Magazines

જંગલમાં ઉત્તરાયણ .

By GS TEAM
9 Jan 20262 mins read
જંગલમાં ઉત્તરાયણ                               .

- જગ્ગુ વાંદરો સ્મિત સાથે બોલ્યો, 'રાજા સાહેબ, ચિંતા ના કરો. આપણે વૃક્ષોનાં પાંદડાં અને ડાળીઓથી પતંગ બનાવીશું અને પતંગ ઉડાડવાનો આનંદ લઈશું.'

- કિરણબેન પુરોહિત 

સું દરવનમાં બધાં પ્રાણીઓ હળીમળીને રહેતાં હતાં. સિંહ, વાંદરા, હાથી, સસલાં, મોર અને હરણ બધા આનંદથી રહેતાં. 

જાન્યુઆરી મહિનો આવી ગયો. એક દિવસ જગ્ગુ વાંદરો આખા જંગલમાં દોડતો ગયો અને બધાં પ્રાણીઓને બોલાવતો ગયો. જગ્ગુએ બધાને કહ્યું, 'આવતી કાલે મકરસંક્રાંતિ છે. આપણે પણ ઉત્તરાયણ મનાવવી જોઈએ!'

 જંગલના રાજા બબ્બર સિંહને આ વાત ગમી ગઈ. એણે બધાને કહ્યું, 'મિત્રો, આ વિચાર તો સરસ છે! પણ આપણે ઉત્તરાયણ કેવી રીતે મનાવીશું? આપણે તો પતંગ ઉડાવી શકીએ નહીં!'

જગ્ગુ વાંદરો સ્મિત સાથે બોલ્યો, 'રાજા સાહેબ, ચિંતા ના કરો. આપણે વૃક્ષોનાં પાંદડાં અને ડાળીઓથી પતંગ બનાવીશું અને પતંગ ઉડાડવાનો આનંદ લઈશું.'

સઘળાં પ્રાણીઓએ ઉત્સાહથી રાજી થઈને તૈયારીઓ શરૂ કરી. સોનુ મોરે પોતાના રંગબેરંગી પંખથી પતંગ સુશોભિત કર્યા. ગોલુ હાથીએ મોટી અને મજબૂત ડાળીઓ કાપી અને પતંગ માટે દોરી બનાવી. જગ્ગુ વાંદરાએ પાંદડાંઓને સાથે ચીપકાવીને પતંગની રચના કરી. બીજે દિવસે સવારે જંગલમાં ધમાલનો માહોલ હતો. બધાં પ્રાણીઓએ પતંગ ઉડાવવા માટે જગ્યા શોધી લીધી. બબ્બર સિંહે પતંગ ઉડાડવાની શરૂઆત કરી, અને પતંગ ધીમે-ધીમે આકાશમાં ઉડવા લાગ્યો. મોરની રંગીન પાંખો વડે બનેલા પતંગોથી આકાશને સુંદર બની ગયું. મીઠ્ઠું પોપટ મધુર અવાજમાં ગીતો ગાઈને બધાનું મનોરંજન કર્યું. બપોર જગ્ગુ વાંદરો અને સાથીઓ સાથે શહેરમાંથી બધાં માટે ઊંધિયું-પુરી લઈ આવ્યો.

સસલાં અને વાંદરાઓને તો પતંગ કાપવાની મજા પડી ગઈ. હરણ પતંગ ઉડાવતાં-ઉડાવતાં આમતેમ દોડતું રહ્યું. બધાં હસતાં હતાં, મજા કરતા હતા. સૌ પ્રાણીઓએ એકમેકની મદદ કરી, જેના કારણે મજા ઔર વધી ગઈ.

સાંજ પડતાં, જંગલના પ્રાણીઓએ તલ-ગોળના લાડુ ખાધા અને મીઠી મિત્રતાના સંદેશ સાથે ઉત્તરાયણ પૂરી કરી.

આ રીતે જંગલમાં આ ઉત્તરાયણનો તહેવાર પ્રાણીઓ માટે પણ મજાની મિત્રતા અને સહકારનો તહેવાર બની રહ્યો. 

બાળમિત્રો, સહકાર અને મૈત્રી કોઈ પણ તહેવારને સાચા અર્થમાં ઉજવણી બનાવે છે!