાવ્યા અને જવા દીધા. મને થયેલી પીડા કે તેમને થયેલા ક્ષણિક અફસોસ સિવાય આ ઘટનામાં કશું જ નહોતું. તેઓ બીજી મિનિટ તો હસતા રમતા પાછા પોતાના વાહન લઈને ભાગી ગયા. આ જે માનસિકતા વિકસી રહી છે તે જોખમી છે.આજના યુગમાં મોબાઈલમાં વિવિધ એપ્સ અને ઓટીટી થકી જે ભયાનક રીતે વલ્ગર, બિભત્સ, ગંદકીથી ભરેલું, હિંસાથી ભરેલું, ડ્રગ્સ, દારૂ, રેવ પાર્ટી, સેક્સ અને સમાજની બધી જ બદીઓને રંગીન કરીને રજૂ થતું કન્ટેન્ટ આ ટીનએજર્સને બગાડી રહ્યું છે. આ જ બગડેલા ટીનએજર્સને રજૂ કરતી પાછી નવી ફિલ્મો અને સિરીઝ આવા જ માધ્યમો ઉપર આવે છે. લોકો જૂએ છે અને ચર્ચા કરીને ભુલી જાય છે.
દેશ અને દુનિયામાં ટીનએજર્સ દ્વારા કરાઈ રહેલા ગુનાઓનું પ્રમાણ અતિશય વધી ગયું છે. આ વિશે દુનિયામાં ચિંતા વધી રહી છે. ભારતની જ વાત કરીએ તો અહીંયા પણ ટીએનજર્સ દ્વારા થતા ગુનામાં વ્યાપક વધારો થયો છે. તાજેતરમાં જ એક કેસ ચર્ચામાં આવ્યો હતો જેમાં કર્ણાટકના હુબલમાં ૧૩ વર્ષના એક છોકરીએ ચીપ્સ મુદ્દે વિવાદ થતાં ૧૫ વર્ષના છોકરાને ચપ્પુ હુલાવી દીધું હતું. તેવી જ રીતે ચેન્નઈમાં તો સામૂહિક બળાત્કારનો જઘન્ય કિસ્સો સામે આવ્યો હતો. ચેન્નઈમાં ૧૩ વર્ષની કિશોરી ઉપર ૧૨ લોકોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો જેમાં સાત ગુનેગારો ટીનએજર હતા. આવા તો અનેક કિસ્સા બને છે અને કદાચ તેમાં વધારો થશે પણ ઘટાડો થવાની હાલની શક્યતા તો દેખાતી નથી.
થોડા સમય પહેલાં આવેલા યુકેના એક ઓટીટી શોની. આ સિરીઝનું નામ હતું એડોલેસન્સ. આ સિરીઝમાં પણ ૧૩ વર્ષના જ એક છોકરાની વાત છે જે પોતાની સાથે ભણતા અન્ય એક ટીનએજરની હત્યા કરી નાખે છે. આ હત્યા ખરેખર થઈ છે, કે નથી થઈ અથવા તો અકસ્માત હતો કે બાકીનું જે હતું તે પણ તેમાં ટીનએજર્સમાં વધી રહેલી ગુનાખોરીને ખૂબ જ સચોટ રીતે બતાવવામાં આવી છે. આપણે ત્યાં પણ આ પ્રકારની ફિલ્મો અને સીરિઝો આવે છે પણ તેમાં ગુનખોરીનું જે ગ્લોરિફિકેશન થઈ રહ્યું છે તેના કારણે સમાજ ઉપર વિપરિત અસર પડી છે. ગલીએ ગલીએ રોકીભાઈ અને પુષ્પા રખડતાં થઈ ગયા છે જે અત્યંત હિંસક માનસિકતા, બીજાને પતાવી દેવાની તૈયારી અને ભયાનક સ્તરને એટીટયૂડ લઈને ફરવા લાગ્યા છે. પડદા ઉપર જોઈને તેનું અનુકરણ અને અનુસરણ કરવાની ઘેલછાં આ પેઢીને બરબાદી તરફ લઈ જઈ રહી છે.
