બે હજાર વર્ષ જેટલું પુરાતન શહેર: મહાબલિપૂરમ્
તમિલનાડુમાં આવેલું મહાબલિપૂરમ્ બે હજાર વર્ષ પ્રાચીન નગર છે. ૭મી સદીમાં તે એશિયાનું સમૃદ્ધ બંદર હતું. આ પ્રાચીન નગરમાં સંખ્યાબંધ મંદિરો અને હજારો પ્રાચીન શિલ્પો સહેલાણી, પુરાતત્ત્વવિદો અને અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. વેદિક કાળથી જાણીતા આ શિલ્પ સાહિત્યનો સમૂહ વિશ્વ વારસામાં સ્થાન પામ્યો છે.
મહાબલિપુરમ્ના શિલ્પો અને મંદિરો પહાડના ખડકોમાં કોતરાયેલા છે, ભવ્ય કોતરણીવાળા સ્થંભોવાળા ગુફામંદિરો ભવ્ય છે. તેમાં પલ્લવરાજાએ બંધાવેલું વિષ્ણુ મંદિર, પાંડવના પાંચ રથ, દરિયાકિનારાનું ભવ્ય મંદિર, ગંગા અવતરણનો ખડક વગેરે જાણીતા છે. કુદરતી અજાયબી ગણાય તેવો બેલેન્સિંગ રોક જાણીતો છે.
૨૦ ફૂટ ઊંચો, પાંચ મીટર પહોળો અને ૨૫૦ ટન વજનનો જંગી ખડક એક ખડક ઉપર સમતોલ રીતે પડેલો છે. હમણાં જ ગબડી પડશે તેવી સ્થિતિમાં વર્ષો સુધી પડેલો આ સમતોલ પથ્થર એક ઇંચ પણ ખસ્યો નથી. સ્થાનિક લોકો તેને કૃષ્ણના માખણનો ગોળો કહે છે.
દ્રવિડિયન શૈલીમાં આ હજારો શિલ્પો જોવા માટે સહેલાણીઓને સમય પણ ઓછો પડે. આધુનિક મહાબલિપુરમ્ શહેર અંગ્રેજોએ ૧૮૨૭માં વસાવેલું છે. તેની આસપાસ પણ ભવ્ય જોવાલાયક સ્થળો આવેલ છે.