વિશ્વંભરી સ્તુતિ .

- જળ એ માતાજીનું સ્વરૂપ છે. અન્ન એ માતાજીનું સ્વરૂપ છે. આ ભાવથી જ એ સ્પષ્ટ થાય છે કે માતાજી વિશ્વંભરી છે. માટે કહેવામાં આવ્યું કે, 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા.
આપણી મધ્યકાલીન ભક્તિ પરંપરામાં શક્તિની ઉપાસનાનું અનન્ય મહત્ત્વ છે. આ આખું જગત શિવ અને શક્તિ મય છે. માતાજીનું સ્વરૂપ નિર્ગુણ છે પણ ભક્તજનો માટે થઈ ભગવતી સગુણ થયાં છે. ભક્તોએ માતાજીની સ્તુતિ કરી છે. મધ્યકાલીન ભક્તિ પરંપરામાં માતાજીની અનેક સ્તુતિઓ અને સ્તવનો રચાયાં છે, ગવાયાં છે પણ, એ સ્તવનો અને સ્તુતિમાં વિશ્વંભરી સ્તુતિ એનું અનન્ય મહત્ત્વ છે. સર્વ પ્રથમ તો વિશ્વંભરી શબ્દનો અર્થ વિચારીએ તો વિશ્વનું ભરણ-પોષણ કરવાવાળી એ અર્થ થઈ શકે. માતા જગદંબા વિશ્વનું ભરણ-પોષણ કરવાવાળા છે.
જળ એ માતાજીનું સ્વરૂપ છે. અન્ન એ માતાજીનું સ્વરૂપ છે. આ ભાવથી જ એ સ્પષ્ટ થાય છે કે માતાજી વિશ્વંભરી છે. માટે કહેવામાં આવ્યું કે, 'વિશ્વંભરી અખિલ વિશ્વ તણી જનેતા, વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા. દૂર્બુદ્ધિને દૂર કરી સદ્ બુદ્ધિ આપો, મામ્ પાહી ઓમ્ ભગવતી ભવદુઃખ કાપો.' વિદ્યા અને અવિદ્યા એ બન્ને માતાજીના સ્વરૂપો છે. વિદ્યા સ્વરૂપે એ જ જીવને મુક્ત કરવાવાળા છે અને અવિદ્યા રૂપે એ જ જીવને બાંધવાવાળા છે.
આ સ્તુતિની વિશેષતા એ છે કે સંપૂર્ણ શરણાગતિ ભક્તએ કેવીરીતે સ્વિકારવી એનું સ્પષ્ટપણે નિરૂપણ કર્યું છે. ઉદાહરણ - 'હું કામ, ક્રોધ, મદ, મોહ થકી છકેલો, આડંબરે અતિ ઘણો મદથી બકેલો.' આ પંક્તિઓ દ્વારા ભક્ત માતાજીને કહે છે કે નિર્દોષને તો બધા જ સ્વિકારે પણ તમે એવાં છો કે જે જીવો દોષોથી ભરેલાં છે એને પણ તમે સ્વિકારો છો અને, માટે જ આ સ્તુતિ એના છંદો રસિક છે. રસિક કહેતાં રસમય છે. પંક્તિમાં જ દર્શાવવામાં આવ્યું છે કે, 'સીખે, સુણે રસિક છંદ જ એક ચિત્તે, તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિત્તે. વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપો, મામ્ પાહી ઓમ્ ભગવતી ભવદુઃખ કાપો.'
આ સ્તુતિની વિશેષતા છે કે, ભક્ત માતાજીને કહે છે કે, હું શાસ્ત્ર નથી જાણતો, હું મંત્ર નથી જાણતો પણ હું એટલું જરૂર જાણું છું કે જીવનો જગદંબા સાથેનો જે સંબંધ છે એ સાચો છે અને માટે જ સ્તુતિમાં કહેવામાં આવ્યું કે, 'ના શાસ્ત્ર ના શ્રવણનું પયપાન પિધું, ન મંત્ર કે સ્તુતિ કથા નથી કાંઈ કિધું. શ્રદ્ધાધરી નથી કર્યાં તવનામ જાપો, મામ્ પાહી ઓમ્ ભગવતી ભવદુઃખ કાપો.'
આમ, વિશ્વંભરી સ્તુતિ એ સમગ્ર શાસ્ત્રનો સાર છે. આપણે શાસ્ત્રો વાંચીએ તો અંતે તો શરણાગતિનો જ ભાવ છે. એ ભાવ આ સ્તુતિમાં મુક્યો છે. આ સ્તુતિમાં ગુરુનો મહિમા પણ ગાવામાં આવ્યો છે. ગુરુ કૃપાથી જ શક્તિ તત્ત્વની ઓળખાણ થાય છે. માટે જ આ સ્તુતિમાં પંક્તિ છે કે, 'શ્રીસદ્ગુરુ ચરણમાં રહીને હજુ છું, રાત્રિ-દિને ભગવતી તુજને ભજુ છું. સદ્ભક્ત સેવકતણાં પરિતાપ ચાપો, મામ્ પાહિ ઓમ્ ભગવતી ભવદુઃખ કાપો.' ગુરુ સમાન કોઈ તત્ત્વ નથી એ વાત આ સ્તુતિમાં વર્ણવવામાં આવી છે. સદ્ગુરુ શબ્દ મુકી એમ કહેવામાં આવ્યું કે, ગુરુ એ છે કે જે સદ્ તત્ત્વનો પરિચય કરાવે. સદ્ એટલે ભગવાન, સદ્ એટલે શક્તિ.
ખરેખર માતા જગદંબા એ વિશ્વંભરી છે. વિશ્વમાં વ્યાપક છે. વિશ્વ એ માતાજીની મૂર્તિ છે. એવી માતા વિશ્વંભરીની કૃપા આપ સૌ ઉપર થાય.
- પ્રજ્ઞાચક્ષુ ડો. કૃણાલ જોષી








