આધુનિક યુવતીઓની સૌથી મોટી ચિંતા અનિયમિત માસિક
એક અભ્યાસ મુજબ યુવતીઓને તેમની માસિકની સમસ્યા સમજાય અને તેઓ તેનો ઇલાજ કરાવે તેની વચ્ચે લાંબો સમય વિતી જાય છે.વાસ્તવમાં જ્યારે વાત વણસે ત્યારે જ તેઓ તબીબનો સંપર્ક કરે છે.
આજની તારીખમાં પ્રત્યેક વ્યક્તિ એક યા બીજા તણાવમાંથી પસાર થતી હોય છે. અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે. ચિંતાને કારણે માત્ર માનસિક તાણ નથી વધતી, પણ શારીરિક સમસ્યાઓ પણ પેદા થાય છે. મહિલાઓને માનસિક તાણને કારણે થતી સંખ્યાબંધ સમસ્યાઓમાંની એક છે માસિકનું અનિયમિત થવું. નિષ્ણાતો કહે છે કે આપણા મનમગજની સીધી અસર આપણા શરીર પર થાય છે.
આજે માત્ર યુવાન કન્યાઓ જ નહીં, શાળામાં અભ્યાસ કરતી છોકરીઓ સુધ્ધાં સતત સ્ટ્રેસમાં રહેતી હોય છે. અને તેની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર થાય છે. તે નાનીમોટી ઘણી વ્યાધિઓનો શિકાર બને છે. આ વ્યાધિઓની યાદીમાં માસિક ચક્રનું ખોરવાઇ જવું મોખરે છે. તેઓ વધુમાં કહે છે કે માસિક એકાદ-બે દિવસ મોડું આવે તો ચિંતાનું કોઇ કારણ નથી. પરંતુ જો થોડાં મહિનાઓ સુધી સતત એકાદ અઠવાડિયા જેટલા વિલંબથી આવે તો માની લેવું કે સ્વાસ્થ્યમાં કોઇક સમસ્યા સર્જાઇ છે.
મનોવૈેજ્ઞાાનિકો કહે છે કે આજ ે યુવતીઓ બહુ સ્માર્ટ થઇ ગઇ છે. તેઓ મોટાભાગના બધા વિષયો પર વાત કરવા જેટલી સક્ષમ હોય છે. તેઓ પરિવારના વડિલો સાથે પણ લગભગ બધા મુદ્દે વાત કરી લે છે. પરંતુ જ્યાં માસિકની વાત આવે ત્યાં તેમના હોઠ સિવાઇ જાય છે. વળી તેમને એ વાતની ખાતરી હોય છે કે ઘરની વડિલ મહિલાઓ તેમને કહેશે કે ગોળ-આદુની ચા પી લે કે પછી અજમો ફાકી લે.
માસિક થોડું મોડું આવે તેમાં આટલી બધી ચિંતા શા માટે કરવાની. પરંતુ આ માનુનીઓ સારી રીતે જાણતી હોય છે કે તેમના પિરિયડ્સ ટેન્શનના કારણે લંબાયા છે. તેથી આ દેશી ઇલાજ તેમને ખપ નથી લાગવાના. તેઓ વધુમાં કહે છે કે હવે યુવતીઓ માત્ર ગૃહિણી બનીને રહેવા નથી ઇચ્છતી. તેથી તેમના શિરે ઓફિસના કામની તેમ જ ઘરની, એમ બેવડી જવાબદારી હોય છે. આવી સ્થિતિમાં જ્યાં સુધી તેમને માસિક ન આવે ત્યાં સુધી તેઓ વધારાની ચિંતાનો શિકાર બને છે.
પિરિયડ્સ અનિયમિત થવાની કે અન્ય કોઇ સ્વાસ્થ્ય વિષયક સમસ્યા સર્જાવાની અસર તેમના અંગત , પારિવારિક તેમ જ સામાજિક જીવન પર પણ પડે છે. ભલે હવે છોકરીઓને શાળામાં જ માસિક વિષયક સમજ આપી દેવામાં આવે છે. આમ છતાં રુઢીવાદી પરિવારોની છોકરીઓને ઘરમાં આ બાબતે વાત કરતાં સંકોચ થાય છે. વળી હવે લોકોની ખાનપાનની આદતોમાં પણ સમગ્રપણે બદલાવ આવી ગયો છે. અગાઉની તુલનામાં જંક ફૂડના સેવનમાં પુષ્કળ વૃધ્ધિ આવી છે. શાળા તેમ જ કોલેજમાં ભણતી કન્યાઓ છાશવારે પેટમાં જંક ફૂડ પધરાવતી હોય છે.
