ઉર્મિલા માતોંડકર: મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને ઓળખ પર મને ગર્વ છે

- હિન્દી ફિલ્મોમાં પોતાની સફર વિશે ચિંતન કરતા ઉર્મિલાએ નિખાલસતાથી કબૂલ કર્યું કે મહારાષ્ટ્રીયન હોવાના કારણે તેણે વિશિષ્ટ પડકારોનો સામનો કરવો પડયો હતો
મહારાષ્ટ્ર દિને શિવાજી પાર્ક ખાતે ઉર્મિલા માતોંડકર જ્યારે ઉજ્જવળ ગુલાબી નવવારી સાડીમાં આવી ત્યારે તેના ચહેરા પર મહારાષ્ટ્રિયન હોવાના નાતે નિર્વિવાદ ગર્વ છલકાતો હતો. લાંબા સમયથી મહારાષ્ટ્રની રાજકીય, સાંસ્કૃતિક અને ભાવનાત્મક ઓળખ બનેલું દાદરનું આઈકોનિક મેદાન કાયમ પોતાના મૂળમાં ગર્વ અનુભવતી અભિનેત્રી માટે આદર્શ પૃષ્ઠભમિ હતી. મુંબઈના પરિચિત તાલથી ઘેરાયેલી દાદરની વ્યસ્ત ગલીઓમાંથી પસાર થતા, ઉર્મિલાના વ્યક્તિત્વમાં મહારાષ્ટ્રીયન પરંપરા ઉપરાંત તેની ઓળખ બની ગયેલા મૂલ્યો અને ઈતિહાસ પણ વ્યક્ત થતા હતા.
એક નિખાલસ મુલાકાતમાં ઉર્મિલા માતોંડકરે પોતાની ઓળખ, સંસ્કૃતિ અને ઓળખ વિશે ઉત્સુક્તાથી વાત કરી. ઉર્મિલા માટે મહારાષ્ટ્રીયન ઓળખ માત્ર પ્રદેશ સાથે સંકળાયેલી નથી,પણ સ્વાભિમાન અને ગર્વમાં મૂળ ધરાવતી વિચારધારા છે.પોતાના ઉછેર વિશે મંથન કરતા ઉર્મિલા પોતાના મૂળ, પોતાની ભાષા અને મહારાષ્ટ્રના સમૃદ્ધ સાહિત્યિક વારસામાં અતિશય ગર્વ ધરાવે છે. મરાઠીમાં શિક્ષણ લીધું હોવાથી તે પોતાને પ્રારંભિક વયે જ મરાઠી સાહિત્ય સાથે પરિચય થવા બદલ બડભાગી માને છે. ઉર્મિલાના મતે આ બાબત આજે ખુબ જ દુર્લભ બની ગઈ છે.
રાજ્યના સૌંદર્ય અને વૈવિધ્યતાને યાદ કરતા ઉર્મિલા સિંધુદુર્ગ અને કોંકણ પ્રદેશ સાથે પૂર્વજોના જોડાણ વિશે ઉત્સાહથી વાત કરે છે. ઉર્મિલાએ મહારાષ્ટ્રના વિરોધાભાસી લેન્ડસ્કેપની એક જીવંત છબિ રજૂ કરી, એક તરફ શાંત તટીય પટ્ટી તો બીજી તરફ નદીઓ, જંગલો અને ભરપૂર જૈવવિવિધતા સાથે વીંટળાયેલી ભવ્ય સહ્યાદ્રી પર્વતમાલા છે. ઉર્મિલાના મતે મહારાષ્ટ્રની વિશિષ્ટ સાંસ્કૃતિક અને ભૌગોલિક મિશ્રણની સમૃદ્ધિ અજોડ છે. આ અનુભવોએ તેના વ્યક્તિત્વ અને વિચારધારાને કેટલી ગાઢ રીતે પ્રભાવિત કર્યા છે તેમાંથી આ પ્રદેશ સાથે તેની લાગણી સ્પષ્ટપણે વર્તાય છે.
ઉર્મિલાએ મહારાષ્ટ્રએ સદીઓથી વિકસાવેલી પ્રગતિશાળી વિરાસતનો પણ ઉલ્લેખ કર્યો. તેના મતે રાજ્યની ખરી શક્તિ તેના કુદરતી સૌંદર્ય અથવા કલાત્મક ઉત્કૃષ્ટતામાં જ નહિ પણ સાથે સમાજમાં પરિવર્તન લાવનાર સામાજિક સુધારામાં રહેલી છે. ઉર્મિલાએ રાજર્ષિ શાહુ મહારાજ, બી.આર.આંબેડકર અને જ્યોતિરાવ ફુલે જેવા દૂરંદેશી નેતાઓને પણ અંજલિ આપી અને તેમને મહારાષ્ટ્રમાં સામાજિક ન્યાય અને સમાનતાના ઘડવૈયા તરીકે વર્ણવ્યા. ઉર્મિલાએ સાવિત્રીબાઈ ફુલેના યોગદાનને પણ યાદ કર્યું જેના મહિલા શિક્ષણમાં અગ્રિમ પ્રયાસોએ ભારતીય સમાજની દિશા જ બદલી નાખી.
