શી રીતે ટાળશો હાડકાં-સાંધાની વ્યાધિ
ઓસ્ટિયો પોરોસિસથી બચવા કસરત પણ એટલી જ આવશ્ય છે. ચાહે તમે ઝડપથી ચાલો, જોગિંગ કરો,તરવા જાઓ કે સાઇકલ ચલાવો...
આજની તારીખમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનારી યુવતીઓ પોતાની કારકિર્દીમાં બનાવવા નોકરી કે વ્યવસાય કરે છે. જ્યારે સાધારણ આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારોમાં બે છેડા ભેગાં કરવા પતિ-પત્ની બંને નોકરી કરે છે. તમે ચાહે કોઇપણ કારણસર નોકરી કે વ્યવસાય કરતાં હો, પરંતુ તમને તમારી ઓફિસમાં લાંબા કલાકો બેસી રહેવું પડે છે એ હકીકત સ્વીકારવી જ રહી. લાગલગાટ એક જ જગ્યાએ બેસીને કામ કરનારા મોટાભાગના લોકોમાં ગરદન ,પીઠ કે પગના દુ:ખાવાની સમસ્યા જોવા મળે છે. તબીબો તેને નબળાં પડેલા હાડકાં અને સાંધાની નિશાની ગણે છે.અલબત્ત, એવું નથી કે માત્ર ઓફિસમાં લાંબા કલાકો સુધી કામ કરનારાઓના હાડકાં નબળાં પડે છે. શારીરિક શ્રમનો અભાવ, પોષણ વિનાનો માત્ર સ્વાદિષ્ટ આહાર, ચોક્કસ પ્રકારની બીમારીઓ ઇત્યાદિ પણ હાડકાં-સાંધા નબળા પાડવામાં કારણભૂત બને છે. પરંતુ થોડી કાળજી કરીને તમે તમારા હાડકાં અને સાંધાને સ્વસ્થ રાખી શકો છો. નિષ્ણાત તબીબો તેના વિશે માહિતી આપતાં કહે છે....,
મોટાભાગે અર્થરાઇટિસને કારણે સાંધામાં અને ઓસ્ટિઓપોરોસિસને કારણે હાડકાંની સમસ્યા સર્જાય છે. કાર્ટિલેજ ઘસાઇ જવાથી સાંધામાં પીડા થાય છે. જ્યારેઓસ્ટિઓપોરોસિસની સમસ્યા સામાન્ય રીતે ૫૦થી ૫૫ વર્ષની આસપાસ જોવા મળે છે. આ વયમાં હાડકાં બરડ બની જતાં હોવાથી તેમાં ફ્રેકચર થવાનું જોખમ વધુ રહે છે.તેમાંય જે લોકો બિલકુલ શારીરિક શ્રમ ન કરતાં હોય તેમના હાડકાં-સાંધા ઝાઝા નુક્સાન પામે છે. મહિલાઓમાં મેનોપોઝ પછી ઓસ્ટિયોપોરોસિસનું જોખમ વધે છે. તેથી પ્રત્યેક સ્ત્રી-પુરુષે ૫૦ વર્ષ પછી દર બે વર્ષે એક વખત બોન મિનરલ ડેન્સિટી (બીએમડી)ટેસ્ટ કરાવી લેવું જોઇએ.
ઓસ્ટિયોપોરોસિસથી દૂર રહેવા યોગ્ય આહારવિહાર અત્યાવશ્યક બની રહે છે. તમારા રોજિંદા આહારમાં ડેરી ઉત્પાદનો, સુકો મેવો, ફળો તેમ જ લીલા શાકભાજી પૂરતા પ્રમાણમાં સામેલ કરો. આ પ્રકારના ખોરાકમાં પુષ્કળ પૌષ્ટિક તત્વો રહેલા હોવાથી તે હાડકાં મજબૂત રાખવામાં મદદ કરે છે. આમ છતાં તમારામાં કોઇ ચોક્કસ વિટામીનની અછત હોય તો તબીબના માર્ગદર્શનમાં તેની સપ્લીમેન્ટ લો.
ઓસ્ટિયોપોરોસિસથી બચવા કસરત પણ એટલી જ આવશ્ય છે. ચાહે તમે ઝડપથી ચાલો, જોગિંગ કરો,તરવા જાઓ કે સાઇકલ ચલાવો,પરંતુ કોઇક વ્યાયામ અચૂક કરો. ઘણી મહિલાઓ માને છે કે તેઓ ઘરમાં જ એટલું બધું કામ કરતી હોય છે કે તેમને આપોઆપ કસરત મળી રહે છે. પરંતુ તબીબો કહે છે કે આ તેમની ભૂલ છે. તમારે ખરા હૃદયથી ઓછામાં ઓછી પંદર મિનિટ સુધી કસરત કરવી જોઇએ. કહેવાનો અર્થ એ છે કે જ્યારે તમે વર્કઆઉટ કરો ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન તેમાં જ હોવું જોઇએ.
