બે દિલ્હીપ્રેમી ડિરેક્ટરો: રાકેશ મહેરા - ઈમ્તિયાઝ અલી

- 'વરસોથી, સદીઓથી આ ઐતિહાસિક શહેરમાં જુદી જુદી સંસ્કૃતિના થરો એકની ઉપર એક જમા થતા રહ્યા છે. તેને લીધે જ દિલ્હી બધાથી જુદું પડે છે.'
હિન્દી સિનેમાના બે ઈન્ટેલેચ્યુઅલ ડિરેક્ટર ઈમ્તિયાઝ અલી અને રાકેશ ઓમ પ્રકાશ મહેરા વચ્ચે એક વાત કોમન છે. બંને પોતાના વતન દિલ્હીને દિલ ફાડીને પ્રેમ કરે છે. ઇમ્તિયાઝ અલીએ પોતાની ફિલ્મો 'રોકસ્ટાર' અને 'તમાશા' તથા મહેરાએ 'રંગ દે બસંતી' અને 'દિલ્હી-૬' માં દેશની રાજધાનીને સુંદર રીતે પેશ કરી છે. એમના માટે દિલ્હી શૂટીંગ લોકેશનથી ઘણી વિશેષ છે.
થોડા દિવસો પહેલાં દિલ્હીના પ્રથમ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલની પુર્ણાહુતિના સેશનમાં રાકેશ મહેરા અને ઈમ્તિયાઝ અલીએ પાટનગર પ્રત્યેના અસીમ સ્નેહ અને પોતાના તથા પોતાની ફિલ્મો પર ઐતિહાસિક નગરના પ્રભાવ વિશે ખાસ્સી રસપ્રદ વાતો કરી. દિલ્હીની એકએક ગલી વિશેની એમની વાતો સાંભળીને સેશનમાં હાજર દર્શકો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. આ રહ્યા તેમની વાતોના થોડા અંશો:
રાકેશ મહેરા
દિલ્હી પાસે સ્ટોરીઝ (વાર્તાઓ)નો અખૂટ ભંડાર છે. એટલા માટે આ સિટી માત્ર ભારતભરમાંથી નહિ, આખા વિશ્વમાંથી આવતા લોકોની સંસ્કૃતિઓનું એક મિલન સ્થળ છે. એટલે તમે દિલ્હીની પાવર કેપિટલ કહી શકો. એ પાવર, મની પાવર કરતાં પણ અનેક ગણો મોટો છે. શહેરની માનવીય શક્તિ અકલ્પ્ય અને અતુલનીય રીતે સ્ટ્રોંગ છે, એટલે સિનેમામાં એમની ઘણી સ્ટોરીઝ કહી શકાય. એક બીજી વાત મારા મતે દિલ્હી ઘણાં વિરોધાભાસો વચ્ચે જીવતું અને ધબકતું શહેર છે. અહીંની હવામાં તમને અમુક વાત બહુ ગંભીર લાગે અને સાથોસાથ એ તમને ઝડપથી અદ્રશ્ય થતી પણ લાગે. તમને જે બાબત સામાજિક જાગરુકતા લાવતી લાગે એ જ બાબત પ્રત્યે તમારો પાડોશી એકદમ ઉદાસીન વલણ ધરાવતો હોય, એને એની લગીરે પરવા જ ન હોય. હું અહીંની અમલદારોને મળું છું ત્યારે મને સમજાય છે કે ભારત જેવો જટિલ શા માટે આગળ વધી રહ્યો છે. બ્યુરોક્રસી એને વિકાસના પંથ પર મૂકી રહી છે. દિલ્હીમાં મને એવા ઘણા લોકોનો ભેટો થાય છે જેમને મળ્યા પછી મનમાં એક જ પ્રતિક્રિયા આવે કે અરે! સત્યાનાશ! આવા લોકોને કારણે જ આપણે હજુ સ્ટ્રગલ કરી રહ્યા છીએ. આપણે બે ડગલાં આગળ વધીએ તો ત્રણ ડગલા પાછળ પણ આવીએ છીએ.
ઈમ્તિયાઝ અલી
દિલ્હીમાં ઈતિહાસના અનેક અધ્યાયો એકબીજા પર છવાયેલા છે. એને કારણે શહેરમાં વિચારોના અનેક સ્તર છે. વરસોથી, સદીઓથી આ ઐતિહાસિક શહેરમાં જુદી જુદી સંસ્કૃતિના થરો (લેયર્સ) એકની ઉપર એક જમા થતી રહી છે. તેને લીધે જ દિલ્હી બધાથી જુદું પડે છે.









