કેન્સર થવાનું જોખમ ઘટાડતાં ખાદ્ય પદાર્થો
સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે કેન્સરને ખાળી શકે એવો આહાર જગતમાં શોધાયો નથી. પરંતુ પૌષ્ટિક-સંતુલિત આહાર તમને આ જીવલેણ વ્યાધિ સામે વત્તાઓછા અંશે પણ રક્ષણ આપી શકે.
તાજેતરમાં 'કેન્સર રીસર્ચ યુકે' (સીઆરયુકે) એ જણાવ્યા મુજબ સ્થૂળતા ૧૩ પ્રકારના ટયુમરની જન્મદાત્રી છે. આમાં બ્રેસ્ટ કેન્સર, આંતરડા, અન્નનળી, સ્વાદુપિંડ, મૂત્રપિંડ, ગર્ભાશય, અંડાશય ઈત્યાદિના કેન્સરનો સમાવેશ થાય છે. એટલે સુધી કે વધારે પડતો ચરબીયુક્ત ખોરાક લેવાથી માઈલોમા (એક પ્રકારનું રક્તનું કેન્સર) થવાની ભીતિ રહે છે. સંશોધકોએ કહ્યું હતું કે જો દરેક વ્યક્તિ પોતાનું વજન અંકુશમાં રાખે તો યુકેમાં દર વર્ષે ૨૩૦૦૦ લોકોને કેન્સરના સકંજામાં સપડાતા બચાવી શકાય. તેમણે વધુમાં કહ્યું હતું કે કેન્સરને અટકાવવા માટે ભલે કોઈ સુપરફૂડની શોધ નથી થઈ, પરંતુ કેટલીક વસ્તુઓ રોજિંદા આહારમાં સામેલ કરવામાં આવે તો આ જીવલેણ વ્યાધિ સામે સુરક્ષા મળે એ વાત ચોક્કસ. 'અમેરિકન ઈન્સ્ટિટયુટ ઓફ કેન્સર રીસર્ચ' પણ આ વાતને સમર્થન આપવા સાથે કેટલાંક પૌષ્ટિક-સ્વાસ્થ્યવર્ધક ખાદ્ય પદાર્થોની યાદી આપે છે. તેઓ કહે છે કે આ વસ્તુઓ રોજિંદા આહારમાં સામેલ કરવાથી કેન્સર સામે રક્ષણ મળે છે.
* કોફી :
એક અભ્યાસ મુજબ ઈન્સ્ટંટ નહીં, બલ્કે બૂ્ર કોફી પિત્તાશયના કેન્સરનું જોખમ ઘટાડે છે. યકૃતના કેન્સરના દરદીઓમાં ૧૦ માંથી નવ જણ હેપ્ટોસેલ્યુલર કાર્સિનૉમ (કેન્સર)ના શિકાર બને છે. કહેવાનો અર્થ એ છે યકૃતમાં થતાં જુદાં જુદાં પ્રકારના કર્કરોગમાં હેપ્ટોસેલ્યુલર સામાન્ય ગણાય છે. કોફીના બીમાં પોલીફેનોલ્સ, પ્લાંટ કેમિકલ્સ હોય છે જે કેન્સરનાં કોષોનું વિભાજન અટકાવે છે.
* બ્રાઉન રાઈસ :
બ્રાઉન રાઈસ (છડયા વિનાના ચોખા), હોલમીલ બ્રેડ (થૂલું કાઢ્યા વિનાના ઘઉંની બ્રેડ), મકાઈ જેવા ધાન્યોમાં પોલીફેનોલ્સ, પ્લાંટ કમ્પાઉન્ડ હોવાથી તે ચોક્કસ પ્રકારના ટયુમરોનું જોખમ ઘટાડવામાં મદદરૂપ બને છે. આ તત્ત્વો હૃદયરોગ, ટાઈપ-૨ ડાયાબિટિસ સામે પણ રક્ષણ આપે છે. આવા કડધાન્યોમાં રહેલું સેપોનિન નામનું પ્લાંટ કેમિકલ કેન્સરના કોષોના નાશમાં સહાયક બને છે.
