સ્કૂલ યુનિફોર્મની ચોકડીવાળી ડિઝાઇન બની ફેશન સ્ટેટમેન્ટ
એમ કહેવાય છે કે ફેશનને વય સાથે કાંઇ લેવાદેવા નથી હોતી. આ વાતમાં તથ્ય પણ છે. આપણી બોલીવૂડ અભિનેત્રીઓના છેલ્લા થોડા સમયના વસ્ત્રો પર નજર નાખીએ તો તેમાં ચોકડીવાળી ડિઝાઇન ઊડીને આંખે વળગે. ચાહે તે દીપિકા પાદુકોણ હોય, આલિયા ભટ્ટ હોય, કરીના કપૂર હોય કે પછી પૂજા હેગડે. જે ડિઝાઇનના યુનિફોર્મ આપણે શાળાના સમયમાં પહેર્યાં હતાં એ ડિઝાઇન હવે ડિઝાઇનર વસ્ત્રોમાં જોવા મળી રહી છે.
ફેશન ડિઝાઇનરો કહે છે કે અગાઉ શાળામાં કે પછી પિકનિક પર પહેરવામાં આવતી ચોકડીવાળી ડિઝાઇનના સુતરાઉ કાપડના વસ્ત્રો હમણાં હમણાં આપણી અદાકારાઓને પ્રિય થઇ પડયાં છે. તેમાં રફલ્સ, હોલ્ટર ટોપ, વન શોલ્ડર ડ્રેસ ખૂબ પહેરાય છે. મહત્વની વાત એ છે કે તે વિરોધાભાસી કલર ડિઝાઇન અને એક જ કલર ડિઝાઇન બંનેમાં એકસમાન રીતે પ્રિય છે. થોડા સમય પહેલા દીપિકા પાદુકોણે આછા ભૂરા રંંગના એક જ કાપડમાંથી બનાવેલા ડિઝાઇનર સ્કર્ટ ટોપ પહેરીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. શાળાના દિવસો યાદ કરાવતી આ પ્રિન્ટ ફેશનેબલ માનુનીઓને રમતિયાળ લાગી રહી છે.
દીપિકાની જેમ આલિયા ભટ્ટે એક કાર્યક્રમમાં નાની-મોટી ચોકડી અને વાદળી તેમ જ ગુલાબી રંગનું કોમ્બિનેશન કર્યું હતું.તેણે મોટી ચેક્સવાળું સ્કર્ટ અને તેની ઉપર નાની ચેકસવાળું આછા ભૂરા રંગનું ટોપ પહેર્યું હતું. તેના ટોપની બાંયના ચેક્સ સ્કર્ટની ચોકડીઓ જેટલાં મોટા હતાં. ઝીરો નેકમાં બનાવેલા ટોપ અને સ્કર્ટ વચ્ચેથી તેની પાતળી કટિ દેખાતી હતી તેથી તે બહુ સુંદર લાગી રહી હતી. જ્યારે પૂજા હેગડેએ ઘેરા ભૂરા રંગની ચોકડીવાળી પ્રિન્ટમાં એક જ મટિરિયલમાંથી બનાવેલા ટોપ-પેન્ટ પહેર્યાં હતાં.
ફેશન ડિઝાઇનરો વધુમાં કહે છે કે આ પ્રિન્ટનો ટ્રેન્ડ આ વર્ષમાં તો ટકી જ રહેશે.ફેશનેબલ માનુનીઓને આ ડિઝાઇન ક્લાસિક લાગે છે. ઇન્સ્ટાગ્રામ પર તમને આવા સેંકડો ડ્રેસ જોવા મળશે. મહત્વની વાત એ છે કે આ ડિઝાઇન જેટલી વાદળી, બ્લુ, ગુલાબી,લાલ કે લીલા રંગમાં સરસ લાગે છે એટલી જ શ્વેત-શ્યામમાં પણ જચે છે. તમે તે બ્રંચ,લંચ પાર્ટીમાં પહેરી શકો. તમે ફિલ્મ જોવા જાઓ કે ફરવા જાઓ ત્યારે પણ તે સરસ દેખાશે. અને પિકનિક માટે તો આ ડિઝાઇન સદાય ફેવરિટ રહી છે.
તમે ચાહો તો પ્લેન ટોપ પર ગિંઘમ્, એટલે કે ચેક્સવાળું સ્કર્ટ પહેરી શકો છો. પ્લેન ટોપ સાથે તમારા સ્કર્ટની ચોકડીવાળી ડિઝાઇન તરત જ ઉઠી આવશે. આ ડ્રેસ સાથે વાઇટ કે પછી ન્યુડ હિલ્સ ખૂબ સુંદર લાગશે.
જો તમે ઓફિસમાં આ પ્રિન્ટ પહેરવા મગતા હો તો પેસ્ટલ કલરનું ચોકડીવાળું ટોપ અને બ્લેક પેન્ટ તેમ જ પેન્સિલ હિલ્સ પહેરો. પરંતુ કેઝ્યુઅલ વેઅર તરીકે એક જ કાપડમાંથી બનાવેલા પેન્ટ-ટોપ પહેરી શકાય. એક્સેસરીઝમાં પણ ચોકડીવાળી પ્રિન્ટ સરસ દેખાય છે. જેમ કે બૉટાઇમાં. તમે બ્લેક સ્કર્ટ, પિંક ટોપ સાથે રેડ કલરની બૉટાઇ પહેરી જૂઓ. લોકોની નજર તેના ઉપર ચોંટી જશે. વળી તમે ચાળીસીમાં હશો તોય ત્રીસીમાં હો એટલા નાના દેખાશો.
શૂ ડિઝાઇનરો સ્ટ્રેપ્સવાળા પગરખાંમાં આ ડિઝાઇનનો ઉપયોગ કરવા લાગ્યાં છે. તેમાં બ્લુ રંગ ફેવરિટ ગણાય છે. એટલું જ નહીં, સન ગ્લાસમાં, ક્લચીસમાં, ઇયરરિંગ્સમાં તેમ જ હેર એક્સેસરીઝમાં પણ ચેક્સવાળી ડિઝાઇન મોસ્ટ ફેવરિટ બની ગઇ છે.
- વૈશાલી ઠક્કર