આપણી સ્થિતિ એવી છે કે, આપણે સોશિયલ મીડિયામાં વ્યસ્ત છીએ. આપણા સંતાનો પણ સોશિયલ મીડિયાના એડિક્ટ થઈ ગયા છે. તેઓ જાતભાતના લોકો જોડે કનેક્ટેડ છે. આ લોકોની સાચી માહિતી આપણને ખબર જ નથી. વર્ચ્યુઅલ વિશ્વથી દેખાતા અને જોડાયેલા લોકોની વાસ્તવિકતા આપણા સુધી પહોંચતી જ નથી. તેના કારણે આપણા સંતાનો કોની સાથે જોડાયેલા છે, કોને મળે છે, કોની સાથે વાતો કરે છે, ક્યારે અને કોની સાથે ચેટિંગ કરે છે આપણને ખબર જ હોતી નથી. આ નવી પેઢી ટેકનોલોજી બાબતે એટલી બધી હોંશીયાર છે કે, માતા-પિતાને જાણ થવા જ દેતી નથી અને તેમને બેવકૂફ બનાવ્યા કરે છે. હમણાં તો એવો પણ ટ્રેન્ડ ચાલે છે કે, ટીનએજર્સ અને માનસિક રીતે માઈકઆંગલી આ પેઢી કોરિયન ભાષા શીખી રહી છે જેથી સિક્રેટ ગ્રૂપ ક્રિયેટ કરી શકાય અને માતા-પિતાથી છુપાઈને લાઈફ એન્જોય કરી શકાય. આ વાહિયાત સ્તરનું કલ્ચર મોટા શહેરોમાં ડેવલપ થઈ રહ્યું છે.
બીજી એક બાબત આવે છે, કારણ વગર ખેંચાઈ જવાની અને પછી પીડા અનુભવવાની. હાલમાં ચારે તરફ મોંઘીદાટ સ્કુલો ખુલી છે. વર્ષે ૨૦ હજાર ફીમાં ભણતર આપતી હોય તે સ્કૂલ છોડીને એ જ ભણતર લેવા લોકો વર્ષે પાંચ લાખ ભરવા તૈયાર છે કારણ કે મોટી બ્રાન્ડની ઘેલછા હોય છે. બાળક તેની રીતે તૈયાર થાય છે અને તેની રીતે જ વિકસે છે તે ભુલીને તેને આધુનિકતાની દોડમાં આપણે ધકેલી દઈએ છીએ. અહીંયા શરૂ થાય છે રેગિંગ અને બૂલિંગનું વિષચક્ર. ઘણા બાળકો સ્કૂલેથી ઘરે આવીને માતા-પિતા પાસે આઈફોન, ટેબ્લેટ, લેપટોપ, મોંઘી ગાડીઓની ડિમાન્ડ કરતા હોય છે. મોંઘી સ્કુલોમાં આવતા શ્રીમંત પરિવારોના સંતાનો પાસે આ પહેલેથી હોય છે પણ સુકા વાંહે જે લીલો ખેંચાયો હોય છે તેણે બળવાના વારા આવે છે.
આ બાળકો જ્યારે માતા-પિતા પાસેથી બધું મેળવી શકતા નથી ત્યારે આ નબીરાઓની કુચક્રમાં ફસાય છે. આ ધનિકોના બાળકોના જે ગ્રૂપ હોય છે તેમાં જોડાવા સાહસો કરે છે, ચોરીઓ કરે છે, સીગારેટો પીવે છે, શરાબ પીવે છે, ડ્રગ્સ લેવાનું શરૂ કરે છે. ગર્લફ્રેન્ડ અથવા તો બોયફ્રેન્ડ હોવા જ જોઈએ તેવી માનસકિતા વિકસે અને વકરે છે. ગમતી છોકરીને કે છોકરાને ગર્લફ્રેન્ડ કે બોયફ્રન્ડ કે પાર્ટીમાં જોડે લઈ જવા માટે આ લોકો ગમે તે હદે જવા તૈયાર હોય છે. તેમાંય સોશિયલ મીડિયામાં આ બધા જ ધતિંગો પોસ્ટ કરીને લાઈક્સ મેળવવાનો ઉન્માદ તો ચરમસીમાએ હોય છે. અહીંયા બીજી એક ઘટના એવી પણ બને છે કે, સિનિયર છોકરાઓ જૂનિયરોનું બુલિંગ અને રેગિંગ કરવાની સાથે સાથે બ્લેકમેઈલિંગ કરતા હોય છે. ઘણી વખત છોકરીઓને પણ ફસાવીને તેમનો લાભ ઉઠાવતા હોય છે. તેમના વીડિયો બનાવવા, તેને વાઈરલ કરવાની ધમકીઓ આપવી, અયોગ્ય પ્રવૃત્તિઓ કરાવવી આ બધું જ બને છે. કહેવાતો લબ્ધપ્રતિષ્ઠિતો અને શ્રેષ્ઠીઓ કે પછી કહેવાતા એલાઈટ ક્લાસના લોકો અને સમાજ ભલે નાકના ટેરવા ચડાવીને નનૈયો ભણે પણ આ વાસ્તવિકતા જ્યારે ઘટના બનીને છાપે ચડે ત્યારે જ આપણે સ્વીકારીએ છીએ. તે સમયે ઘણું મોડું થઈ ગયું હોય છે.
