વિદ્યારંભનો શુભ અવસર એટલે વસંત પંચમી
પ્રકૃતિનો મહાઉત્સવ એટલે વસંત પંચમી. આ સિવાય પણ આ દિવસ વિદ્યા. શિક્ષણનાં શુભારંભ માટે ઉત્તમ ગણાયો છે. આપણા શાસ્ત્રોમાં નિસર્ગની દેવી સરસ્વતી માતાનું વિશેષ પૂજન-અર્ચન, આજે ખૂબ મહત્વનું મનાયું છે. પૌરાણિક શાસ્ત્રો અનુસાર, સૃષ્ટિની રચના કરવા માટે મા દૂર્ગા, રાધા, લક્ષ્મી, સરસ્વતી, સાવિત્રી એમ પાંચ દેવીનું અગત્યનું યોગદાન રહ્યું છે. જેમાં સરસ્વતી દેવી, રાધાદેવીનાં સ્વરૂપમાંથી ઉત્પન્ન થયા છે. મા સરસ્વતીની કૃપાથી અને એમનાં આશીર્વાદથી જ્ઞાાન પિપાસુ પંડિત બની શકે છે. અને શિક્ષિત બુધ્ધિમાન બની જાય છે.
સહુ પહેલાં ભગવાન શ્રીકૃષ્ણે માતા સરસ્વતી દેવીની પૂજા- આરાધના કરી. શ્રી કૃષ્ણ મા સરસ્વતીનાં તેજસ્વી સ્વરૂપથી પ્રભાવિત થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણે સરસ્વતી દેવીની ઇચ્છા જાણી તેમને અભય વરદાન આપ્યું,' હે દેવી, મારા જ અંશથી અવતાર લઈ મારા જ રૂપ શ્રી નારાયણની સેવા કરશો. તથા મહાસુદ પાંચમના પવિત્ર દિને શિક્ષા પ્રારંભ કરવા માટે પંડિતો વિદ્યાર્થીઓ તમારી વિશેષ પૂજા આરાધના કરીને તમને પ્રસન્ન કરશે. ત્યારથી સર્વ માનવ- દેવતાગણ- મુનિઓ વિદ્યા પ્રાપ્તિ અર્થે માતાની વિશેષ આરાધના કરવા લાગ્યા.
મંત્ર 'શ્રી હીં સરસ્વત્યૈ સ્વાહા'નું ગુરૂની આજ્ઞાાનુસાર જપ કરવાનું વિદ્યાન છે. આ મંત્ર કલ્પવૃક્ષ સમાન ગણાયો છે. એક સંદર્ભ પ્રમાણે પૂર્વકાળમાં શ્રી હરિનારાયણે આ મંત્ર ઉપદેશ આદિ કવિ વાલ્મીકિ મુનિને આપ્યો હતો. ત્યાર બાદ ભૃગુ મહર્ષિએ સૂર્યગ્રહણ સમયે શુક્રાચાર્યને મંત્ર પ્રદાન કર્યો તો ચંદ્રગ્રહણ સમયે મારિચીએ ગુરૂ બૃહસ્પતિને આ મંત્ર ઉપદેશ કર્યો હતો. આ પ્રમાણે દેવતાઓ, ઋષિઓ, દ્વારા પરંપરા અનુસાર માતા સરસ્વતીદેવીનો આ મંત્રનો ઉપદેશ અનેક વિધ લોકોને મળ્યો.
સરસ્વતી કવચનાં નિયમિત પાઠ કરનાર વ્યક્તિ જ્ઞાાની, બુધ્ધિશાળી, શબ્દો રચિયૈતા કવિ કે લેખક બની જાય છે.