આ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં સેચ્યુરેટેડ ફેટી એસિડ વધારે પ્રમાણમાં હોવાથી તે પ્રોજેસ્ટ્રોન હોર્મોન્સને અસર કરે છે .વાસ્તવમાં આ હોર્મોન્સ માસિક નિયમિત રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. જંક ફૂડમાં પૌષ્ટિક તત્વો નહીંવત્ હોવાની અસર પણ માસિકની નિયમિતતા પર પડે છે. આ સિવાય ભણતરના બોજને કારણે તેમ જ મેદાનોની કમીને પગલે છોકરીઓને શારીરિક કસરત થાય એવી રમતો રમવાની તક અને સમય બંને નથી મળતાં.તેઓ મોડી રાત સુધી બેસીને વાંચે છે કે પછી મોબાઇલ જોતી રહે છે. પરિણામે તેમને પૂરતા પ્રમાણમાં નીંદર પણ નથી મળતી. અપૂરતી નિંદ્રાની અસર પણ હોર્મોન્સ પર પડે છે.
એક અભ્યાસ મુજબ યુવતીઓને તેમની માસિકની સમસ્યા સમજાય અને તેઓ તેનો ઇલાજ કરાવે તેની વચ્ચે લાંબો સમય વિતી જાય છે.વાસ્તવમાં જ્યારે વાત વણસે ત્યારે જ તેઓ તબીબનો સંપર્ક કરે છે. આંચકાજનક વાત એ છે કે આપણે એમ માનીને ચાલીએ છીએ કે છોકરીઓને શાળાના સમયથી જ આ બાબતે શિક્ષણ આપવામાં આવતું હોવાથી તેઓ માસિક વિશે સુમાહિતગાર હશે.
પરંતુ આ વાત સો ટકા સાચી નથી. લગભગ પચીસ ટકા જેટલી છોકરીઓ માસિકને લગતી બાબતો વિશે ઘણાં અંશે અજાણ હોય છે.જોકે આ સમય દરમિયાન કયા ઉત્પાદનોનો ઉપયોગ કરવો તેની તેમને જાણ હોય છે ખરી.
અન્ય એક અભ્યાસ મુજબ લગભગ અડધોઅડધ યુવતીઓનું માસિક અનિયમિત જોવા મળે છે. પરિણામે તેમની દિનચર્યા ખોરવાઇ જાય છે. મોટાભાગની યુવતીઓ અનિયમિત માસિકને કારણે ચિંતામાં રહે છે, તેમના રોજિંદા જીવન પર તેની અવળી અસર પડે છે. તેવી જ રીતે શાળા, કોલેજ,ઓફિસમાં જતી સગીરથી લઇને યુવાન કન્યાઓને અનિયમિત માસિકને કારણે થતું દર્દ પરેશાન કરે છે.
તેમને ઘરમાંથી બહાર નીકળવાની ઇચ્છા નથી થતી. તબીબો કહે છે કે મોટાભાગે જોવામાં આવ્યું છે કે યુવતીઓ અનિયમિત માસિકને કારણે થતી વેદના સહન કરી લે છે.પરંતુ તેનો ઇલાજ કરાવવાનું નથી વિચારતી. તેનું કારણ સમજાવતાં તેઓ કહે છે કે તેમના મનમગજમાં શરૂઆતથી એક વાત ઘર કરી ગઇ હોય છે કે આ સમય દરમિયાન પીડા થાય જ.
પરિણામે તેઓ તેને સહજતાથી સ્વીકારી લે છે. તેમને તેની ગંભીરતાનો ખ્યાલ જ નથી આવતો. પરંતુ જો માસિક દરમિયાન પીડા થાય તો તબીબનો સંપર્ક કરવો જરૂરી છે. જો તેઓ સમયસર ડૉક્ટરનો સંપર્ક કરે તો તેમને પીસીઓડી (પોલીસિસ્ટિક ઓવરી ડીસીસ)હોય તો તેનો સમયસર ઉપચાર થઇ શકે.
ગાયનેકોલોજિસ્ટો કહે છે કે સામાન્ય રીતે યુવતીઓની માસિકની પેટર્ન ૨૧થી ૩૫ દિવસ વચ્ચેની હોય છે. દરેક યુવતીના શરીરમાં એગ બનવાની સમય સીમા જુદી જુદી હોય છે. તેથી કોઇકને ૨૮ દિવસે તો કોઇકને૩૫ દિવસની અંદર માસિક આવે છે. પિરિયડ્સ દરમિયાન ફ્લોનો સમય બેથી પાંચ દિવસનો જોવા મળે છે.જોકે હવે બદલાયેલી જીવનશૈલીની અસર પણ યુવતીઓના માસિક પર પડી રહી છે.