ઉર્મિલા માટે મહારાષ્ટ્ર વિશેની કોઈપણ ચર્ચા છત્રપતિ શિવાજી મહારાજના ઉલ્લેખ વિના પૂર્ણ ન થઈ શકે. તેણે મરાઠા શાસકની વીરતા, નેતૃત્વ અને પોતાના લોકોનું રક્ષણ કરવાની અતૂટ પ્રતિબદ્ધતા વિશે આત્મીયતાથી વાત કરી. ઉર્મિલાએ મહારાષ્ટ્રની ઐતિહાસીક સિદ્ધિઓ ઉપરાંત કલા, થિયેટર, સાહિત્ય અને સિનેમાના ક્ષેત્રમાં રાજ્યએ આપેલા યોગદાનનો પણ ઉલ્લેખ કર્યો. ઉર્મિલાના મતે મહારાષ્ટ્રની મહાનતા પ્રત્યેક સમુદાયના લોકોને આવકારીને વૈવિધ્યતાનો સ્વીકારતા પોતાના મૂલ્યોની જાળવણી કરવાની તેની ક્ષમતામાં રહેલી છે.
મરાઠી સિનેમા સામે રહેલા પડકારોનો ઉલ્લેખ કરીને ઉર્મિલાએ સાંસ્કૃતિક સમર્થન અને દર્શકોની ભાગીદારીના મહત્વ પર ભાર મુક્યો. ઉર્મિલા માને છે કે મરાઠી ફિલ્મોની બોક્સ ઓફિસ સફળતા ભલે મધ્યમ રહી હોય, પણ અહીં સતત અર્થસભર અને અદ્વિતીય સિનેમા બનતા રહ્યા છે. તેણે તાજેતરમાં જ 'ક્રાંતિજ્યોતિ વિદ્યાલય મરાઠી માધ્યમ' જોયાનો ઉલ્લેખ કર્યો અને તેની કથાશૈલીની પ્રશંસા કરી. ઉર્મિલાએ મહારાષ્ટ્રીયનોને મરાઠી ફિલ્મો થિયેટરોમાં જોઈને સક્રિપણે મરાઠી ફિલ્મ ઉદ્યોગને ટેકો આપવાની અપીલ કરી. ઉર્મિલાએ ભારપૂર્વક જણાવ્યું કે ભાષા અને સંસ્કૃતિની જાળવણીની શરૂઆત સભાન હિસ્સેદારીથી જ થાય છે.
પોતાના પર ઊંડી છાપ છોડનાર ફિલ્મો વિશે જણાવતા ઉર્મિલાએ મરાઠી ફિલ્મ 'શ્યામચી આઈ'નો ઉલ્લેખ કર્યો. તેણે વ્હી.શાંતારામના દૂરંદેશી કાર્યની પણ પ્રશંસા કરી, ખાસ કરીને ગીતોના ફિલ્મીકરણ વિશે તેમની સિનેમેટીક શૈલી અને નવીનતાસભર અભિગમના વખાણ કર્યા, જે શૈલીએ ફિલ્મસર્જકોની અનેક પેઢીઓને પ્રેરણા આપી.
હિન્દી ફિલ્મોમાં પોતાની સફર વિશે ચિંતન કરતા ઉર્મિલાએ નિખાલસતાથી કબૂલ કર્યું કે મહારાષ્ટ્રીયન હોવાના કારણે તેણે વિશિષ્ટ પડકારોનો સામનો કરવો પડયો હતો. એક સમયે તેના હિન્દી સંવાદ ઉચ્ચારણોમાં મરાઠી છાંટ હોવાનું તેને કહેવામાં આવતું. છતાં ઉર્મિલાએ ટીકાથી હતોત્સાહ થવાની બદલે ઉદ્યોગની અપેક્ષાને અનુરૂપ થવા સખત પરિશ્રમ કર્યો. ઉર્મિલા માટે આવા સંઘર્ષો એક કલાકારની વિકાસ તરફની સફરનો સામાન્ય હિસ્સો છે. ઉર્મિલાના મતે હિન્દી ફિલ્મ ઉદ્યોગ મુંબઈની જેમ જ કોસ્મોપોલિટન ઓળખ ધરાવે છે.
પોતાના શબ્દો દ્વારા ઉર્મિલા માતોંડકરએ માત્ર સંસ્મરણો નથી વાગોળ્યા, પણ મહારાષ્ટ્રને એક લાગણીસભર સલામી પણ આપી છે, જે જમીનની અડગતા, સુધારાવાદી ભાવના અને સાંસ્કૃતિક સમૃદ્ધિ હજી પણ અનેક પેઢીઓને પ્રેરણા આપતી રહી છે.








