Magazines

ટ્વિન્કલ : અક્ષયનું કામ મને લખવામાં ટોકતા રહેવાનું છે

By GS TEAM
14 May 20264 mins read
ટ્વિન્કલ : અક્ષયનું કામ મને લખવામાં ટોકતા રહેવાનું છે

'મને નથી લાગતું કે બુક્સ અને સિનેમા - બંનેમાંથી કોઈએ મને કાંઈ આપ્યું હોય.  હા, મેં એમને જરૂર આપ્યું છે! હકીકતમાં પુસ્તકો તો મારું જીવન રહ્યાં છે.' 

ટોપના ફિલ્મી ફેમિલીમાંથી જુજ પત્નીઓ પોતાના નામવંત પતિના પડછાયામાંથી બહાર આવી પોતાની નોખી ઓળખ બનાવી શકે છે. આવી ટેલેન્ટેડ પત્નીઓમાં ટ્વિન્કલ ખન્નાનું નામ આગલી હરોળમાં આવે. અક્ષય કુમારને પરણ્યા બાદ સીધીસાદી કહ્યાગરી ગૃહિણી બનવાને બદલે ટ્વિન્કલ એક બહુશ્રુત અને જાણીતી લેખિકા બની ગઈ છે. હાથમાં વેલણને બદલે કલમ લઈ એણે પોતાની રમુજી શૈલીથી ભલભલાને ચિત કરી દીધા છે. બહુ થોડા વરસોમાં ટ્વિન્કલે 'મિસેસ ફન્નીબોન્સ' (૨૦૧૫), 'ધ લેજન્ડ ઓફ લક્ષ્મીપ્રસાદ' (૨૦૧૬), 'પાયઝામાડ આર ફોરગિવિંગ' (૨૦૧૮) અને 'વેલકમ ટુ પેરેડાઈઝ' (૨૦૨૩) જેવી બેસ્ટ સેલર્સ બુક આપી છે.

હમણાં ૨૩ એપ્રિલે 'વિશ્વ પુસ્તક દિન' ઉજવાયો ત્યારે ઓથર - ફિલ્મમેકરે પોતાના રાઇટિંગ (લેખન), દ્રષ્ટિકોણ, વિચારસરણી અને એક્ટર તરીકેની ટુંકી કરિઅર ઉપરાંત અંગત જીવન વિશે એક ઇન્ટરવ્યુમાં ઘણી બધી મજાની વાતો કરી. ઇન્ટરવ્યુના આરંભે જ ટ્વિન્કલને એક રસપ્રદ પ્રશ્ન કરાયો, આજ સુધીમાં તમે કઈ એવી સૌથી તીખી અને કટાક્ષભરી ટીપ્પણ કરી છે જેનાથી લોકો ગિન્નાયા હોય અને તમને પણ તમારું વલણ બદલવાનો વિચાર આવ્યો હોય? એના જવાબમાં ફિલ્મ પ્રોડયુસર અને ઓથર (લેખિકા) એક ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ સંભળાવે છે, 'ઘણાં અરસા પહેલા મેં યુકેમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સેનિટરી પેડ્સ પર ટેક્સ નખાય છે અને વાયેગ્રા ટેક્સ-ફ્રી છે કારણ કે નીતિઓ ૬૫ વરસના પુરુષો દ્વારા ઘડાય છે. હકીકતમાં મેં યુકેના સંદર્ભમાં આ વાત કરી હતી કારણ કે ભારતમાં તો વાયેગ્રા ઉપર પણ ટેક્સ હતો. હું ભારત પાછી ફરી ત્યારે અમુક રાજકારણીઓ 'પેડમેન' ફિલ્મના પ્રિમીયરમાં ન આવ્યા કારણ કે એમને એવું લાગ્યું કે મેં ઉક્ત કમેન્ટ એમને ટાર્ગેટ કરવા કરી હતી. કમનસીબે એ બધા ૬૫ વરસના હતા.' ૨૦૧૮માં રિલિઝ થયેલી 'પેડમેન' ટ્વિન્કલ ખન્નાએ પ્રોડયુસ કરી હતી, જેમાં અક્ષય કુમાર લીડ રોલમાં હતો.