પૂરતી નીંદ્રાનો અભાવ, જંક ફૂડ, કસરતની આળસ તેમ જ બગડતું જતું પર્યાવરણ પણ તેમના માસિક ચક્રને ખોરવે છે. વધારે પડતી ગરમી કે ઠંડીની અસર પણ તેમના આ ઋતુચક્ર પર પડે છે. આ સિવાય ઘર, ઓફિસ, રોજિંદા પ્રવાસ ઇત્યાદિની અસર પણ તેના ઉપરઅચૂક જોવા મળે છે. ઘણી વખત પરિવારજનો સાથેના સંબંધોમાં આવેલું નકારાત્મક પરિવર્તન માસિક ખોરવાવા માટેનું કારણ બને છે.
ગાયનેકોલોજીસ્ટો વધુમાં કહે છે કે જ્યારે કોઇ યુવતી અમારી પાસે માસિકની અનિયમિતતાને લગતી સમસ્યા લઇને આવે ે ત્યારે અમે તેના હોર્મોન્સના સ્તર,મેડિકલ હિસ્ટ્રી, બ્લડ ક્લોટ, હેવી બ્લીડિંગ, વર્ક પ્રેશર, અનિયમિત ઓવ્યુલેશન, પીસીઓડી ઇત્યાદિ વિશે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. અને નિદાન થયા મુજબ તેનો ઉપચાર કરવામાં આવે છે.
મનોવૈજ્ઞાાનિકો કહે છે કે આજની છોકરીઓ અગાઉની જેમ ઘરથી કોલેજ-ઓફિસ કે કોલેજ-ઓફિસથી સીધી ઘરે નથી આવતી.ઇવનિંગ પાર્ટીઓ હવે સામાન્ય થઇ ગઇ છે. ખાસ કરીને વીક-એન્ડ પાર્ટીઝ. તેવી જ રીતે માત્ર છોકરીઓના જૂથમાં રહેવું પણ આઉટડેટેડ થઇ ગયું છે. કોલેજ હોય કે ઓફિસ, સર્વત્ર છોકરા-છોકરીઓના સહિયારા જૂથ હોય છે. તેઓ દરેક મુદ્દે એકદમ બિન્ધાસ્ત બની ગયાં છે. તેઓ લગ્નથી પહેલા સેક્સ કરવામાં છોછ નથી રાખતાં.વળી કારકિર્દીલક્ષી યુવતીઓ ઝટ વિવાહ નથી કરતી.
પરિણામે પોતાની સાથે અભ્યાસ કરતાં કે ઓફિસમાં કામ કરતાં યુવકો સાથે શારીરિક સંબંધો બાંધે છે. એક કરતાં વધુ લોકો સાથે શારીરિક સંબંધો બાંધવા પણ હવે સાવ સામાન્ય થઇ પડયાં છે. અને ઘણી વખત તેઓ અસુરક્ષિત સંબંધ બાંધી બેસે છે. આવી સ્થિતિમાં તેમને એબોર્શન પિલ્સ લેવાની જરૂર પડે છે. આ બધા કારણો તેમનું માસિકચક્ર ખોરવી નાખે છે.તેઓ વધુમાં કહે છે કે આજે માસિક સંબંધી સમસ્યાઓના ઉકેલ માટે ઓનલાઇન કન્સલ્ટેશનનો ટ્રેન્ડ વધતો જાય છે.
પરંતુ આશ્ચર્યની વાત એ છે કે તેઓ સંભોગ કર્યા પછી સુરક્ષિત સંબંધ બાંધવા વિશે પૂછે છે. વાસ્તવમાં આજની પેઢી પોતાના સંબંધો બાબતે એક્પરિમેન્ટલ થઇ ગઇ છે.તેઓ જેની સાથે શારીરિક ઐક્ય સાધે છે તે જ તેમનો જીવનસાથી બનશે તેની કોઇ ખાતરી નથી હોતી. આમ છતાં તેઓ આવા સંબંધોમાં આગળ વધે છે. અને જ્યારે તેમનાથી આ સંબંધ સચવાતો નથી ત્યારે માનસિક તાણ અનુભવે છે. આની સીધી અસર તેમના સ્વાસ્થ્ય પર પડે છે.ટૂંકમાં એમ કહી શકાય કે માસિકચક્ર ખોરવાવાના મુખ્ય ત્રણ કારણો છે અયોગ્ય આહાર, અનિયમિત જીવનશૈલી અને ચિંતા.
- વૈશાલી ઠક્કર