* સફરજન :
સફરજનમાં પ્રચૂર માત્રામાં રેષા અને વિટામીન 'સી' હોય છે એ વાત સર્વવિદિત છે. પરંતુ તેમાં રહેલું ક્વીઅર્સેટિન નામનું તત્વ કેન્સર સામે લડવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ તત્ત્વ શરીરમાં થતી દાહ-બળતરા અટકાવવા સાથે કોષોની ક્ષીણ થવાની પ્રક્રિયા ધીમી પાડે છે. તેવી જ રીતે સફરજનની છાલમાં રહેલા ટ્રાઈટરપેનોઈડ્સ પણ કેન્સર સામે લડવામાં મદદ કરે છે. તેથી જ નિષ્ણાતો માને છે કે સફરજનને છાલ સાથે જ ખાવા જોઈએ.
* ટામેટાં :
એ વાત સર્વાદિત છે કે ટામેટાં પૌષ્ટિક તત્ત્વોનો ખજાનો છે. પરંતુ કેન્સરને ખાળવામાં તેમાં રહેલું લાયકોપેન નામનું એન્ટિઓક્સિડંટ મહત્ત્વનું બની રહે છે. આ તત્ત્વ જ ટામેટાંને લાલ રંગ આપે છે. એમ પણ માનવામાં આવે છે કે ટોમેટો કેચપમાં પણ લાયકોપેન ઊંચા પ્રમાણમાં હોય છે.
* દ્રાક્ષ :
દ્રાક્ષમાં પ્રચૂર માત્રામાં સ્વેરેટ્રોલ નામનું પ્લાંટ કેમિકલ હોય છે. ખાસ કરીને રાતી અને કાળી દ્રાક્ષની છાલમાં તે ઊંચા પ્રમાણમાં હોય છે. આ પદાર્થ કેન્સરના કોષોની સક્રિય થવાની પ્રક્રિયા અટકાવે છે.
* કઠોળ :
વાલ અને વટાણા જેવા દ્વીદળ અનાજમાં ભરપૂર રેષા અને ફોલેટ નામનું વિટામીન 'બી' હોય છે. વિવિધ પ્રકારના કઠોળ સેપોનીન સમૃધ્ધ હોય છે. (સેપોનીન કઠોળમાં મળી આવતાં ફાઈટોકેમિકલ્સ છે) આ ઘટક પણ કેન્સરના કોષોની સક્રિય થવાની પ્રક્રિયા અટકાવવામાં સહાયક બને છે.
* બ્રોકોલી અને કોલીફ્લાવર (ફ્લાવર) :
બ્રોકલી, કોલીફ્લાવર અને બ્રસેલ સ્પ્રાઉટ્સ (એક જાતની કોબીની કળીઓ) જેવા શાકમાં ગ્લુકોસિનોલેટ નામનું ઘટક હોય છે જે કર્કરોગ, ખાસ કરીને ચોક્કસ પ્રકારના બ્રેસ્ટ કેન્સરને અટકાવવામાં સહાયક બને છે. બ્રોકલીમાં રહેલો સલ્ફોરાફેન નામનો પદાર્થ બ્રેસ્ટ કેન્સરના કોષોને વધતાં ખાળે છે.
* લસણ :
લસણને સમારવામાં આવે ત્યારે તેમાંથી એલીસીન નામનું ઘટક સ્ત્રવે છે. સંખ્યાબંધ અભ્યાસ દર્શાવે છે કે એલીસીન ટયુમરને વિકસિત થતાં અટકાવી શકે છે. જોકે હજી એ સ્પષ્ટ નથી થયું કે નિયમિત રીતે કેટલું લસણ ખાવાથી કેન્સર સામે રક્ષણ મળી શકે.
- વૈશાલી ઠક્કર