સૌથી ભયાનક ઘટના તો એ છે કે, ૧૩-૧૪ વર્ષની ઉંમરે આ લોકો સેક્સુઅલ રિલેશન બંધાવા લાગ્યા છે. ગર્લફ્રેન્ડને કિસ કરવી તો ચણા-મમરા જેવી ઘટના છે. હવે તો સેક્સ્યુઅલ રિલેશન હોવા, વીકેન્ડ એન્જોય કરવું, પાર્ટીઓમાં જવું આ બધું જ કુલ લાઈફનો ભાગ છે.
તેવું ન કરનારા ટીનએજર્સ નાત બહાર ગણાય છે. તેમના માટે સિચ્યુએશનશીપ, બ્રેડ ક્રમ્બિંગ, પોકેટિંગ, સોફ્ટ લોન્ચિંગ, કફિંગ, બેન્ચિંગ, ઘોસ્ટિંગ જેવી ભયાનક રિલેશનશિપ ડેવલપ થઈ રહી છે. માણસની લાગણીઓ, સંબંધો, શરીર બધું જ ડિસ્પોઝેબલ બનાવવા માંડી છે આ પેઢી. તેના કારણે ગુનાખોરી પણ વધી રહી છે.
માત્ર ગુનાખોરી ઉપર જ નજર કરીએ તો ગત વર્ષનો અહેવાલ જ ઘણું બધું કહી જાય છે. ભારતમાં ૨૦૨૩ના આંકડા પ્રમાણે જુવેનાઈલ ક્રાઈમના કિસ્સા ૬,૨૦,૩૫૬ કેસ નોંધાયા છે. ૨૦૨૨માં પણ આ આંકડો સાડા ચાર લાખની આસપાસ હતો. તે વર્ષે ૩૦ હજાર કરતા વધારે નવા કેસ નોંધાયા હતા. તેમાં ૯૧૭ કેસ હત્યાના હતા અને ૧૩૦૦ કેસ હત્યાના પ્રયાસના હતા. આ સિવાયના તમામ કેસોની સંખ્યા તો અલગ અલગ છે. જુવેનાઈલ એક્ટ હેઠળ જે લોકોને સજા કરવામાં આવી તેનો આંકડો પણ ચિંતાજનક છે. ૨૦૨૩માં સજા પામેલા ગુનગારોમાં ૭૫ ટકા ગુનેગારો ૧૬-૧૮ વર્ષની વચ્ચેની ઉંમરના હતા. દેશમાં જુવેનાઈલ ક્રાઈમરેટ ૧ લાખની વસતીએ ૫૩૪ જેટલો છે જે સમાજ માટે અત્યંત ચિંતાજનક બાબત છે.
આપણે સંતાનો તરફ ધ્યાન આપતા જ નથી. તેમને સવલતો આપીએ છીએ પણ સંવેદના સાથે તેમની સાથેના સંબંધો ઓછા કરી નાખ્યા છે. સંતાનો પણ ટેકનોલોજીમાં વ્યસ્ત અને માતા-પિતા પણ તેમાં જ વ્યસ્ત હોય છે. મોટાભાગના ઘરોમાં ટીએનજર્સ પોતાના રૂમમાં ભરાઈ રહેલા હોય છે. તેઓ બહાર આવતા નથી અને અંદર કોઈ જતું નથી. આ ઉપરાંત હાલમાં શહેરોમાં તો મિડલક્લાસ પેટિયું રળવા માટે મજબૂર છે. માતા-પિતા બંને નોકરીઓમાં અને વ્યવસાયમાં વ્યસ્ત હોય છે અને ટીનએજર્સ તેમની ઈચ્છાઓ, કુતુહલતા, અજ્ઞાાનતા અને ઉન્માદ શાંત કરવામાં વ્યસ્ત હોય છે. આ બંધ બારણા પાછળ જ્યારે ગુના થાય છે ત્યારે તેના ટકોરા નહીં પણ પડઘા પડતા હોય છે. સમાજે આ પડઘા સાંભળવાનો અને તેને ઓછા કરવાનો સમય પાકી ગયો છે.
આપણા બાળકોને સાચા ખોટાની સમજ આપણે જ આપવાની છે. વ્યક્તિ ઓળખતા, તેની સાથે કેવો સંબંધ રાખે છે તે સમજતા, કોની સાથે કેવો વ્યવહાર કરવો છે તે સમજતા બધું આપણે જ શીખવવાનું છે. આપણે બાળકને ડરપોક કે પછી ઘરકુકડી નથી બનાવી દેવાનું પણ સાથે સાથે સ્વતંત્રતાના નામે સ્વચ્છંદતાના રસ્તે રખડવા માંડે તેવું પણ થવા દેવાનું નથી. તેની સ્વતંત્રતાને, તેના સ્પેસને, તેની સંવેદનાને મહત્ત્વ આપો પણ સાથે સાથે નિરિક્ષણ રાખવું પણ જરૂરી છે. બાકી આ પેઢી જાતે જ બરબાદ થશે અને પરિવારોને પણ કરી નાખશે.