ધૂમ્રપાન અને આલ્કોહોલ પણ હાડકાં નબળાં પાડવામાં ભૂંડી ભૂૂમિકા ભજવે છે. તેથી આ બદીથી દૂર રહો. આમ છતાં જેમને તેની લત લાગી ગઇ હોય અને તે છોડવાનું મુશ્કેલ હોય તો તેમાં મર્યાદા જાળવો. જેમને મદિરાપાન કરવાની ટેવ હોય તેમણે ૬૦ મી.લિ.થી વધુ આલ્કોહોલ ન લેવું. જ્યારે ધૂમ્રપાન કરનારાઓએ દિવસમાં ચારથી પાંચ સિગારેટ જ પીવી. એવું નથી કે માત્ર સ્મોકિંગ કે ડ્રિંકિંસને કારણે જ હાડકાં નુક્સાન પામે છે. કેફિનનું વધારે પડતું સેવન પણ એટલું જ હાનિકારક પુરવાર થઇ શકે. બહેતર છે કે દિવસમાં બેથી ત્રણ કપથી વધારે ચા કે કોફી ન પીવાં. સામાન્ય રીતે ઓફિસમાં તાણભર્યું કામ કરતાં લોકો વારંવાર થોડી થોડી ચા કે કોફી પીતાં હોય છે. છેવટે બેઠાડુ કામ અને કેફિનનો અતિરેક તેમના હાડકાં ખોખલા કરી નાખે છે.
હાડકાં મજબૂત રાખવામાં વિટામીન 'ડી' મુખ્ય ભાગ ભજવે છે. અને આ વિટામીનનો સૌથી મહત્વનો સ્રોત છે સૂર્યનો કુણો તડકો. જોકે ભાગદોડભરી જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો તેનાથી વંચિત રહી જાય છે. જ્યારે કેટલાંક લોકો મોડી સવારે ઉઠતાં હોવાથી તેનો લાભ નથી લઇ શક્તાં. તબીબો કહે છે કે સવારનો આઠથી દસ વાગ્યા દરમિયાનનો તડકો શ્રેષ્ઠ ગણાય છે. દરેક વ્યક્તિએ દરરોજ ઓછામાં ઓછી પંદરેક મિનિટ સુધી કુણા તડકામાં બેસવું જોઇએ. તેવી જ રીતે વર્ષમાં એક વખત શરીરમાં વિટામીન 'ડી'નું સ્તર કેટલું છે તેની તપાસ કરાવી લેવી જોઇએ. જેમનામાં આ વિટામીનનો અભાવ હોય તેમને તેની સપ્લીમેન્ટસ લેવાની સલાહ પણ આપવામાં આવે છે. પરંતુ તેનો અતિરેક પણ હાનિકારક પુરવાર થતો હોવાથી તબીબના સૂચવ્યા મુજબ જ સપ્લીમેન્ટ્સ લેવાં.
આજે યુવાવર્ગને બાવડેબાજ બનવાનું ઘેલું લાગ્યું છે. યુવાનો જિમમાં જઇને કસરત કરવા સાથે ચોક્કસ પ્રકારની સપ્લીમેન્ટ્સ લઇને બાવડાં ફૂલાવે છે. જ્યારે યુવતીઓ એકવડો બાંધો મેળવવા આડેધડ ડાયટિંગ કરે છે. આ બંને સ્થિતિ હાનિકારક પુરવાર થઇ શકે છે. વગર વિચાર્યે ડાયટિંગ કરતી મહિલાઓ પોષક તત્વોથી વંચિત રહી જાય છે. જ્યારે જિમમાં વર્કઆઉટ કરવા સાથે સપ્લીમેન્ટ્સ લેનારા યુવકોને ઘણી વખત ખબર જ નથી હોતી કે તેમની સપ્લીમેન્ટમાં સ્ટીરોઇડ હોય છે. તબીબો કહે છે કે મૂળભૂત રીતે સ્વસ્થ યુવાનોે જિમમાં જવા લાગે પછી ઘૂંટણ અને પીઠમાં દર્દ શરૂ થયું હોવાની ફરિયાદ કરતાં હોય છે. આનું કારણ હોય છે તેમની સપ્લીમેન્ટમાં રહેલું સ્ટીરોઇડ. સ્ટીરોઇડથી હાડકાં નબળાં પડે છે.
જે લોકો કિડની, ત્વચા કે ફેફસાંની વ્યાધિથી પીડાતા હોય છે તેમના હાડકાં પણ નબળાં પડે છે. આનું કારણ સમજાવતાં તબીબો કહે છે કે આ પ્રકારની બીમારીઓમાં અપાતી ઔષધિઓમાં સ્ટીરોઇડ હોવાથી લાંબા સમય સુધી તેનું સેવન હાડકાં માટે હાનિકારક બની રહે છે. બહેતર છે કે દરેક વ્યક્તિ પોતાના આહારમાં પૂરતા પ્રમાણમાં પ્રોટીન લે. શાકાહારીઓને વિવિધ પ્રકારની દાળ અને ફણગાવેલા કઠોળમાંથી પૂરતા પ્રમાણમાં પ્રોટીન મળી રહે છે.
આપણા વડવાઓ દરરોજ એક શાક અને એક કઠોળ ખાતાં , તડકામાં બેસતા, વાહનોનો ઉપયોગ મર્યાદિત પ્રમાણમાં કરતાં, તેઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ મોટાભાગે ચાલતાં જ જતાં, લીલા શાકભાજી અને ફળો પૂરતા પ્રમાણમાં આરોગતાં, તેમને આચરકૂચર ખાવાની ટેવ નહોતી તેથી તેમના હાડકાં ૮૦-૯૦ વર્ષની વય સુધી મજબૂત રહેતાં. આજે આપણા માટે આ બધું જ કરવું ભલે શક્ય ન હોય, પરંતુ પૌષ્ટિક ખાનપાન અને કસરત કરવા જેટલી કાળજી તો લઇ જ શકાય.
- વૈશાલી ઠક્કર