Magazines

આનંદસ્વરૂપ બનવું હોય તો, પ્રતિશ્વાસે પ્રેમથી પ્રભુસ્મરણમાં તરબોળ થવું પડે

By GS TEAM
20 May 20262 mins read
આનંદસ્વરૂપ બનવું હોય તો, પ્રતિશ્વાસે પ્રેમથી પ્રભુસ્મરણમાં તરબોળ થવું પડે

વાસનાઓનો વિનાશ થાય તો જ પરમાત્માનું જ્ઞાન થાય. ઈશ્વર આનંદ સ્વરૂપ છે. સંસાર દુ:ખરૂપ છે. તેવો અનુભવ થાય પછી જ વાસનાઓ નાશ પામે. વાસનાઓનું મૂળ 'અજ્ઞાન' છે. જ્ઞાનથી અજ્ઞાન નાશ પામે, જ્ઞાનને ટકાવી રાખવા માટે 'જીવને' 'દુષ્ણાર્પણ' કરવો પડે.

'જ્ઞાની' કેવળ ઈન્દ્રિયોને, વિષયોમાં જતો રોકે છે. ઈન્દ્રિયોને રોકવાથી નહીં પણ પ્રભુ પ્રત્યે વાળવાથી વિષયો નાશ પામે છે.

શ્રીમદ્ ભાગવતના છઠ્ઠા સ્કંધમાં ત્રણ પ્રકરણ છે :-

(૧) ધ્યાન પ્રકરણ :- ચૌદ અધ્યાય છે તેમાં પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, મન, બુધ્ધિ, ચિત્ત, અહંકાર આ ચૌદને પરમાત્મામાં પરોવી રખાય તો ધ્યાન સિધ્ધ થાય છે.

(૨) અર્ચન પ્રકરણ :- બે અધ્યાયમાં, સ્થૂલ અર્ચન અને સૂક્ષ્મ અર્ચનનું વર્ણન કર્યું છે.

(૩) નામ પ્રકરણ :- ત્રણ અધ્યાયમાં ભગવાનનું ગુણસંકીર્તન અને નામસંકીર્તન વર્ણવ્યું છે.

ઉપરનાં ત્રણ સાધનો, ધ્યાન... અર્ચન...નામ સ્મરણની આદત પાડવી પડે.

ઈન્દ્રિયોને ભક્તિરસમાં તરબોળ ન કરો ત્યાં સુધી વાસનાઓ જતી નથી. રોજ ભગવાનનું ધ્યાન... સેવા... જપ કરવાથી મન શુધ્ધ થાય.

મનુષ્ય જીવનનું 'ધ્યેય'... નક્કી થવું જોઈએ. ધ્યેય નક્કી કર્યા પછી ધ્યેય સિધ્ધ કરવા પુરુષાર્થ કરવો પડે. લંકામાં સીતાજીએ ધ્યાન સાથે રામનામ સ્મરણ, સદ્ભાવ દૃઢતાથી કરેલું કે, ઝાડનાં પાંદડે પાંદડામાંથી રામનામનો ધ્વનિ સંભળાતો.

સંત જનાબાઈ 'જપ' કરતાં છાણાં થાપતાં. તે છાણાંમાંથી 'વિઠ્ઠલ... વિઠ્ઠલ... વિઠ્ઠલા નો ધ્વનિ નીકળતો.'

''અંજામિલ'' પણ ધ્યાન...અર્ચન... નામ-સ્મરણનાં આશ્રયથી કૃતાર્થ થયો.

સંસારમાં બંધાયેલો કોણ ? જે પાંચ વિષયો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષામાં આસક્તિઓ વાળો છે ને માયામાં બંધાયેલો છે.

સંસારમાં છૂટેલો કોણ ? - જેને પ્રબળ વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. ઘોર નરક કયું ? - પોતાનો ''દેહ'' જે મૂત્ર, વિષ, માંસ, લોહી વગેરે દુર્ગંધ યુક્ત પદાર્થથી ભરેલો છે તે.

ભગવાનને જે પોતાનો પ્રાણ અર્પણ કરે છે.

પ્રતિશ્વાસે પ્રભુસ્મરણ કરે છે. તેનામાં પાપ કરવાની ઈચ્છા થતી નથી. ઈશ્વરનું અનુસંધાન દરેક કાર્યમાં રાખવું. તો જ 'બ્રહ્મ' સંબંધ બંધાય.

જીવને આનંદરૂપ થવું હોય તો સચ્ચિદાનંદનો આશ્રય લેવો જ પડે. પ્રભુ સ્મરણમાં લીન થવું પડે. નારાયણ પરિપૂર્ણ છે. સાચી શાંતિ....સુખ...આનંદ.. પ્રભુમાં છે. ઉપર જણાવ્યા પ્રમાણે પુરુષાર્થ ઘરમાં રહીને પણ કરવાથી પરમાત્માને પ્રસન્ન કરી શકાય છે. ભગવાનનો આશ્રય લેવાથી નિર્ભયતા પ્રાપ્ત થાય છે.

આપણા હૃદયની દીવાલ ઉપર હજારો જન્મોનો કાટ ચડેલો છે. તે કાઢવા પ્રભુસ્મરણ, ચિંતન...મનન. આચરણ... થવાં જોઈએ.

કલિકાળ કુઠાર લિયે ફિરતા, તન નમ્ર હૈ, ચોટ ઝીલે ન ઝીલે રટલે નામ હરિ, ઓ રસના, અંતસમયમાં હીલી ન હીલો.