બીજો પ્રશ્ન પરીક્ષા કરનારો હતો, 'તમે તમારો મત બેધડક માંડવા માટે જાણીતા છો. શું તમારી પુસ્તક વાંચીને લોકોને થોડું માઠું લાગે તો શું તમે એને તમારી સફળતા ગણશો?' એનો નિર્ભીક જવાબ આપતા ટ્વિન્કલ કહે છે, 'મને લાગે છે કે મારું હવે પછીનું પુસ્તક વાંચીને ઘણા લોકો નારાજ થશે. પરંતુ મારે અહીં એવો ખુલાસો કરવો છે કે મારું કામ એટલું લોકોને માઠું લગાડવાનું નથી. મારી ફરજ લોકોને જે દેખાય છે એ વસ્તુ આંખ ઉઘાડીને જોતા કરવાની છે. થાય છે એવું કે આપણાં માઈન્ડનું કન્ડીશનીંગ આપણને અમુક બાબતો પ્રત્યે આંખ આડા કાન કરવા પ્રેરે છે એટલું નેકસ્ટ બુકમાં હું જે વાત કહીશ એ લોકોને વાંધાજનક લાગે એવું બની શકે.'

ઇન્ટરવ્યુના પછીના સવાલમાં શ્રીમતી ખન્નાકુમારને પૂછાયું, 'મેડમ, તમે પહેલા એક્ટર હતા અને હવે જાણીતા ઓથર છે. તમને પુસ્તકોએ એવું શું આપ્યું છે, જે સિનેમાએ નથી આપ્યું?' ટ્વિન્કલ પોતાના અસ્સલ મિજાજમાં એનો જવાબ આપે છે, 'મને નથી લાગતું કે બુક્સ અને સિનેમા - બંનેમાંથી કોઈએ મને કાંઈ આપ્યું હોય. હા, મેં એમને જરૂર આપ્યું છે. હકીકતમાં પુસ્તકો જ મારું જીવન રહ્યાં છે. એ જ રીતે સિનેમા પણ મારી લાઈફ છે. બંનેનો મારી લાઈફમાં મહત્ત્વનો ફાળો છે. હું જે લખું છું એમાનું ઘણું બધુ મેં એક યુવાન અભિનેત્રી તરીકે કરેલા અનુભવોનો પડઘો છે. દાખલા તરીકે, પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે રખાતો ભેદભાવ. ખેર, મારી અંદર જે સ્કિલ છે એ પુસ્તકોની દુનિયાને વધુ અનુકુળ છે. મને કવિતા અને ભાષા ઉપરાંત શબ્દોની રમત ગમે છે. મારો ભાષાપ્રેમ મને મારા ડેડી (સદ્ગત એક્ટર રાજેશ ખન્ના) પાસેથી વારસામાં મળ્યો હોય એવું મને લાગે છે.'

પછીની પૃચ્છા એકદમ અંગત છે, 'ટ્વિન્કલજી, તમારા હસબન્ડ અક્ષયકુમાર તમને લખવા બાબતમાં કોઈ સૂચનો કરે છે ખરા?' મિસિસ ફની બોન્સની લેખિકા એનો ફની જવાબ આપે છે, 'હજુ આજ સવારની જ વાત છે. હું અક્ષય સાથે મારી નેકસ્ટ કોલમના ટોપિક વિશે ચર્ચા કરી રહી હતી ત્યારે એમણે મને કહ્યું, મત કરના. ઈન બાતોં મેં મત પડના. ઈન શોર્ટ, મારા રાઇટિંગ કરીઅરમાં આ 'મત કરના' એમનું સૌથી મોટું યોગદાન છે.'

સમાપનમાં પણ પર્સનલ પૃચ્છા કરી લેવાઈ, 'શું તમે એક્ટિંગમાં ક્યારેક કમબેક કરશો?' એ વાત પર પૂર્ણવિરામ મુકી દેતા ટ્વિન્કલ કહે છે, 'મને નથી લાગતું કે હું ક્યારેય કમબેક કરું. ઈન ફેક્ટ, કેમેરા મને હમેશાં બીવડાવતો રહ્યો છે. હું સ્પોટલાઈટમાં ખુશ નથી રહી શકતી. મને ઉનાળામાં લૂ લાગવા જેવું લાગે છે.'